Comments

‘શિક્ષણ એ એક માત્ર સામાજિક પરિવર્તનનું માધ્યમ નથી’ : સ્વીકાર કરીએ

ઈ.સ. ૧૯૫૭નો બળવો નિષ્ફળ ગયો. ગણ્યાં – ગાંઠ્યા અંગ્રેજો સામે દેશ તૂટી ગયો. એ સમયે શૂરવીરોના બાવડામાં જનોઈવાઢ આપવાની તાકાત નહોતી તેવું નહોતું. ભારતીય યોદ્ધાઓની રાષ્ટ્રભકિતમાં કમી નહતી. પરંતુ રાજવીઓનાં સૈન્ય પાસે Distance Killing Technology નો અભાવ હતો. તલવાર, ભાલા, બરછી સામે 300 ગજના અંતરથી અચૂક વાર કરતી બંદૂકો અને ૧૨૦૦ ગજ દૂરથી છૂટતાં તોપનાં ગોળાઓ નહોતા. આથી દેશનાં અજેય કિલ્લાઓ ખરી પડ્યા. સરવાળે આઝાદી ૯૦ વર્ષ પાછી ઠેલાઈ. ઔદ્યોગિક ક્રાંતિ પછીના તકનિકી વિકાસે શૌર્ય અને રાષ્ટ્રભાવનાથી થતાં વિજયનાં ઈતિહાસને પલટ્યો અને તકનિક આધારિત રણનીતિનો વિકાસ જોવાં મળ્યો.

સ્વાતંત્રતાનાં ૬૮ વર્ષ પછી આવો બીજો એક બદલાવ, શિક્ષણ વ્યવસ્થાનો મહેલ ધ્વસ્ત કરી રહ્યાનું જણાય છે. સાંદીપનિ આશ્રમમાં ભણતા કૃષ્ણ અને સુદામા કે ગુરુદ્રોણનાં સમયથી સ્થાપિત ગુરુકુળના ઈતિહાસને ઈ.સ. ૧૮૩૫માં એક અંગ્રેજ વિચારક મૅકોલેએ ભારતમાં રહીને બદલ્યો. બિનનિવાસી શાળાઓ દ્વારા જ્ઞાનની આપ-લેની સામાજિક પ્રક્રિયા વિસ્તારવામાં આવી. વ્યકિતગત સંપર્કનાં સ્થાને નિયત સમયગાળાને માપદંડ તરીકે સ્વીકારવામાં આવ્યો. ઉપરાંત સત્રનાં અંતે ૧૦૦ ગુણની લેખિત – મૌખિક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીની ગુણવત્તા નક્કી કરવાનો રિવાજ પ્રચલિત કરવામાં આવ્યો.

ઈ.સ. ૧૯૪૭ સુધીમાં ગુલામ ભારતમાં તમામ તહેસીલોમાં રાજ્ય-આશ્રિત શિક્ષણ વ્યવસ્થાનો પાયો નંખાતા, નગરજનોનાં શિક્ષણવેરા આધારીત શિક્ષણ – મંત્રાલયો સ્થપાયા અને આઝાદી પછી તો શિક્ષણ વિભાગ, શિક્ષક, શાળાસંકુલ, પરીક્ષા સંકલન જેવા એકમો રાજ્યની વ્યવસ્થાનાં દાયરામાં મૂકાયા. એટલું જ નહીં પણ શાળાકીય શિક્ષણને વ્યકિતનાં બંધારણીય અધિકાર તરીકે પ્રસ્થાપિત કરી દેવાયું.

