National

મુંબઈની બસમાં મુસાફરી માટે હેડફોન કેમ કરાયા ફરજિયાત? કારણ જાણી ચોંકી જશો…

મુંબઈ: મોબાઈલ (Mobile) પર જોર જોરથી વાતો કરવાના લીધે કે પછી મોબાઈલમાં કોઈ ઓડિયો કે વીડિયો જોતી સાંભળતી વખતે સહપ્રવાસીઓને થતી હેરાનગતિની અનેક ફરિયાદો મળ્યા બાદ મુંબઈની બસ સેવા BEST દ્વારા એક વિચિત્ર પણ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. બેસ્ટ દ્વારા બસમાં મુસાફરી કરતી વખતે હેડફોન (HeadPhone) વિના મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણય યાત્રા કરી રહેલા સહ મુસાફરોને થતી તકલીફને જોતાં સિટી સિવિક ટ્રાન્સપોર્ટ બોડી દ્વારા લેવામાં આવ્યો છે.

યાત્રીઓ તરફથી ફરિયાદો મળ્યા બાદ બેસ્ટએ લીધો નિર્ણય
બેસ્ટના પ્રવક્તાએ કહ્યું કે, સહ મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મુસાફર વારંવાર તેમના સહ મુસાફર દ્વારા મોટા અવાજમાં ફોન પર વીડિયો–ઓડિયો સાંભળતાં હોવાની અને વાત કરતાં હોવાની ફરિયાદ કરતા હતા. જેના પર બેસ્ટએ આ નિર્ણય લીધો છે અને 24 એપ્રિલે આ સંદર્ભમાં ગાઈડલાઈન બહાર પાડી છે.

હવે હેડફોનનો ઉપયોગ કરવાનો રહેશે
નિયમ અનુસાર હવે બેસ્ટની બસોમાં યાત્રા કરવાના સમયે મુસાફરોને મોબાઈલ પર વીડિયો-ઓડિયો સાંભળતી વખતી હેડફોનનો ઉપયોગ કરવો પડશે. બેસ્ટ મુંબઈ અને પાડોશી શહેરો માટે એક સાર્વજનિક સેવા છે. બેસ્ટના પ્રવક્તાએ કહ્યું કે ‘બેસ્ટ એક સાર્વજનિક પરિવહન સેવા છે. એટલે જ મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચાવવા માટે બોમ્બે પોલીસ એક્ટની કલમ 38/112 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, તમામ સંબંધિત વિભાગોમાં આ સંદર્ભે ગાઈડલાઈન પ્રદર્શિત કરવા માટે કહેવામાં આવ્યું છે.’

બેસ્ટની બસોમાં પ્રતિ દિવસ 30 લાખ મુસાફરો મુસાફરી કરે છે
અધિકારીઓએ કહ્યું કે બેસ્ટની બસોમાં કામ કરતાં તમામ પ્રાઈવેટ અને સરકારી કર્મચારીઓને પણ આ ગાઈડલાઈનની માહિતી આપવામાં આવશે. બેસ્ટની પાસે 3400 બસો છે. બેસ્ટ મુંબઈ, ઠાણે, નવી મુંબઈ અને મીરા-ભાયંદરમાં બસ સેવા આપે છે, બેસ્ટની બસોમાં પ્રતિ દિવસ 30 લાખથી વધુ મુસાફરો મુસાફરી  કરે છે.  

દંડ અથવા ત્રણ મહિનાની જેલ થઈ શકે છે
આ ગાઈડલાઈનનો ઉલ્લંઘન કરનાર પાસેથી પોલીસ 1200 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનો દંડ લઈ શકે છે અથવા ત્રણ મહિનાની જેલ થઈ શકે છે. ફરિયાદ મળ્યા પછી પોલીસ ઘટનાની ગંભીરતાને જોઈને દંડ લઈ શકે છે. આ મામલામાં દંડની ચૂકવણી નહીં કરી તો વ્યક્તિને પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવશે અને કોર્ટમાં ઉપસ્થિત રહ્યા પછી સજા આપવામાં આવશે.

Most Popular

To Top