‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીના જંતર-મંતર પર ગતિવિધિઓ તેજ બની છે. આ દરમિયાન CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ તેમના સમર્થકોને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ગમે તે થાય તેઓ શારીરિક હિંસાનો આશરો લેશે નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે તેઓ ઈતિહાસ રચવા માટે તૈયાર છે.
CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “વહાલા કોકરોચો, આપણે બધાએ જે સફર કાપી છે તેના પર મને ખૂબ ગર્વ છે. આવતીકાલે ગમે તે થાય આપણે ચોક્કસપણે ઈતિહાસ રચીશું.”
અમે હાથ નહીં ઉપાડીએ– આશુતોષ રાંકા
કોકરોચ પાર્ટીના સમર્થકોને સંબોધતા તેમણે વધુમાં કહ્યું, “બસ એક વાત યાદ રાખજો હાથમાં બંધારણ અને હૃદયમાં ગાંધી. ગમે તે થાય આપણે હાથ નહીં ઉપાડીએ. ભારત માતાની જય.”
ભારત સરકાર લોકડાઉનમાં છે– સૌરવ દાસ
દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્ર સરકારને ઉદ્દેશીને ‘X’ પર સંદેશ લખ્યો કે ભારત સરકાર લોકડાઉનમાં છે. આ યુવાનોની તાકાત છે. આવતીકાલે મળીશું. દિલ્હી પોલીસે અગાઉના વિરોધ પ્રદર્શન દરમિયાન નિયમોના ઉલ્લંઘનનો હવાલો આપીને જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.
ઇન્ટરનેટ સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત રહેશે
ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે નિર્ધારિત CJPના વિરોધ પ્રદર્શનને કારણે નવી દિલ્હીમાં ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત થશે. ગૃહ મંત્રાલયે ઇન્ટરનેટ સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરવાની મંજૂરી આપી છે. જનપથ-કર્તવ્ય પથ ક્રોસિંગની આસપાસ 4 કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રહેશે. આ સેવાઓ 9 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યાથી 10 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. તમામ પ્રકારની મોબાઇલ ઇન્ટરનેટ ટેક્નોલોજી સ્થગિત કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. દરમિયાન દિલ્હી મેટ્રોના 57 સ્ટેશનો બંધ રહેશે. આ ઉપરાંત ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.