Charchapatra

પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડ અને મા કાર્ડ

ગુજરાતનાં લાખો નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે રાહત મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય, કાર્ડ અને મા કાર્ડ (PMJAY-MA) યોજના હેઠળ પાંચ લાખના રૂપિયાના આરોગ્ય સુરક્ષા કવચની રકમ ડબલ કરીને દસ લાખ રૂપિયાની કર્યાની વહીવટી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત નાગરિકો માટે આવકાર્ય હોઈ અભિનંદનીય છે. જે રકમ ડબલ કરીને વધારેલ છે તેને બદલે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના માટેની અરજી કરવાની જે આવકમર્યાદા નિર્ધારિત કરેલ છે. તેની રકમ વધારી રાજ્યનાં વધુ નાગરિકોને આ યોજનામાં કવર કરવાની ખાસ જરૂર છે.

આરોગ્ય સુરક્ષા કવરની રકમ વધારવાથી હોસ્પિટલોને અને ડોકટરોને ફાયદો થશે જ્યારે અરજીની આવકમર્યાદા વધારવાથી વધુ નાગરિકોને આ યોજનામાં જોડી શકાશે અને લાભાન્વિત કરી શકાશે. આવક ધરાવનાર રાજ્યનાં નાગરિકો પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અને મા કાર્ડ ન હોવાથી મોટી રકમના પ્રિમીયમવાળા મેડીક્લેઈમ હોય છે પરંતુ મેડીક્લેઈમ ઉતારનારી ઈન્સ્યોરન્સ કંપનીઓ સારવારનાં પૂરેપૂરાં નાણાં આપવાના ઠાગાઠૈયાં કરતી હોવાની ઘટનાઓ બહાર આવેલ છે. મેડીક્લેઈમ ધરાવનાર નાગરિકે સમય અને પૈસા બગાડીને ન્યાય માટે કન્સ્યુમર કોર્ટમાં અનિચ્છાએ જવું પડે છે. બીજા વિકલ્પે આવાં નાગરિકો માટે જરૂરી ઈન્સ્યોરન્સ સ્કીમ સરકારે બહાર પાડવાની જરૂર છે.

રાજ્ય સરકારના પેન્શનરોને સરકાર સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર આપે છે તો રાજ્ય સરકારનાં નિવૃત પેન્શનરોને આવકમર્યાદાના ખાધ વિના પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કે મા કાર્ડ આપવાની જરૂર છે જેથી નિવૃતોની આરોગ્યના ખર્ચાની ચિંતા નિવારી શકાય. કુટુંબમાંથી માત્ર બે વ્યકિતને જ આવા કાર્ડનો ઉપયોગ મર્યાદિત કરીને રાજ્યનાં દરેક કુટુંબોને બે વ્યકિતના મર્યાદિત આવા આરોગ્યના લાભ મળે તેવો ન્યાય રાજ્ય સરકારે વધારવાની જરૂર છે જેથી વધુ કુટુંબોનાં નાગરિકોને આ યોજનાનો લાભ મળી શકે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top