Business

ચૂંટાયેલા પ્રતિનિધિઓની દખલ વધતા સરકારે સચિન સહિત રાજ્યની 20 જીઆઈડીસીના બોર્ડ બરખાસ્ત કર્યા

સુરત (Surat): રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જીઆઇડીસીના (GIDC) નિયામકને આપેલા આદેશ મુજબ રાજ્યની 20 નોટિફાઇડ જીઆઇડીસીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને (Board Of Management) સરકારે (Government) બરખાસ્ત (Suspend) કરી 500 હેક્ટરથી મોટી જીઆઇડીસીમાં વિભાગીય અધિક્ષક અને 500 હેક્ટરથી નાની જીઆઇડીસીમાં પ્રાદેશિક મેનેજરની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચેરમેન તરીકે નિયુક્તિ કરી છે.

  • દક્ષિણ ગુજરાતની હજીરા, સચિન, અંકલેશ્વર, વાપી, ભરૂચ, વલસાડ અને પાનોલી જીઆઇડીસીનો સમાવેશ
  • બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ઇન્ડસ્ટ્રિયલ મંડળીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓની દખલ વધતા લેવાયેલો નિર્ણય
  • સરકારે જીઆઇડીસીના અધિક્ષક અને પ્રાદેશિક મેનેજરને ચેરમેન નિયુક્ત કર્યા

સૂત્રોના જણાવ્યા મુજબ વિકાસના કામોમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ઇન્ડસ્ટ્રિયલ મંડળીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓની દખલ વધતા સરકારે જીઆઇડીસીના અધિક્ષક અને પ્રાદેશિક મેનેજરને ચેરમેન નિયુક્ત કર્યા છે. સરકારે 20 જીઆઇડીસી માં બોર્ડ ઓફ મેનેજમેન્ટ બરખાસ્ત કર્યા એ પૈકી હજીરા, સચિન, વાપી, અંકલેશ્વર, ઉમરગામ, સરીગામ, વલસાડ, પાનોલી, ઝઘડિયા, પાલેજ અને ભરૂચ જીઆઇડીસી મળી 11 જીઆઇડીસી દક્ષિણ ગુજરાતની છે. અન્ય જીઆઈડીસીમાં અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા, ભાવનગર,જૂનાગઢ, ભુજ, વી.યુ.નગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જીઆઇડીસીનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વિવાદ દક્ષિણ ગુજરાતની વાપી, અંકલેશ્વર, પાનોલી અને સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગકારોના બે જૂથો વચ્ચે ચાલતો હોવાથી ભ્રષ્ટાચારને લગતી ફરિયાદો અને આક્ષેપો પણ જીઆઈડીસીના વીસી-એમડી એમ.થેંનારશનને પત્રો લખી કરવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્રમાં પણ ફરિયાદો થઈ હતી. જેને પગલે સરકારે ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જીઆઈડીસીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન પદેથી દૂર કરી નવા નિયમ મુજબ નવું બોર્ડ ઓફ મેનેજમેન્ટ નહીં બને ત્યાં સુધી જીઆઇડીસીના વિભાગીય નિયામક અને પ્રાદેશિક મેનેજરના ચેરમેન પદ હેઠળ અધિક્ષક ઈજનેર, ચીફ નોટિફાઇડ ઓફિસર રહેશે. અને ઇન્ડસ્ટ્રિયલ કો.ઓપ. સોસાયટીના ચૂંટાયેલા પ્રમુખ,સેક્રેટરી સભ્ય તરીકે વિકાસના કામોમાં સૂચન કરી શકશે.

અગાઉ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે જીઆઇડીસીની ઇન્ડસ્ટ્રિયલ કો.ઓપ.સોસાયટીના પ્રમુખ જીઆઈડીસીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બાય પોસ્ટ ચેરમેન બનતા હતાં. તે ઉપરાંત સેક્રેટરી, હાયર ટેક્સ પેયર, જીઆઈડીસીમાં સામાજિક સેવાઓ કરનાર પ્રતિનિધિ અને મેજર યુઝર્સ એવા ઉદ્યોગકારો સભ્યો તરીકે નિયુક્ત થતાં હતાં. ઉદ્યોગકારોની લડાઈમાં સરકારી અધિકારીઓ સત્તામાં ચઢી બેઠા હોય એવો ઘાટ સર્જાયો છે. અગાઉ ઉદ્યોગકારોની મરજી મુજબ અધિકારીઓ વિકાસના કામો કરતા હતા હવે અધિકારીઓ સ્વતંત્ર રીતે કામ કરી શકશે.

અત્યારે શું થતું હતું?
અત્યારે જે તે જીઆઇડીસીની ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના ચૂંટાયેલા ચેરમેન સીધા જ નોટિફાઇડ ચેરમેન બની જતાં હતાં. જીઆઇડીસીના વિકાસના કામ જેવા કે રસ્તા, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટના કામો તેઓ તેમના હોદ્દાની રૂએ કરાવી શકતા હતા અને અધિકારીઓએ તેમની સૂચનાનો અમલ કરવો પડતો હતો.

હવે શું થશે?
હવે સરકારે જીઆઇડીસીના અધિક્ષક અને પ્રાદેશિક મેનેજરને ચેરમેન નિયુક્ત કરી દીધા છે એટલે ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીની બોર્ડ કોઇપણ નિર્ણય લઇ શકશે નહીં. હવે વિકાસના કોઇપણ કામનો નિર્ણય અધિકારી લેશે. આ કમિટીમાં ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના ચેરમેન સભ્ય પૂરતા મર્યાદીત થઇ જશે અને માત્ર સૂચન કરી શકશે.

Most Popular

To Top