Feature Stories

સંસ્કૃતિ અમારી હોય ભલે અલગ, લાગણીમાં નથી પડતો કોઇ ફરક

આપણો દેશ તો વિવિધતામાં એકતા માટે જાણીતો જ છે કારણ કે અલગ અલગ પ્રાંતમાં વસતા હોવા છતાં લોકો ધંધા રોજગાર અર્થે એકબીજા સાથે સંકળાયેલા રહે છે અને તેથી જ તેમની વચ્ચે ક્યારેક ફેમિલી રિલેશન સ્ટ્રોંગ થતા પણ વાર નથી લાગતી જેને કારણે આજે કેટલાક પરિવારો એવા છે જેમાં તમને અલગ અલગ જાતિ અને ધર્મના લોકો મળી આવશે અને એ પણ દૂધમાં સાકર ભળી જાય એમ એવી ભળી ગયા હશે કે તમને એક નજરે ખ્યાલ પણ નહીં આવે કે આ આખા પરિવારે એકબીજાના કલ્ચરને કેટલું બખૂબી અપનાવી લીધું છે. તમામ ને કોઈને કોઈ મુશ્કેલી પણ પડી હશે જ્યારે કેટલીકવાર રમુજ પણ થઈ હશે, તો રવિવારે 15th મેએ જ્યારે વર્લ્ડ ફેમિલી ડે આવે છે ત્યારે આવા કિસ્સાઓ મણીશું આપણે એવા કેટલાક સુરતી ફેમિલી પાસેથી…

અમારા પરિવારને ચાર કલ્ચરની ઉજવણીનો લહાવો મળે છે: સુરેશભાઈ શાહ
શહેરના વેસુ વિસ્તારમાં રહેતા સુરેશભાઇ શાહ જણાવે છે કે, ‘અમારું પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનું જૈન પરિવાર છે. આજે અમારા ઘરમાં અમને 4 થી 5 પ્રકારની ઉજવણીનો લહાવો મળે છે. માંડીને વાત કરું તો મારા સાસુ કાઠિયાવાડી હતા અને સસરા જૈન પરિવારમાથી આવતા હતા. જેથી મારી વાઈફની રસોઈમાં અમને કઠિયાવડી સ્વાદ ચાખવા મળી જ જતો. જ્યારે મારો દીકરો મોટો થયો ત્યારે તેણે લગ્ન માટે એક મરાઠી યુવતી પસંદ કરી જેથી અમને તો કોઈ સમસ્યા નહીં નડી અને તેના ઘરમાં મરાઠી બોલી બોલાતી હોવાના કારણે તે ગુજરાતી બોલતી હોય ત્યારે પણ મરાઠી શબ્દોનો અનાયાસે ઉપયોગ થઇ જતો જેના કારણે અમે અસમંજસમાં મુકાઇ જતાં કે પછી હસી પડતાં. એકવાર તો એવું થયું કે મારી પત્નીએ એને આરસિયો (પાટલી) લાવવાનું કહ્યું અને એને સમજ જ નહીં પડી ત્યારે અમે બધા હસી પડ્યા હતા, અને આજે પણ આવા કેટલાક શબ્દો યાદ આવે ને હસી પડાય છે. એવી જ હાલત મારી વહુના પરિવારની પણ થતી જ્યારે તેની રાજસ્થાની ભાભીને મરાઠી સમજવામાં થતી.

દરેકના ઘરના અલગ અલગ ટેસ્ટ માણવા મળે છે : આરતી કોષ્ઠી
શહેરના ઉધના વિસ્તારમાં રહેતા આરતી કોષ્ઠી જણાવે છે કે, હું સુરતી છુ જ્યારે મે ગઢવાલ પરિવારમાં લગ્ન કર્યા છે. સાસરામાં અમારા લવ મેરેજ એકસેપ્ટ તો થઈ ગયા પણ શરૂઆતમાં મને અમુક રીતભાતમા અને ખાવાપીવામાં તકલીફ પડી હતી. ધીમે ધીમે આદત પડી ગઈ. જો કે મારા ઘરે મારા ભાભીને પણ આજ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મારા ભાભી મરાઠી હોવાથી તેમના ઘરે તીખું ખાવાનું બનતું હતું જ્યારે મારા પિયરમાં જમવામાં થોડી મીઠાશ હોય છે. તો શરૂઆતમાં ભાભીને જમવાની અને ભાષા સમજવામાં તકલીફ પડી સુરતીમાં અમુક શબ્દો બોલીએ તો એને સમજ નહીં પડે અને જેને કારણે રમુજ થતી. પણ પછી અમે બંનેએ પોતપોતાના ફેમિલીમાં એડજસ્ટ થઈ ગયા.

ભાષાની સમસ્યા સૌથી વધુ નડી હતી: નિક્કી તુંડાવાલા
શહેરના ઉધના વિસ્તારમાં રહેતા નિક્કી તુંડાવાલા જણાવે છે કે હું મૂળ UPની છું પણ મારુ ફેમિલી સુરતમાં સ્થાઈ થયું હતું. જો કે ઘરમાં અમે અમારી બોલી અને બહાર હિન્દીભાષાનો જ ઉપયોગ કરતાં હતા પણ મારા લગ્ન સુરતી ખત્રી પરિવારમાં થયા એટલે સાસરામાં બધા સુરતી ગુજરાતી જ બોલતા. હું સુરતમાં રહેતી હોવાથી થોડી સમજ તો પડી જતી પણ બોલવામાં તકલીફ પડતી, પણ આજે લગ્નના ૩ વર્ષમાં હું સારી રીતે ગુજરાતી બોલી શકું છું. મારા ગુજરાતીના અજ્ઞાનને કારણે હું ઘણીવાર હાંસીને પાત્ર બનતી હતી. ક્યારેક તો કોઈ મને મજાકમાં અપશબ્દો બોલી દેતું તો પણ મને સમજ નહિ પડતી અને જેના કારણે પરિવારજનો પોતાનું હસવું રોકી નહિ શકતા અને આજે પણ આ વાત યાદ કરીને અમે હસી પડીએ છીએ. જો કે, આ સિવાય મારી જેઠાણી પણ અન્ય કાસ્ટમાંથી છે પણ એ ગુજરાતી હોવાથી એને ભાષાની ખાસ તકલીફ પડી નહિ પણ પરિવારમાં એડજસ્ટ થતાં થોડો સમય જરૂર લાગ્યો હતો. આજે અમે સુરતી તહેવારોની સાથે સાથે અમારા UPના તહેવાંરોની મઝા પણ માણીએ છીએ અને આજે અમે બધા જ સાથે હળીમળીને રહી છીએ.

Most Popular

To Top