SURAT

આજે તાપી માતાનો જન્મ દિવસ: શહેરીજનો તાપી માતાની આરતી ઉતારશે અને ચૂંદડી અર્પણ કરશે

સુરત: અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો (Tapimata) જન્મ દિવસ (Birthday) છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ (Granth) લખાયો છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા દક્ષિણ તરફ લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે.

  • સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ
  • ગંગા, નર્મદા કરતા પણ તાપી પૌરાણિક નદી હોવાનું મનાય
  • ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓમાં લોકમાતા તાપીમૈયાનું ભારે મહાત્મ્ય જોવા મળે છે

સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતા તાપી મૈયાનો જન્મ થયો. જેમાં મુખ્ય લોકવાયકા મુજબ, બ્રહ્માજીના નાભિકમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્ય સૂર્યદેવનું તપ કર્યુ હતું. દેવોના તપને લઇ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા, આનંદના અતિરેકમાં એમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી પર પડયું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપીનો જન્મ થયો.

ગંગા, નર્મદા કરતા પણ તાપી પૌરાણિક નદી હોવાનું મનાય છે. ગંગાજીમાં સ્નાન, નર્મદાના દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પાપો નષ્ટ થાય છે એવી ભાવિક ભક્તોમાં દ્રઢ માન્યતા છે. શહેરીજનો દ્વારા દર વર્ષે ભારે હર્ષોલ્લાસ સાથે તાપીમાતાના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. શહેરીજનો તાપી માતાની આરતી ઉતારશે અને તેમને ચૂંદડી અર્પણ કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં મૂલ્તાઇ સરોવરમાં જન્મસ્થાન ધરાવતી લોકમાતા તાપીમૈયા નો એક પ્રવાહ મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઇને 724 થી વધુ કિલોમિટરની સફર ખેડીને સુરતમાં પ્રવેશ કરે છે. અને તે પછી હજીરાના દરિયામાં સમાઇ જાય છે. મૂલ્તાઇમાં જન્મ બાદ એક ફાંટો મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઇને સુરત આવે છે. ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓમાં લોકમાતા તાપીમૈયાનું ભારે મહાત્મ્ય જોવા મળે છે. તાપી માતાને સુરતવાસીઓ જીવાદોરી માને છે ખાસ કરીને તાપી કિનારાના શહેરો અને ગામડાઓ તો ખેતીથી સમૃદ્ધિ તો પામ્યા જ છે તેમની સાથે સાથે 1970-71 માં ઉકાઈ જળાશયની મહત્વકાંક્ષી સિંચાઇ પરિયોજના સાકાર થતાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લા ઓને સિંચાઇના પાણીનો લાભ મળ્યો છે.

Most Popular

To Top