Dakshin Gujarat

વાપીમાં રાષ્ટ્ર ધ્વજનું અપમાન, ભંગારના ગોડાઉનમાંથી મળી આવતા લોકોમાં રોષ

વાપી: વાપીના (Vapi) મોરાઈ ગામમાં નેશનલ હાઈવે (National Highway) સ્થિત ભંગારના એક ખુલ્લા ગોડાઉનમાં રાષ્ટ્ર ધ્વજ (National Flag) તિરંગા તેમજ દેવી-દેવતાના ચિત્રોવાળી ધજાની અંદર ભંગાર (wreckage) બાંધીને તેના પોટલા ખુલ્લામાં જોવા મળતા રોષ જોવા મળ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓ સ્થળ પર ધસી જઈ વાપી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ભંગારીયાઓની અટક કરી રાષ્ટ્ર ધ્વજ તથા દેવી-દેવતાઓના ચિત્રવાળી ધજાઓ કબજામાં લઇ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  • વાપીના મોરાઈ ગામમાં ભંગારના ખુલ્લા ગોડાઉનમાં વિહિપના આગેવાનો ધસી જઈ આક્રોશ ઠાલવ્યો
  • વાપી ટાઉન પોલીસે ભંગારીયાની અટકાયત તથા તેને આ પોટલા મોકલનારા સામે કાર્યવાહી કરી
  • દેવી-દેવતાની ધજા ભંગાર-કચરાના પોટલામાં બાંધીને રાખવામાં આવી હતી

વાપીના મોરાઈમાં નેશનલ હાઈવે પાસે ખુલ્લામાં ગોડાઉન રાખીને ભંગારના પોટલાઓ રાખવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્ર ધ્વજ તેમજ હિંદુ દેવી-દેવતાઓના ચિત્રોવાળી ધજાઓમાં પણ ભંગારનો કચરો બાંધી કચરાના પોટલાઓના ઢગલામાં જ રાખવામાં આવ્યા હતા. આ વાતની વિશ્વ હિંદુ પરિષદના આગેવાનોને જાણ થતાં તેઓ સ્થળ પર ધસી જઈ રોષ વ્યક્ત કર્યો હતો. વાપી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ ભંગારના ગોડાઉન પાસે આવી પહોંચી હતી. તેમજ ભંગારીયા લિયાકત શેખની પૂછપરછ કરતા ભંગારના આ ગોડાઉનમાં બે દિવસ પહેલા સંતોષ નામનો વ્યકિત છોટા હાથીમાં ભંગાર લઈ આવ્યો હતો. આ ત્યારે જ અહીં મૂકાયા હતા. પોલીસે લિયાકત શેખને અટકમાં લઈ સંતોષને પણ અટકમાં લીધો હોવાનું જાણવા મળે છે.

પોલીસે સન્માનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ અને દેવી દેવતાઓના ધ્વજ કચરાના પોટલામાંથી બહાર કાઢી જીપમાં મુક્યા
પોલીસે રાષ્ટ્ર ધ્વજને માન પૂર્વક ભંગારના કચરાના પોટલાઓમાંથી બહાર કાઢી જીપમાં મૂકી દીધા હતા. એ જ રીતે હિંદુ દેવી-દેવતાઓના ચિત્રોવાળી ધજાઓ પણ અહીંથી પોલીસે કબજે લીધી હતી. પોલીસે ભંગારીયા લિયાકત સામે ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. જોકે સંતોષ આ ધ્વજ તેમજ ધજાઓ ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ પણ પોલીસ કરી રહી છે. બીજી તરફ આ બનાવને લઈને હિંદુ સંગઠનોએ પણ પોલીસને દેવી-દેવાતાઓના ચિત્રોની ધજાને ભંગારમાં ફેંકી દેનારા સામે કડક કાર્યવાહી માટે પોલીસ સમક્ષ માંગ કરી હતી.

Most Popular

To Top