SURAT

બમરોલીના લુમ્સના કારખાનામાં શોર્ટ સર્કિટ બાદ આગ : યાર્નનો જથ્થો અને મશીનરી બળીને ખાખ

સુરત: બમરોલી-પાંડેસરામાં બાપા સીતારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક લુમ્સના કારખાનામાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ ગણતરીની મિનિટોમાં આગ આખા કારખાનામાં ફેલાઈ જતા કારીગરો જીવ બચાવી બહાર દોડી ગયા હતાં. જોકે ઘટનાની જાણ બાદ ત્રણ ફાયર સ્ટેશનની ફાઇટર ટીમોએ સ્થળ પર દોડી જઇ આગ ને કંટ્રોલમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કારખાનેદાર અશોક પટેલે કહ્યું હતું કે નુકશાન લાખોમાં થયું હશે. મટિરિયલ સાથે મશીનો પણ બળી ગયા છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ મધરાત્રે 2:46 મિનિટની હતી. યાર્નના ગોડાઉનમાં આગનો કોલ મળતા તાત્કાલિક 3 ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરી દેવામાં આવી હતી. છેલ્લી ગાડી વહેલી સવારે 3:56 મિનિટે પરત ફરી હતી. આગ કંટ્રોલ થયા બાદ કુલિંગ કરવામાં વધુ સમય લાગ્યો હતો.

પ્રજ્ઞેશ પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ સ્થળ પર દોડી ગયા હતા. ત્રીજા માળે લુમ્સના કારખાનામાં આગની જ્વાળા અને ધુમાડો દેખાય રહ્યો હતો. ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ કંટ્રોલ કરી લીધી હતી. ત્યારબાદ કુલિંગ કામગીરી હાથ ધરી હતી.

અશોક પટેલ (કારખાનેદાર) એ જણાવ્યું હતું કે લગભગ શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હતી. મીટર બોર્ડ પાસે જ યાર્નનો જથ્થો પડ્યો હતો જેને લઈ આગ આખા કારખાનામાં ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં યાર્નનો જથ્થો, મશીનરી, ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયર સહિતનો સામાન બળી ગયો હતો. હાલ નુકશાન બાબતે કોઈ આંકડો કહેવો અશક્ય છે પણ લાખોનું નુકશાન પાક્કું કહી શકાય છે. લગભગ 12 વર્ષથી આ ખાતું ચલાવી રહ્યો છું.

Most Popular

To Top