SURAT

સિવિલનું 7.56 કરોડનું GST કૌભાંડ : બિલ પર સહીં કરવાની ના પાડનાર ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની રાતોરાત બદલી!

સુરત સિવિલ હોસ્પિટલમાં 7.56 કરોડનું GST કૌભાંડ આચરાયું હોવાની મુખ્યમંત્રીને કરાયેલી લેખિત ફરિયાદની કોપી વાઇરલ થયા બાદ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની તાત્કાલિક નર્સિંગ કોલેજમાં બદલી કરી દેવાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સિવિલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે આરોગ્ય વિભાગની ઉપરવટ જઈ રાકેશ નામના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ બદલી કરી દીધી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સિવિલ વહીવટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશભાઈની બદલી માત્ર આરોગ્ય વિભાગ જ કરી શકે છે. આ બાબતે તેઓનો સંપર્ક કરાતા રાકેશભાઈએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે GSTના તફાવતના 124 બિલ પર ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશે સહી કરવાની ના પાડી દેતા એની રાતોરાત બદલી કરાઈ હતી. એટલું જ નહીં પણ રાકેશે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને તમામ પ્રકારથી સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાની હાલ વાત ચાલી રહી છે. જોકે સિવિલ સુપરિટેન્ડન્ટે કોઈનું પણ સાંભળ્યા વગર બિલ પર સહી કરી 7.56 કરોડના બિલને આગળ કાર્યવાહી માટે મોકલી દીધા હતા. હાલ રાકેશ નર્સિંગ કોલેજના વહીવટી વિભાગમાં ફરજ બજાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કેટલાક કર્મચારીઓનું કહેવું છે કે રાકેશ તમામ પ્રકારની હકીકતથી વાકેફ છે.

હોસ્પિટલ સુત્રોના જણાવ્યા અનુસાર 7.56 કરોડના GST કૌભાંડની મુખ્યમંત્રીને કરાયેલી ફરિયાદમાં પેરા-મેડિકલ, વહીવટી અને ક્લાસ 3 અને 4 નો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી (વિશ્વા એન્ટર પ્રાઈઝ) દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. કર્મચારીઓના નામે GST બીલ બીજી વાર મુકી કરોડો રૂપિયાનો સરકારને ચુનો લગાડનાર સામે કડક પગલા ભરવાની માંગ કરાઈ છે. 2020થી 2022 વચ્ચેના કર્મચારીઓના 6 મહિના પહેલા તફાવતના બાકી 124 બિલ મુકી 7.56 કરોડનું કૌભાંડ કરાયું હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.

  • આ પ્રકરણમાં એક નહીં પણ અનેક વ્યક્તિ સંડોવાયેલી હોવાની શંકા
    આ પ્રકરણમાં એક નહીં પણ અનેક વ્યક્તિઓ સંડોવાયેલા હોય એવી વાત પણ કેમ્પસમાં વેગ પકડી રહી છે. હાલ આખો મામલો બહાર આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની વાત સામે આવી છે.

Most Popular

To Top