Madhya Gujarat

કાલોલમાં મૃત પશુઓને ગોમા નદીના પટમાં ખુલ્લેઆમ ફેંકી દેવાય છે

કાલોલ: કાલોલ નગર પાલિકા હદ વિસ્તારમાં મૃત પશુઓના નિકાલ માટે કોઈ ગાઇડલાઇન કે તકેદારી રાખવામાં આવતી નહીં હોવાની લોકબુમ ઉઠવા પામી છે. સ્થાનિક સફાઈકર્મીઓ દ્વારા મૃત પશુઓનો નિકાલ પાલિકા હદ વિસ્તારમાં કે હદ વિસ્તાર બહાર અન્યત્ર નદી પટમાં કે ગમે તે સીમમાં જાહેર ખુલ્લી જગ્યામાં ફેંકીને ખુલ્લી બેદરકારી દાખવતા હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે. જે મધ્યે તાજેતરમાં પાછલા બે દિવસો દરમ્યાન બે ચાર ગૌવંશ સહિતના મૃત પશુઓના મૃતદેહોનો નિકાલ સ્થાનિક સફાઈકર્મીઓ દ્વારા પાલિકાના ટ્રેકટરમાં ભરીને બેદરકારી દાખવી ગોમા નદીના પટમાં ખુલ્લેઆમ ફેંકવાનું અધમ કૃત્ય આચરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ રસ્તો અલિન્દ્રા ગામના નદી પટમાં આવેલા સ્મશાનમાં જવા આવવાના માર્ગે જાહેરમાં ખુલ્લી જગ્યામાં મૃત પશુઓને ફેંકી દેતા આ જગ્યા પર મૃત પશુઓના મૃતદેહોનો ઉપદ્રવ વધી ગયો છે જેથી પશુઓના મૃતદેહ સડી જાય ત્યાં સુધી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી રહે છે જેને કારણે આ માર્ગે જતા આવતા સ્મશાનમાં આવતા ગામલોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે. જેથી કાલોલ પાલિકા તંત્ર દ્વારા સત્વરે અસરકારક પગલાં ભરી આવા જાહેર ઉપદ્રવને અટકાવીને મૃત પશુઓના નિકાલ માટે યોગ્ય જગ્યાએ યોગ્ય દફનવિધિ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા
પામી છે.

Most Popular

To Top