Gujarat

ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અન્વયે 56 MOU થયા

ગાંધીનગર: ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MOU કરવાનો નવતર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેના પાંચ તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ પ૬ જેટલા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ ૭૯,૩૭પ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે. એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી પ૪,૭૩૦ જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે.

”ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ”ને વધુ ગતિ આપતાં આ સોમવારે તા.ર૦મી માર્ચે એક જ દિવસમાં ર૦ MOU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા. ર૦ MOU દ્વારા રાજ્યમાં રૂ.૧૧,૮ર૦ કરોડનું સૂચિત રોકાણ આવશે અને ૧૬,૧૦૦ જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MOU અન્વયે લિથીયમ-આયન બેટરી મટિરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, API, ક્રાફટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે.

આ ઉદ્યોગો દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમજ દ્વારકા, ધોળકા તથા સાદરા-કડીમાં પોતાના ઉત્પાદન એકમો દ્વારા ર૦રપ સુધીમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરશે. આ ”આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ” અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ MOU કરેલા છે.

Most Popular

To Top