Comments

ભાજપ પોતાના આંતર પ્રવાહોને ઓળખે

‘ટીકીટ મળ્યા પછી તમારે બહુ મહેનત કરવાની નથી. તમારે ખરી મહેનત ટીકીટ મેળવવા માટે કરવાની છે.’ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં એક ધારાસભ્ય સાથે વાત થઈ ત્યારે આ વાક્ય બોલાયું હતું. ધારાસભ્યે પણ સ્વીકાર્યું હતું કે હા… ભાજપમાં ટીકીટ મળે પછી તો ચૂંટણી જીતવામાં વડાપ્રધાનશ્રીથી માંડીને પાર્ટી કાર્યકર્તા સુધીનાં તમામ લોકોની મદદ મળી રહે છે. ઉમેદવારે ખરી મહેનત તો વિધાનસભાની ટીકીટ મેળવવા માટે કરવાની હોય છે!

કોઇ પણ વ્યક્તિ હોય કે સંસ્થા એને બે પ્રકારનાં પરિબળોનો સામનો કરવાનો હોય છે! આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો! એક રાજકીય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીને પણ આ બે પ્રકારનાં પરિબળોનો વિચાર કરવો પડે, વ્યવસ્થાપન કરવું પડે! લાગે છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક પરિબળો અને પ્રવાહો હવે સપાટી ઉપર આવવા લાગ્યા છે અને એને ઉપર આવવા દેવા કે અંદર જ દબાવી દેવા તે પક્ષે નક્કી કરવાનું છે! રાજકારણ એ બહુ સંકુલ ઘટના છે! બહુઆયામી પ્રક્રિયા છે. જે દેશમાં હોય તે બધું જ પાર્ટીમાં હોય!

એમાંય રાષ્ટ્રિય ફલક ઉપર ફેલાયેલી પાર્ટીમાં તો રાષ્ટ્રિય વૈવિધ્ય હોય જ! એટલે કે રાજકીય પાર્ટીમાં પણ પ્રદેશોનું આધિપત્ય, ભાષાનું મહત્ત્વ અને વિચારધારાના ઝઘડા હોય અને વન એ્ડ ઓનલી સત્તાની ખેંચતાણી હોય જ! વળી રાજકીય પાર્ટી સત્તામાં વર્ષો વિતાવતી જાય તેમ તેમાં વિચારધારાને બદલે સત્તા માટે જોડાનારા વધતા જાય! ત્યાં પણ દેખાડો કરનારા, પોતાને સવાયા સાબિત કરનારા અને મિડિયોકર લોકો આગેવાની કરવા માંડે છે ત્યારે પક્ષની ઉચ્ચ નેતાગીરીએ બાહ્ય પરિબળોની સાથે સાથે આંતરિક પ્રવાહના બદલાવને સમજવાની પણ જરૂર હોય છે!

ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતાઓએ પણ આ વાત સમજવી પડશે! અને રાજકીય વિશ્લેષણે કે સમજ્યા વગર ભોગ બનતા લેખકો પત્રકારો ઉત્સાહી કર્મશીલોએ પણ આંતરિક રાજકારણને સમજવું પડશે! યાદ કરો, જ્યારે શ્રી નરેન્દ્ર મોદીને શ્રી કેશુભાઈ પટેલના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાત ભાજપમાં જ એક અસંતોષની લહેર ચાલી. ગોધરાનાં રમખાણો પછી મિડિયા, વિપક્ષ અને બાહ્ય આક્રમણો સાથે આંતરિક પરિબળો પણ મોદી સાહેબે થાળે પાડ્યાં.

ગુજરાતને આર્થિક વિકાસનું મોડલ બનાવવા  અને રાજ્ય તથા દેશનું ધ્યાન આર્થિક મુદ્દાઓ ઉપર લાવવા વાયબ્રંટ ગુજરાત, વાયબ્રંટ નવરાત્રી, કન્યા કેળવણી, બેટી બચાવો, જ્યોતિગ્રામ, વાંચે ગુજરાત સહિતના કાર્યક્રમોનું લગભગ પૂર આવ્યું. સાથે સાથે ભાજપની બાકીની સંસ્થાઓ અને આંતર પ્રવાહોને બાહ્ય પ્રવાહ બનાવનારી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વગેરેના કાર્યક્રમો ઘટતા ગયા. બંધના એલાનો કાબૂમાં આવ્યાં. ઉદ્દામવાદી નેતાઓ પડદા પાછળ ધકેલાયા. ભૂલાયેલા કાર્યકર્તાઓ ઉપર આવ્યા. ભાજપ સાથે ઊભેલું બિનરાજકીય સંગઠન એટલે આર.એસ.એસ. જેને ટૂંકમાં સૌ ‘સંઘ’ કહે છે ત્યાં પણ પહેલી વાર ગુજરાતી પ્રવાહો ઉપર આવ્યા તે રાજકીય વિશ્લેષકોએ યાદ રાખવું.

