Business

સુરતમાં ઉદ્યોગકારોને રહેણાંક સરનામા ઉપર જીએસટી રજિસ્ટ્રેશન નહીં આપવામાં આવતાં રજૂઆત

સુરત: ચેમ્બર (chamber of commerce)ના પ્રતિનિધિમંડળે જીએસટી વિભાગ (Gst dept) સુરત (surat) ડિવિઝન-૭ના જો.કમિ. જોઇન્ટ કમિશનર એ.બી.મહેતા અને ૮ના જોઇન્ટ કમિશનર પી.જે.પૂજારાની મુલાકાત લીધી હતી.

હાલમાં ઉદ્યોગકારો (Industrialist)ને રહેણાંક સરનામા (residential address) ઉપર જીએસટી રજિસ્ટ્રેશન (registration)નહીં આપવામાં આવતાં નાના ઉદ્યોગકારોને પડી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે રાજ્ય જીએસટી વિભાગ દ્વારા કાયદાની અન્વયે ઉદ્યોગકારોને રહેણાંક સરનામાં ઉપર જીએસટી રજિસ્ટ્રેશન ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ચેમ્બરે ગુજરાત રાજ્યના ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સિસ જે.પી.ગુપ્તાને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી દેશમાં તથા ગુજરાત રાજ્યમાં કોવિડ–૧૯ને કારણે ઘણા ખરા ઉદ્યોગ–ધંધાઓ ઠપ્પ થયા હતા. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ફરીથી ચાલુ કરવા માટે આર્થિક પેકેજ અમલમાં મૂકવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આપવાની બાંયધરી આપી છે. આખો દેશ જ્યારે આર્થિક તકલીફમાંથી પસાર થઇ રહ્યો છે તથા મહિલાઓ, વિદ્યાર્થીઓ અને નાના–નાના વેપારીઓ આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે વેપાર–ધંધો ઘરેથી કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આવી સ્થિતિમાં હાલમાં જીએસટી વિભાગના અમુક અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને રહેણાંક સરનામા ઉપર જીએસટી રજિસ્ટ્રેશન આપવામાં આવી રહ્યું નથી. સીજીએસટી એક્ટ ર૦૧૭ના કાયદામાં પણ ધંધા–રોજગારનું સરનામું રહેણાક નહીં હોવું જોઇએ તે અંગે સ્પષ્ટ જોગવાઇ નથી. ત્યારે જીએસટી વિભાગના અમુક અધિકારીઓ પોતાની રીતે મનઘડત અર્થઘટન કરી નવા ઉદ્યોગકારો પાસેથી સોસાયટી પ્રમુખનું એનઓસી, ગુમાસ્તા ધારા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરે વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે, જે કાયદાની જોગવાઇ મુજબ નથી. ધંધા–રોજગારનું સરનામું રહેણાક નહીં હોવું જોઇએ.

જે અંગે જો કાયદામાં કોઇ જોગવાઇ હોય તો તે અંગે જીએસટી વિભાગ તરફથી ખુલાસો કરવામાં આવે અન્યથા નવા ઉદ્યોગકારોને કાયદાની અન્વયે રહેણાક સરનામા ઉપર જીએસટી રજિસ્ટ્રેશન ફાળવવામાં આવે તેવો અનુરોધ ચેમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો. તદુપરાંત સ્ટેટ જીએસટી દ્વારા કાયદાની અંદર સમાવેશ ન હોય તેવા પણ દસ્તાવેજી પુરાવાની માંગણી કરતાં હોવાની વ્યાપક ફરિયાદો હોવાથી તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. અને કાયદામાં સમાવિષ્ટ ન હોય તેવા કોઇપણ પ્રકારના દસ્તાવેજો જેવા કે ગુમાસ્તા ધારા લાઇસન્સ વગેરે ન હોવાને કારણે જીએસટી રજિસ્ટ્રેશનની એપ્લિકેશન નામંજૂર કરાઇ રહી છે, તે ગેરવ્યાજબી અને ગેરકાયદે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં પ્રમુખ આશીષ ગુજરાતીની સાથે ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ હાર્દિક પી.શાહ, મુકુંદ ચૌહાણ, રોહન દેસાઇ અને ઈશ્વર જીવાણી જોડાયા હતા.

Most Popular

To Top