વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈમાં ₹13,000 કરોડથી વધુના મૂલ્યના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ અનેક પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી રહ્યા છે. આમાંના કેટલાક પ્રોજેક્ટ્સ દૈનિક અવરજવરને સરળ બનાવશે જ્યારે અન્ય ઉદ્યોગ અને વેપારને મજબૂત બનાવશે. સામૂહિક રીતે તે સમગ્ર તમિલનાડુમાં યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ તમિલનાડુના વિવિધ મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાના તેમના અનુભવો જણાવ્યા. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી તરીકે મને કરુણાનિધિ અને જયલલિતા સાથે વાતચીત કરવાની ઘણી તકો મળી હતી. વડાપ્રધાન બન્યા પછી મને જયલલિતા, ઓ. પનીરસેલ્વમ, ઈ. પલાનીસ્વામી અને એમ.કે. સ્ટાલિન સાથે કામ કરવાની તક મળી. સરકારો બદલાતી રહી પરંતુ તમિલનાડુના વિકાસ અને તેના લોકોની સેવા કરવાનો મારો સંકલ્પ હંમેશા અડગ રહ્યો છે. હવે, અમે મુખ્યમંત્રી જોસેફ વિજય સાથે આ સફરને આગળ વધારી રહ્યા છીએ.”
વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે થોડા દિવસો પહેલા જ દેશની જનતાના પ્રેમ અને આશીર્વાદને કારણે તેમણે સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી, જનતાએ તેમને મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે સેવા કરવાની તક આપી છે. તેમણે નોંધ્યું હતું કે આ 25 વર્ષની સફર દરમિયાન લોકશાહીના બે મુખ્ય સ્તંભો – દેશની જનતા અને સહકારી સંઘવાદમાં તેમનો વિશ્વાસ સતત મજબૂત થયો છે. વડાપ્રધાને પુનરોચ્ચાર કર્યો કે તેઓ હંમેશા એ મંત્ર સાથે આગળ વધ્યા છે કે રાજ્યોનો વિકાસ એ રાષ્ટ્રના વિકાસનો પાયો છે.
શહેરી વિકાસ: તમિલનાડુમાં એક પ્રાથમિકતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે તમિલનાડુમાં શહેરી વિકાસ અમારા માટે એક મુખ્ય પ્રાથમિકતા છે. મેં હંમેશાં માન્યું છે કે શહેરીકરણ એ કોઈ પડકાર નથી પરંતુ એક તક છે અને તેમાં જાહેર પરિવહન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્ષમ પરિવહન લોકોનું જીવન સરળ બનાવે છે.
ચેન્નાઈ મેટ્રોના વિસ્તરણનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને નોંધ્યું હતું કે દેશનું મેટ્રો નેટવર્ક જે 2014માં આશરે 250 કિલોમીટર સુધી વિસ્તરેલું હતું તે હવે વધીને 1,100 કિલોમીટરથી વધુ થઈ ગયું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ચેન્નાઈ મેટ્રોનું વિસ્તરણ આ નેટવર્કને વધુ વેગ આપશે અને મુસાફરોને પરિવહનની બહેતર સુવિધાઓ પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ચેન્નાઈમાં નવી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાને ભારતના બંદરોની કાર્યકારી કાર્યક્ષમતામાં થયેલા સુધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય બંદરોની ગતિ અને કાર્યક્ષમતા બંનેમાં સુધારો થયો છે. જહાજો માટેના ‘ટર્નઅરાઉન્ડ ટાઈમ’ માં ઘટાડો થવાથી નિકાસ અને વેપારને લાભ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે બંદરની કામગીરીમાં સુધારાને કારણે ભારતીય ઉત્પાદનો હવે પહેલાં કરતાં વધુ ઝડપથી વૈશ્વિક બજારો સુધી પહોંચી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે એવું તમિલનાડુ બનાવવા માંગીએ છીએ જે સતત નવી ઊંચાઈઓ સર કરે અને આ હાંસલ કરવા માટે કેન્દ્ર તરફથી જે પણ સહાયની જરૂર હોય તે પૂરી પાડવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. ચાલો આપણે ‘વિકસિત તમિલનાડુ’ દ્વારા ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરીએ; આ ભાવના સાથે, હું આ પ્રોજેક્ટ્સ માટે આપ સૌને ફરી એકવાર શુભેચ્છાઓ પાઠવું છું.”