Gujarat

‘ડિજિટલ ઇન્ડિયા વીક-2022’નું એક્ઝિબિશન તા.11 જુલાઇ સુધી લંબાવાયું

ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma Temple) ખાતે આયોજીત ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’નું એક્ઝિબિશન તા.૧૧ જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. પીએમ (PM) નરેન્દ્ર મોદી દ્વારા ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’નો આરંભ કરાવાયો હતો. તે પછી તેમણે સૌને આ એક્ઝિબિશન નિહાળવા અપીલ કરી છે ત્યારે આ એક્ઝિબિશન નાગરિકો માટે વધુ પાંચ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તા.૪ થી ૬ જુલાઇ સુધી ખુલ્લુ રહેનાર એક્ઝિબિશન હવે તા.૧૧ જુલાઇ સુધી લંબાવવાનો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબીનેટ પ્રવકત્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ડિજિટલ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના વિવિધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. જેમાં સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ જેવા કે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સેવાઓ કેવી રીતે સરળતાથી મળી રહે છે તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે. તે ઉપરાંત યુવાનોના સ્ટર્ટઅપ, ઇનોવેશન અને આઇડિયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top