Gujarat

ઉત્તર ગુજરાત, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં માવઠું, કચ્છ સતત ત્રીજા દિવસે પલળ્યું

અમદાવાદ: ગુજરાત (Gujarat) માં ભરઉનાળે માવઠા વધ્યાં છે. આજે પણ મહેસાણા, પાટણ (Patan), કચ્છ, રાજકોટ (Rajkot) અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ (climate) બદલાયું હતું અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન (wind) સાથે વરસાદ (rain) થયો હતો. ચાલુ વર્ષે ઉનાળા (summer) માં થોડા થોડા દિવસોના આંતરે વાતાવરણમાં પલ્ટો (change) આવી રહ્યો છે જેને પગલે ધરતીપુત્રો (farmers) માં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 30મી એપ્રિલ સુધી છૂટાછવાયા વરસાદ તેમજ ક્યારેક ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ આજે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આજે બપોરે વાતાવરણ ઓચિંતું પલટાયું હતું. ભારે પવન ફુંકાવો શરૂ થયો હતો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હારીજ માર્કેટ યાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યાર્ડમાં હરાજી માટે આવેલી 4500થી વધુ બોરી એરંડા સહિતના પાકોની આવક થઈ હતી, જે પૈકીની 2500થી વધુ બોરી વરસાદને કારણે પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મહેસાણા જિલ્લાના જોટાણામાં પણ માવઠું થયું હતું. આ ટાઉનમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામોમાં પણ આજે માવઠા થયાનું જાણવા મળ્યું છે. જેમાં જિલ્લાના સરહદી વિસ્તારના માંડલ, કુંડલી, બાપા, ધાનેરા, વાછોલ જેવા ગામોમાં ઠીક ઠીક વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં બપોર પછી કમોસમી વરસાદે કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરાવી હતી. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં ઠીક ઠીક વરસાદ પડ્યો હતો. જેમાં અયોધ્યા ચોક, મવડી ચોકડી, 150 ફૂટ રિંગરોડ જેવા કેટલાક વિસ્તારોમાં વરસાદ તૂટી પડતાં શહેરીજનો અટવાઈ પડ્યાં હતાં.

ખાસ તો કચ્છ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે માવઠાના સમાચાર મળી રહ્યાં છે. કચ્છના ભૂજ તેમજ અંજાર તાલુકામાં આજે વરસાદ થયાના અહેવાલ સાંપડ્યાં છે. તેમાં પણ ખાસ કરીને અંજારના રત્નાલ ગામે કરાં પડ્યાં હતાં અને પોણો કલાક સુધી કરાં સાથેનો વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આ દરમિયાન એક ઈંચ કરતાં વધુ પાણી પડ્યાંનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, ગામમાં એક કથા ચાલી રહી છે અને વરસાદને કારણે કથામાં અવરોધ આવશે તેવું લાગતાં ગામલોકોએ પ્રાર્થના કરી હતી અને વરસાદે વિરામ લીધો હતો.

હવામાન વિભાગની આગાહી હજુ પણ 30મી એપ્રિલ સુધી છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં તેમજ ગાજવીજ, ભારે પવન સાથે માવઠાની શક્યતા જોવાઈ રહી છે. ભરઉનાળે વાતાવરણમાં પલ્ટો થતાં સામાન્ય લોકોને ગરમીથી રાહત મળી રહી છે. જો કે ખેડૂતો માટે આ માવઠાં વિષવર્ષા જેવા સાબિત થવા જઈ રહ્યાં છે. રાજ્યભરમાં ઠેર ઠેર લણેલો પાક કે પછી ખેતરોમાં તૈયાર થઈ ગયેલો પાક પલળીને બગડી ગયાના અહેવાલો ફરતાં થયા છે. જેને પગલે ધરતીપુત્ર ચિંતિત છે, તો બીજી તરફ વર્ષભર પાકની અછત વર્તાય અને અનાજ-શાકભાજીના ભાવવધારા પણ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Most Popular

To Top