માહિતી અને સામાજિક આવડતોનાં આદાન પ્રદાનનાં સાતત્ય તથા અસરકારી પ્રભાવને લક્ષમાં લેતાં હિંદ સ્વરાજ્યમાં મહાત્મા ગાંધીએ લખ્યું કે, ‘‘શિક્ષણ લોકોને જવાબદાર અને કામઢાં બનાવે તેવું હોવું જોઈએ.’’ અને શિક્ષણ વ્યવસ્થાપન ઉપર સમાજની અતિશય નિર્ભરતાને લક્ષમાં રાખી All India Inter University vice chancellor Conference માં તત્કાલિન વડાપ્રધાન પ્રા. ડૉ. પી. વી. નરસિંહરાવે કહ્યું કે, ‘‘દર્શનશાસ્ત્રની સમીક્ષાએ પુરવાર કર્યું છે કે, ‘‘નાના છિદ્રમાંથી સંપૂર્ણનું દર્શન શક્ય નથી.’’ સંસ્કૃતનાં પ્રાધ્યાપક નરસિંહરાવે પોતાના ગહન અધ્યયનને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડી ઉમેર્યું કે, “ઈતિહાસનાં અવલોકનથી ખ્યાલ આવે છે કે, જગતની કોઈ તરાહ સર્વાંગી ઈલાજ આપી શકતી નથી.’’

શિક્ષણ વ્યવસ્થાપન પાછળ ગુજરાત રાજ્ય વરસે રૂ. ૧૬,૦૦૦ કરોડનો ખર્ચ કરે છે. આમ છતાં વર્ષ ૨૦૧૫માં ધોરણ – ૧૨માં ૭૫,૦૦૦ વિદ્યાર્થીઓ માતૃભાષાના પેપરમાં જ નાપાસ થયા છે. ૧૪૧ શાળઓનું પરિણામ ૧૦% થી ઓછું આવ્યું છે. પ્રાથમિક શાળાથી જ અંગ્રેજી અને ગણિત વિષયનાં અભ્યાસનો આગ્રહ હોવા છતાં શાળા સંચાલકોને ઝટકો દે તેવા સમાચાર એ છે કે ૧.૬૮ લાખ બાળકો અંગ્રેજી વિષયમાં અને ૨.૭ લાખ બાળકો ગણિતમાં નાપાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વર્ષ ૨૦૧૪ કરતાં ૮% ઓછું છે. જે છેલ્લાં ૨૦ વર્ષમાં સહુથી નબળું છે.

રાજ્યનાં શિક્ષણ મંત્રાલય, શાળા સંચાલકો અને શિક્ષકો માટે ફેર વિચારણા કરવા માટે ફરજ પડે તેવી સ્થિતિ એ છે કે પ્રવેશ ઉત્સવનાં સરકાર હસ્તકનાં કાર્યક્રમ પછી પણ ૮% બાળકો શાળા છોડી જાય છે. વર્ષ ૨૦૧૫માં ધોરણ ૧૦માં પહોંચ્યા પછી પણ માત્ર ૫૪% બાળકો જ પાસ થઈ ધોરણ – ૧૧માં પ્રવેશ્યા છે! ગુજરાત જેવા પ્રગતિશીલ ગણાતા રાજ્યમાં શિક્ષણનું ફળદર્શન આવું નિરાશાજનક છે તો પછી ઉત્તરાંચલ, ઝારખંડ, બિહાર જેવા દેશનાં પછાત રાજ્યો વિશે શું વાત કરવી ? આમ છતાં ભારત સરકારની Human Resource Ministries એ ભાષા, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, શિક્ષક ગુણવત્તા જેવા ૩૩ મુદ્દાઓ વેબસાઈટ ઉપર મૂકી શિક્ષણ – સુધાર માટેનાં સૂચનો મંગાવ્યા છે.

છેક ઈ.સ. ૧૯૩૮માં રાષ્ટ્ર-નિર્માણ અંગેના કાવ્યમાં રવિન્દ્રનાથ ટાગોરે પોતાની દીર્ઘ સમજને ફેલાવતાં કહેલું કે,‘‘ઈંટોનાં આકાર કે ગોઠવણીનાં ફેરફારથી સ્વરાજ્ય ભાવના સાકાર થશે નહીં.’’ ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે’ તેવું ગાનાર કવિ નર્મદે પણ કલમને ખોળે માથું મૂકીને કહેલું કે, ‘‘નિશાળો સુધારણા હેતુ માટે ઉપકારક નથી.’’ ગુજરાત વ્યાપારી ભાષા સમજે છે. બજાર થકી સમાજનું ઘડતર થઈ રહ્યું છે તે અનુભવે છે. વિજ્ઞાન અને તકનિકથી આવતા પરિવર્તનો સ્વીકારે છે. તેમ છતાં મા- બાપ અને શાળા સંચાલકો શિક્ષણ વ્યવસ્થામાં ખુલ્લાપણું સ્વીકારવા તૈયાર નથી ! શિક્ષણને વ્યાપક પસંદગીના લોકશાહી અભિગમ વચ્ચે મૂકવા તૈયાર નથી ! અને મૅકોલે ગયાને પોણા બસ્સો વર્ષ વિત્યાં છતાંય એ જ શિક્ષક, અભ્યાસક્રમ, પરીક્ષા, શાળા ઇત્યાદિ સુધાર ફરતે અપેક્ષિત રહે છે જે આશ્ચર્ય પમાડે છે.

