Dakshin Gujarat

નવસારીમાં પૂર: હાઇવે બંધ થતા ગુજરાત – મહારાષ્ટ્રનો સંપર્ક કપાયો

નવસારી: નવસારી(Navsari)માં ભારે વરસાદનાં કારણે પૂર(Flood) આવ્યું છે. નવસારીની ત્રણેય નદીઓએ(River) રૌદ્ર સ્વરૂપો ધારણ કર્યું છે. જેના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદનાં કારણે હજારો લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘરોમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પુરના કારણે નવસારી જીલ્લામાં હાલત બગડી રહ્યા છે. પૂરનાં પાણી હાઈવે(Highway) પર ફરી વળતા ગુજરાત(Gujarat) – મહારાષ્ટ્ર(Maharshtra)નો સંપર્ક કપાયો છે.

જિલ્લાની નદીઓમાં ઘોડાપુર
પૂર્ણાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે. પૂરને પગલે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી 14 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયુ છે. વાંસદા 24 કલાકમાં 394 મિમી વરસાદ એટલે 15.76 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ તાલુકામાં પણ 229 મિમી એટલે 9.16 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. નદી કિનારાના ગામડાઓ અને નવસારી તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે.

નવસારી જીલ્લામાં નદીઓની સપાટી

  • પૂર્ણા: 26.50 ફૂટ
  • અંબિકા: 31 ફૂટ
  • કાવેરી: 28 ફૂટ

નેશનલ હાઇવે નં. 48 પર વરસાદી પાણી ફરી વળ્યા
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કાવેરી નદીમાં પૂર આવ્યું છે. જેથી નેશનલ હાઇવે(National Highway) નં. 48 પર ચીખલી-આલીપોર માર્ગ પર પુરના પાણી ફરી વળ્યાં છે. આ કારણે નેશનલ હાઇવે નં. 48 ચીખલી નજીક બંધ(Close) કરાવાયો છે. કલેકટરે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે અવરજવર માટે બંધ કર્યો છે તેમજ સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવા જિલ્લા કલેકટરએ લોકોને અપીલ કરી છે.

પૂર્ણાના પાણી ઉતર્યા બાદ ફરી વધ્યા
નવસારીમાં ગતરોજ પૂર્ણા નદીના પાણી વધતા ગાંડીતુર બની હતી. જે પાણીના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાયા હતા. જોકે મોડી રાતથી પાણીની સપાટી ઘટી જતાં શહેરમાંથી પુરના પાણી ઓસરવા લાગ્યા હતા. જોકે બપોરે 2 થી 4 વાગ્યે સુધીમાં પૂર્ણા નદી 20.50 ફૂટે વહી રહી હતી. પરંતુ સાંજે 4 થી 6 વાગ્યે સુધીમાં ફરી પૂર્ણા નદીના પાણીમાં વધારો થતાં પૂર્ણા નદી ફરી ભયજનક સપાટી વટાવી જતા 24.27 ફૂટે વહી રહી હતી. જેથી લોકો ફરી મુશ્કેલીમાં મુકાયા હતા. પુરના પાણી બીજા દિવસે પણ ભરાયેલા હતા. જોકે કેટલાક વિસ્તારોમાંથી પુરના પાણી ઓસરી જતા લોકોએ ઘર અને દુકાનોની સાફ-સફાઈ હાથ ધરી છે.

ચીખલી અને ગણદેવીના તાલુકાના ગામોમાં પાણી ભરાયા
નવસારી જિલ્લાની લોકમાતાઓ ભયજનક સપાટીથી વધુ ઉપર વહી રહી હતી. જેથી નદીઓની આજુબાજુ આવેલો વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાયા હતા. અંબિકા નદી બંને કાંઠે વહેતા ચીખલી અને ગણદેવીના તાલુકાના ગામોમાં પાણી ભરાયા હતા. જ્યારે પૂર્ણા નદી બંને કાંઠે વહેતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાયા હતા. કેટલીક જગ્યાએ કેળસમા તો કેટલીક જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી ગયા હતા. જેના કારણે લોકોના ઘરોમાં અને દુકાનોમાં પુરના પાણી ઘુસી ગયા હતા. જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે બુધવારે નદીઓમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા જ નીચાણવાળા વિસ્તારોમાંથી પુરના પાણી ઓસર્યા હતા. પરંતુ નદી પાસેના વિસ્તારમાં પુરના પાણી યથાવત રહ્યા હતા.

Most Popular

To Top