Entertainment

ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા ભારતીય સંગીતકાર રિકી કેજનું આલ્બમ ડિવાઈન ટાઈડ્સ ગ્રેમીમાં નામાંકિત થયું

અત્યાર સુધીમાં ચાર ભારતીય કલાકારોને વિશ્વના ખૂબ પ્રસિદ્ધ એવા ગ્રેમી એવોર્ડથી (Grammy Awards) સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં એ.આર રહેમાન, રવિશંકર, ઝાકિર હુસૈન અને રિકી કેજના નામ સામેલ છે. ભારતીય સંગીત રચયિતા રિકી કેજ (Ricky Kej) 64મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં તેમના નવીનતમ આલ્બમ ડિવાઈન ટાઈડ્સ (Divine Tides) નામાંકિત (Nominated) થયા છે. જે રોક લિજેન્ડ સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે પ્રકાશિત થયો છે. આ આલ્બમના (Album) નિર્માતા પણ ભારતીય છે. દક્ષિણ ભારતના સૌથી મોટા અને પ્રખ્યાત મ્યુઝિક લેબલ લાહરી મ્યુઝિકે આ આલ્બમનું નિર્માણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, રિકી કેજ પહેલા પણ ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. 2015માં તેમને તેમના આલ્બમ વિન્ડ્સ ઓફ વર્લ્ડ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાના આદર્શો પર આધારિત વિન્ડ્સ ઓફ ધ વર્લ્ડ આલ્બમ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

વિન્ડ્સ ઓફ વર્લ્ડ યુએસ બિલબોર્ડ ન્યૂ એજ આલ્બમ ચાર્ટમાં પ્રથમ નંબરે આવ્યો હતો. રિકી કેજ આ આલ્બમ ચાર્ટ પર ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય હતા. એટલું જ નહીં, પરંતુ તેઓ ગ્રેમી એવોર્ડ જીતનાર સૌથી યુવા પ્રથમ ભારતીય હતા. તેમના સિવાય અન્ય 3 ભારતીયોએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. રિકીએ આ આલ્બમમાં 5 ટાઈમ્સ ગ્રેમી એવોર્ડ વિજેતા સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે કામ કર્યું છે. જે સુપ્રસિદ્ધ બ્રિટિશ રોક જૂથ ધ પોલીસના સ્થાપક અને ડ્રમર છે.

વર્તમાન ગ્રેમી નામાંકિત મ્યુઝિક આલ્બમ ‘ડિવાઇન ટાઇડ્સ’એ કુદરતી વિશ્વની ભવ્યતા અને પ્રજાતિઓની સ્થિતિસ્થાપકતા માટે એક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ વિવેચકો દ્વારા વખાણવામાં આવેલા આલ્બમમાં 9 ગીતો અને 8 મ્યુઝિક વિડિયો સામેલ છે. જે સમગ્ર વિશ્વમાં શૂટ કરવામાં આવ્યા હતા. તેમાં ભારતીય હિમાલયની અદ્ભુત સુંદરતાથી લઈને સ્પેનના બર્ફીલા જંગલો સુધી શૂટ કરવામાં આવ્યું છે. ડિવાઈન ટાઈડ્સ વિશ્વભરના વિવિધ સમારોહમાં પહેલાથી જ અનેક એવોર્ડ જીતી ચૂકી છે. એટલું જ નહીં, આ મ્યુઝિક વિડિયો માત્ર દક્ષિણ ભારતના અગ્રણી રેકોર્ડ લેબલ લહારી મ્યુઝિક દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.

આ વિશે ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજે કહ્યું છે કે તેમના આલ્બમ ડિવાઇન ટાઇડ્સ માટે બીજા ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થવું એ ખૂબ જ ગર્વની વાત છે. એમનું સંગીત ક્રોસ-કલ્ચરલ હોવા છતાં, તેમના મજબૂત મૂળથી હંમેશા ભારત સાથે સંકળાયેલા છે. ઉપરાંત ગર્વ કરતાં ઉમેરે છે કે ભારતીય સંગીતને ધ રેકોર્ડિંગ એકેડેમી દ્વારા આ પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડના લીધે માન્યતા મળી છે અને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. આ નામાંકન તેમને વધુ પ્રોત્સાહિત કરે છે અને સંગીત સાથે જોડાયેલા રહેવાની તેમની માન્યતાને મજબૂત કરે છે. જે હકારાત્મક સામાજિક પ્રભાવને પ્રેરણા આપી શકે છે. તેઓ રેકોર્ડિંગ એકેડેમીમાં તેમના જીવનના શ્રેષ્ઠ સંગીત અનુભવ માટે તેમના સાથી સ્ટુઅર્ટ કોપલેન્ડ, તેમના તમામ સાથી કલાકારો અને આલ્બમ ડિવાઈન ટાઈડ્સને શક્ય બનાવનાર દરેક વ્યક્તિ માટે આ નામાંકન થયા બદલ આભારી છે.

આ સન્માન પર બોલતા લાહરી મ્યુઝિકના ડિરેક્ટર લાહિરી વેલુના કહયા અનુસાર, તેમના આલ્બમ ડિવાઈન ટાઈડ્સનું ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થવું એ તેઓના માટે ખૂબ જ સન્માનની વાત છે. તેઓ આ નામાંકનનું શ્રેય રિકી કેજ અને સ્ટીવર્ટ કોપલેન્ડ જેવા સંગીત દિગ્ગજો વચ્ચેના અસાધારણ સહયોગની મહેનતનું પરિણામ જણાવે છે. તેમને ઉમેર્યું કે લાહિરી મ્યુઝિકે હંમેશા મહાન કલાકારોને ટેકો આપ્યો છે અને તેમ કરવાનું ચાલુ રાખશે. જેથી વિશ્વભરના સંગીત પ્રેમીઓનું મનોરંજન થઈ શકે. હવે સમય આવી ગયો છે કે ભારતીય કલાકારો દુનિયાભરના દર્શકોને આકર્ષે. તેઓ રેકોર્ડિંગ એકેડેમીને આ મહાન સહયોગી કાર્ય માટે નામાંકિત કરવા બદલ આભાર માને છે.

Most Popular

To Top