Dakshin Gujarat

સમગ્ર ગુજરાતમાં 6 દિવસથી ક્વોરી ઉદ્યોગ બંધ, 50 હજાર ટ્રકનાં પૈડાં થંભી ગયાં, લાખો કામદારો બેકાર થયા

વ્યારા: તાપી (Tapi) જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના (Gujarat) ક્વોરી સંચાલકોના ક્વોરી અને લીઝના ૧૭ જેટલા પ્રશ્નો વર્ષોથી ટલ્લે ચઢતા ગુજરાત ક્વોરી એસોસિએશન દ્વારા ગુજરાતમાં છેલ્લા ૬ દિવસથી ક્વોરી ઉદ્યોગ બંધ (Close) છે. ક્વોરીઓમાં ઉત્પાદન અને નિકાસ બંધ કરવાનો નિર્ણય લેવાતાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને જબરજસ્ત આર્થિક નુકસાન થઈ રહ્યું છે. લાખો કામદારો બેકાર થયા છે. અંદાજિત ૫૦ હજાર ટ્રકનાં (Truck) પૈડાં થંભી ગયાં છે, જેમાં દોઢ લાખ જેટલા લોકો બેકાર થતાં શ્રમજીવીઓને રોજીરોટીની સમસ્યા સર્જાઈ છે. આશરે ૩૦૦૦ જેટલા ક્વોરી પ્લાન્ટો બંધ થવાના કારણે સરકારને રોયલ્ટીની દૈનિક આવક ૨૫ કરોડ જ્યારે ડી.એમ.એફ., G.S.T. આવકમાં પણ ૧૦ કરોડ જેટલો ફટકો પડી રહ્યાનું જાણવા મળ્યું છે. ડીઝલ ૧ ક્વોરીમાં દૈનિક અંદાજિત ૫૦૦ લીટર લેખે આશરે ૩૦૦૦ ક્વોરીનું ગણીએ તો ૧૫,૦૦,૦૦૦ લીટર જેટલું, જ્યારે ટ્રકમાં ૫૦,૦૦૦ x ૨૦૦ લેખે ૧ કરોડ લીટર થવા જાય છે. જેનું વેચાણ હાલ અટકી ગયું છે. જેના કારણે વેટ, એક્સાઈઝની આવક ઘટી છે. અંદાજિત ૧ ક્વોરીમાં ૫૦૦ KVAનું કનેક્શન એવરેજ છે. ૧૫૦૦ મેગા વોટ વીજળીનો વપરાશ બંધ થયો છે. એના ઉપર લાગતા ટેક્સની ગણતરી કરીએ તો ટોલની આવક પણ ઘટી છે. ગેરેજ, હોટલને પણ આર્થિક નુકસાન થઇ રહ્યું છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બધુ આયાત થઈ રહ્યું છે, પણ કપચીનું વેચાણ બંધ થયું છે. ક્વોરી ઉદ્યોગ બંધને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ તમામ ૧૦૦ ટકા જિલ્લાએ સજ્જડ બંધ પાળી એકતા દર્શાવી છે. સંપૂર્ણ ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગ બંધ છે, ગુજરાત બ્લેક સ્ટોન કવોરી ઈન્ડ. એસોસિએશનના પ્રમુખ હિતેન્દ્ર એસ. ઉપાધ્યાયનું કહેવું છે કે, સરકાર અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ક્વોરી ઉદ્યોગને છેક દિવાળી સુધી બંધ રાખવાની તૈયારી છે. ક્વોરીના ૧૭ જેટલા પ્રશ્નો પૈકી મુખ્ય સાત માંગણી સરકાર સમક્ષ મુકાઈ હતી. ૧૧ વર્ષથી તે પ્રશ્નોનો પણ કોઇ નિકાલ આવ્યો નથી. ૧ મેથી ક્વોરી પ્લાન્ટ, ખાણમાંથી પ્રોડક્શન અને સપ્લાય બંધ કરવાની જાણ પણ સરકારને કરાઇ હતી, પણ કોઇ ઉકેલ ન આવતાં ખાણ ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો અને પ્લાન્ટ પર કામ કરતા મજૂરો બેકાર બની ગયા છે. આ ક્વોરી બંધ થવાથી મેટ્રો, Express હાઈવે, બુલેટ ટ્રેન, નગરપાલિકા, મ્યુનિસિપાલિટીમાં ચાલતા રોડનાં કામો, જિલ્લા પંચાયત સ્ટેટ હાઈવેમાં ચાલતા રોડ-બ્રિજનાં કામો, રેલવે કોરિડોરનાં કામો, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કામો, ઈન્ડસ્ટ્રીઝમાં ચાલતાં સિવિલ કામો, બિલ્ડરનાં કામો, RMC તથા ડામર પ્લાન્ટો તમામ બંધ થયા છે. આ તમામ બંધ થવાથી તેમાં સંકળાયેલા લાખો કામદારો અલગથી બેકાર થયા છે.

Most Popular

To Top