Gujarat

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દિવાળીએ વધારાની બસો, હર્ષ સંઘવીએ કરી એડવાન્સ બુકિંગની અપીલ

દિવાળીના તહેવાર દરમિયાન વતન જતાં મુસાફરોને મુશ્કેલી ન પડે અને ખાનગી બસોમાં વધારે ભાડું ચૂકવવાની ફરજ ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 1600 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે મુસાફરોની સંખ્યા વધશે તો 1600 બસની જગ્યાએ 2500 બસની વ્યવસ્થા કરવાની જરૂર પડે તો સરકાર તે માટે પણ તૈયાર છે. સરકારનો હેતુ નાગરિકોને સસ્તા ભાડે મુસાફરીની સુવિધા પૂરી પાડવાનો છે. દિવાળીના વેકેશન દરમિયાન દર વર્ષે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, ગોધરા અને અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જતા હોય છે. આ સમયગાળામાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર તરફ જતાં મુસાફરો માટે ધારુકા કોલેજથી અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં જતાં મુસાફરો માટે સેન્ટ્રલ બસ સ્ટોપથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુસાફરોને અગાઉથી ટિકિટ બુક કરાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. એસટી વિભાગની ‘ST આપના દ્વાર’ સુવિધા હેઠળ લોકો પોતાના ઘરેથી જ ગ્રૂપ બુકિંગ કરાવી શકે છે. મુસાફરો એડવાન્સ બુકિંગનો લાભ લે તો તેમની માંગ પ્રમાણે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં સરળતા રહેશે. જો અન્ય રાજ્યોમાં પણ બસોની સંખ્યા વધારવાની રજૂઆત થશે અથવા સંબંધિત રાજ્યો તરફથી મંજૂરી મળશે તો ત્યાં પણ વધારાની બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકોને વતન જવા માટે મોંઘી ખાનગી બસોનો સહારો લેવો ન પડે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. મુસાફરોને સસ્તી ટિકિટ આપવાના સંકલ્પ સાથે એસટી વિભાગ કામ કરી રહ્યો છે. દિવાળીના સમયે મુસાફરોની માંગ વધે તો પણ તેમને શક્ય તેટલી સારી સુવિધા મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top