Vadodara

‘ગુજરાતમિત્ર’ના અહેવાલ બાદ જેલ સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા ‘તપાસનો દોર’ શરૂ કર્યો

વડોદરા : ગુજરાતમિત્રએ વડોદરા મધ્યસ્થ જેલમાં હપ્તાબાજી તેમજ મોબાઈલની લે વેચ બે જડતી સ્કોર્ડના કર્મચારીઓ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ કરતા જેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ ગુજરાતમિત્રના અહેવાલ બાદ વડોદરા પોલીસ સહિત જેલના કર્મચારીઓમાં ભારે ચકચાર મચી હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારે હવે એ જોવાનું રહ્યુ છે કે ઉચ્ચ અધીકારીઓ દ્વારા યોગ્ય તપાસ કર્યા બાદ શું પગલા લેવામાં આવે છે?

ગુજરાતમિત્રને તેના આધારભુત સુત્રો દ્વારા માહિતી મળી હતી કે, વડોદરા મધ્યસ્થ જેલના જડતી સ્કોર્ડના દિનેશ માજીર તથા ઠાકોર નામના કર્મી જ્યારે બેરેકમાં જડતી કરે છે અને તેઓને કોઈ કેદી પાસેથી મોબાઈલ મળી આવે છે. ત્યારે તે બંને પકડાયેલા મોબાઈલને અન્ય કેદીને રૂ.10 થી 15 હજારમાં વેચી મારે છે અને પોતાના ખીસ્સા ગરમ કરે છે? તેમજ એ પણ જાણકારી મળી હતી કે, ગોત્રીના બહુચર્ચિત દુષ્કર્મ કેસનો આરોપી અને પાવાગઢ મંદિર ટ્રસ્ટનો પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ રાખી તેમજ હપ્તા પહોંચાડી? જેલની અંદર મજાની જીંદગી જીવી રહ્યો છે અને 24 કલાક તે પોતાના ખીસ્સામાં સ્માર્ટ ફોન લઈને આખી જેલમાં ફરે છે?

ઉપરોક્ત માહિતી મળતા જ ગુજરાતમિત્રએ જેલનું ચિત્ર ઉજાગર કર્યુ હતું. અને તેનો સ્ફોટક અહેવાલ જાહેર થતા જેલના ઉચ્ચ અધિકારીઓથી લઈ પાટનગર સુધી તેના પડઘા પડ્યા હતા. જોકે તે અહેવાલ બાદ વડોદરા મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તે અહેવાલ બાદ જેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ હાવોનું જાણવા મળ્યુ હતું.

“રાજુ ભટ્ટ”ની તપાસમાં પોલીસને કશું ન મળ્યું
ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાણવા મળ્યુ હતું કે તેઓ દ્વારા રાજુ ભટ્ટની તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની પાસે કોઈ મોબાઈલ મળ્યો ન હતો. હવે જે જેલના કર્મીઓ રાજુ સાથે સાંઠગાંઠ રાખી તેને જેલમાં મજાની જીંદગી માટે મદદ કરતા હોય? તેઓએ રાજુની શું તપાસ કરી હશે અને કરી પણ હશે તો તે કેટલી હક્કીત બહાર આવી હશે તે તો અધિકારીઓ જ જાણે.

દિવાલની બીજી બાજુથી કેદીઓ સુધી વસ્તુઓ પહોંચતી હોવાની ભારે શક્યતા
મધ્યસ્થ જેલની દિવાલ સુધી પણ જેલ કર્મીઓ દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે. ત્યારે જેલ કર્મીઓની નિષ્કાળજીના કારણે જેલની બહારની દુનિયા એટલે તેની દિવાલની બીજી બાજુથી પોટલા બાંધી કેદીઓ દ્વારા તેમને જોઈતી વસ્તુઓ મંગાવામાં આવતી હોવાની ભારે શક્યતાઓ ચર્ચાઈ રહી છે. ત્યારે જેલના Dysp વી.આર.પટેલે પણ આ પ્રકારની શક્યતા હોય શકે છે તેમ જણાવ્યુ હતું. પરંતુ તેને રોકવા પોલીસ દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમને જણાવ્યુ હતું.

Most Popular

To Top