Charchapatra

રોજગારી માટે શિક્ષણ ક્ષેત્ર ઉત્તમ

ગુજરાતમાં સરકાર ખાનગી શિક્ષણને પ્રાધાન્ય આપી રહી છે અને શિક્ષણ એ વ્યાપાર બની ગયું છે તે કોઈ છુપાયેલી વાત નથી.પહેલાં ખાનગી શિક્ષણ સંસ્થાઓને વધારીને અને શિક્ષણમાં ઢીલાશના નિયમો લાવીને લગભગ બધાને જ શિક્ષિત કર્યા. પરંતુ હવે આ બધા શિક્ષિત બેરોજગારો માટે કોઈ યોગ્ય રોજગાર ન હોવાને કારણે હવે કોઈ પણ પ્રકારની ડીગ્રીધારક શિક્ષક બની પોતાનો જીવનનિર્વાહ કરી શકશે. આ નિર્ણય શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે લેવામાં આવ્યો છે કે પછી ગુજરાતમાં વધતા જતા શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો છે.

આવનારા સમયમાં ખાનગી શાળા,ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓનો રાફડો ફાટવાનો છે ત્યારે દરેક પ્રકારની ડીગ્રીવાળી વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરી શકે તેવી વ્યવસ્થા સરકારનું આગોતરું આયોજન છે.આવનારા સમયમાં ખાનગી ક્ષેત્રમાં સામાન્ય ગ્રેજ્યુએટ અને બી.એડ. થયેલા જે શિક્ષકો છે તેમના માટે ખૂબ જ હરીફાઈવાળો સમય આવી રહ્યો છે. એવું કેવું વિકાસ મોડલ કે બી.ફાર્મ, એમબીબીએસ અને અન્ય ડીગ્રીઓ લીધા પછી પણ શિક્ષક બનવું પડે.

આમ પણ આપણે જોઈએ જ છીએ કે સરકારી ક્ષેત્રે એક ચપરાશીની પોસ્ટ માટે પણ જગ્યા નીકળે છે ત્યારે પીએચડી કરેલાં લોકો પણ તેમાં આવેદન કરતા હોય છે. દેશમાં ફક્ત અને ફક્ત નેતા,અભિનેતા અને ધર્મનેતા બનવા માટે કોઈ શિક્ષણની જરૂર નથી.બાકી તમામ ક્ષેત્રે ઊંચામાં ઊંચી ડીગ્રી પણ તમને રોજગાર આપી શકે તો એ તમારાં પુણ્ય કર્મોનો જ પ્રતાપ હશે.આવનારા સમયમાં શિક્ષણ નોબલ પ્રોફેશન રહેશે કે કેમ? ફીસ માટેની એફઆરસી ની લોલીપોપ તો મળી જ ગઈ છે. જોઈએ હવે આ બીજી લોલીપોપ કેવા ચમત્કારો કરે છે.
સુરત     -કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મોદીજી રાષ્ટ્રીય હેપીનેસ બાબતે વિચારો
તાજેતરમાં જાહેર કરાયેલ વિશ્વ હેપીનેસ સંશોધન ઇન્ડેક્ષમાં ભારત છેક 136મા ક્રમે આવ્યું. ‘વિશ્વગુરુ’ બનવા થનગનતા મોદીભક્તો માટે આંચકાજનક સમાચાર કહેવાય! 70 વર્ષ સુધી શાસન કરનારા કોંગ્રેસીઓએ આ બાબત કાંઇ કર્યું જ નથી પરંતુ હવે મોદીજીના શાસનમાં આ અંગે વિચારવું ખાસ જરૂરી બને છે. મોદીજીના શાસનમાં એક ખાસ રાષ્ટ્રીય ‘હાસ્ય ખાતું’ ઊભું કરવું જરૂરી છે, જેના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ મોદીને બનાવો અને એના રાષ્ટ્રીય મંત્રી તરીકે સ્મૃતિ ઇરાનીને જાહેર કરો.  આ ખાતું ઘણાં જાહેર નામો બહાર પાડી શકે જેમકે આપણે વગર દીવાળીએ કોરોનામાં દીવડા પ્રગટાવ્યા, અગાશીએ ચડી થાળીઓ વગાડી, હવે મોદીજીની જન્મ તારીખ 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હાસ્ય દિવસ જાહેર કરી શકાય.

પ્રજાને રડવા ઉપર પ્રતિબંધ મૂકી શકાય, શાળાઓમાં દરરોજ 1 પીરીયડ હાસ્ય માટે રાખવાની સૂચના આપી શકાય, જેમાં આમંત્રિત ભાજપના નેતાઓ અવનવા ટુચકા-જોકસ સંભળાવીને બાળકોને હસાવતા રહે. ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર આ માટે ખાસ હાસ્ય સેલ (વિભાગ) ઊભા કરે. દેશના ગામેગામની તમામ સંસ્થા અને સંગઠનોને સરકારી ભવનોમાં, હોલમાં કે વોક વે જેવી જગ્યાઓમાં પ્રજાને હસાવવા માટેના પ્રોગ્રામો ‘મફત’માં કરવા માટેની છૂટ આપી શકાય. દરેક ધર્મસ્થાનોમાં આરતી કે બંદગી પછી ભેગા થયેલા તમામ 10 મીનિટ ફરજીઆત હસે એવો કાયદો બનાવો, વળી ભાજપ સમર્થકો ‘હાસ્ય’ સીરીયલો બનાવે તે માટે વિના વ્યાજે લોન મળવી જોઇએ અને એ સીરીયલો TV ઉપર 24 કલાક બતાવવાની વ્યવસ્થા થવી જોઇએ જેથી પ્રજાનો હેપીનેસ ઇન્ડેક્ષ ઊંચો લાવી શકાય.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top