SURAT

કૂતરું કરડ્યું નહીં છતા સુરતની પાંચ વર્ષની બાળકીને હડકવો થયો અને મોત નિપજ્યું

સુરત: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા એન કરડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યું છે. મોટાભાગના બનાવોમાં કુતરાઓ દ્વારા નાના બાળકોને કરડવામા આવ્યા છે. ગયા અઠવાડિયે ખજોદની ડિસ્પોઝલ સાઈટ પાસે કૂતરાના કરડવાના લીધે બે વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. આવી જ એક ઘટના સામે આવી છે. શહેરમાં એક વિચિત્ર અને આઘાતજનક કિસ્સો બન્યો છે. શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારની એક સાડા પાંચ વર્ષીય બાળકીનું મોત થયું છે. આ બાળકીને છ મહિના પહેલાં કૂતરું ચાટ્યું હતું અને કૂતરાંની આ હરકતના લીધે બાળકીનું મોત નિપજ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

  • સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની ઘટના: છ મહિના પહેલાં કૂતરું બાળકી પાછળ દોડ્યું હતું
  • બાળકીના ઘા પર કૂતરું ચાટ્યું હતું : ઈન્જેક્શન મુકાવ્યું હતું છતાં બાળકીને હડકવા થયો
  • હડકવાના લક્ષણો દેખાયાના બે જ દિવસમાં બાળકીનું મોત થયું

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં છ મહિના પહેલા ચાલતા ચાલતા પડી ગયેલી બાળકીને કપડાના ભાગે ઈજા થઇ હતી. ત્યારે ઘા ઉપર કુતરાએ ચાટી લેતા તેની લાર બાળકીના કપાળના ઘા માં પ્રવેશી હતી.જોકે આ બનાવના છ મહિના પછી બાળકીમાં રૅબીઝ (હડકવાના ) લક્ષણો દેખાવવા લાગતા તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આજે વહેલી સવારે બાળકે દમ તોડ્યો હતો.

પાલનપુર જકાતનાકા ખાતે આવેલ સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતા જૈનીશભાઈ ફોટોગ્રાફરની સાડા પાંચ વર્ષીય પુત્રી પુત્રી ખુશી છ મહિના પહેલા ચાલતા ચાલતા પડી ગઈ હતી ત્યારે તેની પાછળ કુતરો દોડ્યો હતો. જોકે કૂતરો કરડે તે પહેલા જેનિશભાઈએ કૂતરાંને ભગાડી દીધો હતો. સાવચેતીરૂપે ખુશીને ઇન્જેક્શન પણ મુકાવ્યું હતું.

દરમિયાન ગયા અઠવાડિયે ખુશીની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી. તેના શરીર અને વર્તનમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. બાળકીને તેનો પરિવાર પહેલાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ ત્યાંના ડોક્ટરોએ રૅબીઝ હોવાનું કહી સરકારી હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપી હતી. તેથી બાળકીને સોમવારે બપોરે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સ્મીમેરમાં બાળકીને પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. એકની એક બાળકીના મોતને પગલે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

બાળકીમાં આ લક્ષણો દેખાતા પરિવાર ગભરાયો
જૈનિશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે છ મહિના પહેલા જયારે તેમની પુત્રી પડી ગઈ હતી ત્યારે તેને કપાળમાં ઈજા થઇ હતી. તેની પાછળ કૂતરું પણ દોડ્યું હતું. પરંત ત્યારે મેં કૂતરાને ભાગાડી દીધો હતો. કુતરાને કરડવા પણ નહિ દીધું હતું પરંતુ એ ઘટનાના છ મહિના પછી બાળકીને રૅબીઝ (હડકવા ) જેવા લક્ષણો દેખાવવા લાગ્યા હતા. ખુશી પાણીથી અને હવાથી ડરવા લાગી હતી. આ લક્ષણો જોઈને પ્રાઇવેટ હોસ્ટિલના ડોક્ટરોએ પણ તેનું બચવું શક્ય નથી તેવા જવાબ આપી દીધા હતા પરંતુ એક આશા સાથે તેને સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

શરીરે થયેલા ઘા માં કૂતરાની લાળ પ્રવેશી હોવાની આશંકા
સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકીને કૂતરાએ કરડ્યું ન હતું પરંતુ રૅબીઝનાં લક્ષણો જોવા મળ્યાં હતા. આ લક્ષણો પરથી એવી શંકા છે કે બાળકી જયારે પડી ગઈ હતી અને તેને કપાળમાં ઈજા થઇ હતી. ત્યારે તેની પાછળ દોડેલા કૂતરાએ તેના ઘા ઉપર ચાટી લીધું હતું. તેથી કૂતરાંની લાળ ખુશીના ઘાના માધ્યમથી તેના શરીરમાં, લોહીમાં પ્રવેશ્યુ હોય તેના લીધે ખુશીને હડકવા થયો હોવાની આશંકા છે.

Most Popular

To Top