૨૧મી સદીમાં શિક્ષણનો સંદર્ભ ભૂતકાળ સાથે જોડી રાખવાનાં બદલે હવે શિક્ષણ વ્યવસ્થાપનને જ્ઞાનનું શિક્ષણ, માહિતીનું શિક્ષણ, જીવન શિક્ષણ, વ્યવસાયનું શિક્ષણ અને વહીવટી સંચાલન માટેની તાલીમ તરીકે વિકસાવીએ. માહિતીની આપ-લેનો આધાર મૂલ્ય નહીં પણ માનવ મસ્તિષ્કને બનાવીએ. શિક્ષણ, પરીક્ષા, પાઠ્યક્રમ તેવી પારંપારિક ઈંટોને પડતી મૂકી બજાર માફક શિક્ષણને સાધ્યલક્ષી બહુહેતુક બનાવીએ. બાળકનાં ૧ થી ૧૨ વર્ષનાં વિકસિત જીવનનો ઉપયોગ કરી ૧ થી ૭ ધોરણને રાજ્યની જવાબદારી હેઠળ લઈ જઈએ. બાળકોને માતૃભાષાના પુસ્તકનાં ભાર વિના ભણાવીએ. બાળકોને ઈન્દ્રિય શિક્ષણ, જીવન શિક્ષણ, મૂલ્ય શિક્ષણ અને સમાજ શિક્ષણનાં પાઠ આપીને છેવટે પસંદગી અનુસાર આગળનો માર્ગ ખુલ્લો કરી આપીએ. ભવિષ્યના ભારતનાં યુવાનોની ચિંતા વ્યકત કરતા સ્વ. અબ્દુલ કલામે IIM માં કહ્યું હતું કે પ્રતિવર્ષ ૭૦ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ અને ૩૦ લાખ ભાઈ – બહેનો સ્નાતક પદવી લઈ બહાર આવે છે ત્યારે તેમનો માર્ગ પ્રશસ્ય નહીં કરીએ તો યુવા વર્ગમાં અજંપો વધી જશે. રાષ્ટ્ર ઉપર આવી રહેલ આફતની ભવિષ્યવાણી ભારતરત્ને કરી જ છે જેને ગંભીરતાથી લઈએ.

ગુજરાતમાં ૪૦,૦૦૦ કરતાં વધુ પ્રાથમિક શાળાઓ છે. ત્યારે શાળા સંચાલકો પોતાની શાળામાં માત્ર ૨૦ બાળકોને પસંદ કરી ધોરણ ૧ થી ૭ સુધી માતૃભાષામાં પુસ્તક વિના અવૈધિક પદ્ધતિથી માહિતીનાં આદાનપ્રદાનનો પ્રયોગ કરે તે ગાંધીજીની કલ્પનાનો કામઢો અને જવાબદાર માણસ તૈયાર થશે. દેશનાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઈ.સ. ૧૯૫૮માં લાલ કિલ્લા ઉપરથી કહ્યું, “કામ અધિક બાતેં કમ’ તેમ શિક્ષણને ચિંતન વિષય રાખવાનાં બદલે અમલવારીની સૂચિમાં લાવીશું તો જ ડગલે – ડગલે નવી કેડી કંડારાશે. મૅકોલેએ વાવેલ થોર મૂળમાંથી નિર્મૂળ થશે.     
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top