SURAT

ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ: બુઘવારે 494 રૂટો પર EVM સહિતની સામગ્રી સ્ટાફ સાથે મોકલી દેવાશે

સુરત: આગામી ગુરુવારે યોજાનારા મતદાનની (Voting) પૂર્વ તૈયારીના ભાગરૂપે આવતીકાલ તારીખ 30 નવેમ્બર ને બુધવારે બપોર બાદથી જ સુરત (Surat) શહેર જિલ્લાનાં ૪૭૦૦ જેટલાં મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ તેમજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને તેની સાધન સામગ્રી રવાના કરી દેવામાં આવશે. સુરત શહેર જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠક પર ઊભાં કરવામાં આવેલાં મતદાન મથકો સુધી ઇવીએમ (EVM) તથા સાધન સામગ્રી અને સ્ટાફ ને પહોંચાડવા માટે 6000 જેટલાં વાહનોને જુદા જુદા 494 રૂટ પર રવાના કરવામાં આવશે.

સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠક પર ગુરુવારે સવારે આઠ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ જાય અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ 19,500 જેટલા પોલિંગ સ્ટાફને જુદી જુદી ફરજો સોંપી છે. આ પોલિંગ સ્ટાફ આવતીકાલે બુધવારે બપોર બાદથી જ પોતપોતાને સોંપાયેલાં મતદાન મથકો પર સાધન સામગ્રી સમય રવાના થઈ જશે. પોલિંગ સ્ટાફની સાથે જ દરેક મતદાન મથક અને મતદાન બુથ પર પોલીસ તેમજ લશ્કરી દળોના જવાનોની કુમકો પણ મતદાન મથકોએ પહોંચી જશે.

બુધવારે આખી રાત પોલિંગ સ્ટાફ તેમને સોપાયેલા મતદાન મથકો પર જ રહેશે અને આવતીકાલે સવારે 8ના ટકોરે મતદાન શરૂ થઈ જાય એ માટેની પૂર્વ તૈયારીઓ કરશે. પોલિંગ સ્ટાફને આપવામાં આવેલી ટ્રેનિંગ મુજબ મતદાનના દિવસે સમગ્ર મતદાનની પ્રક્રિયા દરમિયાન જુદા જુદા પત્રકો તેમજ માહિતીઓ જિલ્લાના મુખ્ય કંટ્રોલ રૂમ સુધી પહોંચે તેમજ દર કલાકે મતદાનના આંકડા અપડેટ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. મતદાન પૂર્ણ થઈ ગયા બાદ જરૂરી પત્રકો ભરીને રિસિવિંગ સેન્ટર પર પહોંચાડવા સુધીની જવાબદારીઓ પોલિંગ સ્ટાફને સોંપવામાં આવી છે.

C-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર આચારસંહિતા ભંગની 2062 ફરિયાદ મળી
ગત તારીખ પાંચમી નવેમ્બરથી સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવાયો હતો. પાંચમી નવેમ્બરથી જ ચૂંટણી તંત્રએ કોઈપણ વ્યક્તિ આચારસંહિતા ભંગની કોઈપણ પ્રકારની ફરિયાદ સરળતાથી કરી શકે એ માટે C-VIGIL મોબાઈલ એપ્લિકેશનને કાર્યરત કરી દીધી હતી. મતદાનને આડે એક દિવસ બાકી છે ત્યાં સુધીમાં મળતી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાંથી સૌથી વધુ ફરિયાદો આચારસંહિતા ભંગ સંદર્ભે મળી છે. ચૂંટણી અધિકારી એ આપેલી માહિતી મુજબ આચારસંહિતા ભંગની કુલ 2062 ફરિયાદ સી-વિજલ એપ ઉપર મળી છે, જેમાં સૌથી વધુ 556 ફરિયાદ કતારગામ મત વિસ્તારમાંથી મળી છે. વરાછા રોડ વિધાનસભા વિસ્તારમાંથી આચારસંહિતા ભંગની 296 ફરિયાદ, ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાંથી 282 ફરિયાદ તેમજ કામરેજ વિધાનસભા વિસ્તારમાંથી 272 ફરિયાદ આચાર સંહિતાની મળી હતી. આ પૈકી મોટા ભાગની ફરિયાદોને જિલ્લા ચૂંટણી તંત્રની જુદી જુદી ટીમોએ સ્થળ પર જઈને તેનો નિકાલ કરી દીધો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top