Gujarat

મેઘરાજા આરામ કરો..જૂનાગઢ બાદ હવે અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયું

ગુજરાત: આ વર્ષે વરસાદે તો ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશને તેના કહેરનો ભોગ બનાવ્યો છે. ગુજરાતમાં એક પછી એક દરેક શહેર વરસાદને (Heavy Rain) કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં (Ahemdabad) બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજે જ અમદાવાદમાં મૂશળધાર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. શહેરના ઉસ્માનપુરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, પાંજરાપોળ, યુનિવર્સિટી, એસજી હાઇવે, ઇસ્કોન, થલતેજ, બોપલ સહિતના વિવિધ વિસ્તારોમાં ચારે બાજુ પાણી જ પાણી હોવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે ટ્રાફિકની સમસ્યા હજી વધુ થઇ છે. શહેરના એસજી હાઇવે પર ગુરુદ્વારા નજીક વરસાદના કારણે ટ્રક બંધ પડી જતાં ટ્રાફિક જામ થઇ ગયુ હતું. જ્યારે અન્ય વિસ્તારોમાં રોડ પર એક કિલોમીટર જેટલી વાહનોની લાઈન લાગી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદમાં હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. તેમજ રાજ્યભરમાં આગામી ચાર દિવસ વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. જેનાથી આશરે 24 જુલાઇ સુધીમાં ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. તેમજ રાજ્યના મોટભાગના શહેરોમાં સામન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ જૂનાગઢમાં મેઘની ઘમાકેદાર બેટિંગથી 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિત સર્જાઈ છે. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. કાળવા નદી બે કાંઠે વહેતી થઇ છે. જ્યારે શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતી સર્જાઈ છે. શહેરમાં પાણી ફરી વળતાં અનેક કારો રમકડાની જેમ તણાઇ ગઇ હતી. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ અને ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને અગવવડ પડી રહી છે.

નવસારીમાં પણ આભ ફાટયું હતું. 4 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ થોભવાનું નામ ન લેતા લોકોએ પણ ઘણી હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં મેઘાએ ધબધબાટી બોલાવી હતી. ચાર કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જ્યારે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. રાત્રે 2થી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં પાદરા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Most Popular

To Top