કેન્દ્રમાં શાસનની પ્રથમ ટર્મમાં વડાપ્રધાનશ્રીએ આંતરિક પ્રવાહો બરાબર કાબૂમાં રાખ્યા હતા. પણ બીજી ટર્મ પૂરી થતાં થતાં આંતરિક પ્રવાહો સપાટી પર આવવા લાગ્યા છે. અત્યારે ગુજરાતના રાજકારણમાં ચર્ચા કરનારા વારે વારે બે ગુજરાતી બે ગુજરાતી કરે છે, પણ નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારો તરીકે શ્રી યોગીજીનું નામ આગળ થઈ રહ્યું છે તેને નજરઅંદાજ કરે છે! 2014માં ભાજપ સત્તામાં આવું ત્યારે રાજનાથસિંહ ગૃહમંત્રી હતા. હવે શ્રી અમિત શાહ છે. પણ ઉત્તર ભારત લોબી ફરી સક્રિય થઈને ભાજપ પર પ્રભુત્વ મેળવવા મથી રહી હોય તેમ લાગે છે! ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચાર નાબુદી, આર્થિક વિકાસના મુદ્દાઓ મુખ્ય ચર્ચામાં લાવનારી પાર્ટીમાં જ હવે ધાર્મિક યાત્રાઓ પાકિસ્તાનની હાલત અને સાંપ્રદાયિક મુદ્દાઓ મોટા થવા લાગ્યા છે. તે મૂળમાં તો 2014થી દબાવી દીધેલા પ્રવાહોની ઉપર આવવાની મથામણ છે અને ગુજરાત કક્ષાએ તો અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હવે સિનિયર થવા માંડ્યા છે! ત્યારે ભાજપમાં ઉપરની હરોળમાં રહેવાની ખેંચતાણ વધે જ તે સ્વાભાવિક છે!

ભારતીય જનતા પાર્ટીએ પોતાના આંતર પ્રવાહોને ઓળખવા પડશે! શું પાર્ટી ફરી વાર 1990 પહેલાંની ઓળખ તરફ જશે! શું ફરી પરંપરાવાદી કાયદાઓ, આર્થિક વ્યાપારમાં સંરક્ષણવાદ અને સરકારી તંત્રનું પ્રભુત્વ પાછું લાવશે? રાજનીતિના જાણકારોએ યાદ રાખવું જોઇએ કે શ્રી અટલબિહારી બાજપાઈ કે શ્રી અડવાણીજી જેવા નેતાઓ હોવા છતાં બેઠકો જીતવાની બાબતમાં ભાજપનો પનો ટૂંકો જ પડ્યો હતો. સૌ ભલે કહેતા હોય કે ભાજપ ‘હિન્દુત્વ’ના સહારે જીતે છે! પણ ખરેખર તો ભાજપે ખાસ તો મોદીજીએ ખાનગીકરણ અને ઉદારીકરણની વગ ન વધારી હોત તો ભાજપ આજે પણ એકલા હાથે સત્તા મેળવી શકયું હોત કે કેમ તે પ્રશ્ન છે!

ખરેખર તો ગુજરાતના મોડલ દ્વારા દેશના ઉદ્યોગપતિઓ વેપારીઓને જે સંદેશો મળ્યો તેણે આર્થિક જગતમાં ભાજપમાં વિશ્વાસ વધાર્યો, યુવાનોનો ભાજપમાં વિશ્વાસ વધાર્યો, હવે જો ફરી દબાઈ રાખેલા પ્રવાહો હાવી થશે તો રાજનીતિનાં નવાં સમીકરણો સર્જાશે! માટે ભાજપના વ્યૂહ રચનાકારો અને શીર્ષસ્થ નેતૃત્વ નક્કી કરે કે આપણે નીતિન ગડકરીને આગળ કરવા છે કે યોગીજીને? મધ્યમ ભારતને પ્રતિનિધિત્વ આપવું છે કે ફરી ઉત્તર ભારત તરફ જવું છે! આર્થિક ઉદારવાદમાં ટકી રહેવું છે કે માત્ર હિન્દુત્વના માર્ગે જ આગળ વધવું છે! અને હા, હિન્દુત્વમાંય સભા-સરઘસ-કર્મકાંડમાં જ સંતોષ માનવાનો છે કે મૂળભૂત ભારતીયતાનાં મૂલ્યોને જાળવવાનાં છે?   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top