Columns

હૈતી, લેબેનોન અને તુર્કીના ધરતીકંપ HAARP ટેક્નોલોજી વડે કરાવવામાં આવ્યા હતા?

તુર્કીના જે ભૂકંપમાં આશરે એક લાખ લોકો માર્યાં ગયાં હોવાની આશંકા સેવાઈ રહી છે તે કુદરતનો પ્રકોપ નહોતો પણ અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ‘હાર્પ’ટેકનોલોજીનું પરિણામ હતું, તેવો આક્ષેપ સોશ્યલ મીડિયામાં મોટા પાયે કરવામાં આવી રહ્યો છે. તુર્કી સતત અમેરિકા, યુરોપ અને આરબ દેશોનાં હિતો પર આક્રમણ કરી રહ્યું હોવાથી તેને પાઠ ભણાવવા આ ભૂકંપ કૃત્રિમ રીતે પેદા કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ મુસ્લિમ દેશોના નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવા મુજબ થોડા સમય પહેલાં હૈતીમાં અને લેબેનોનમાં જે ભૂકંપો થયા હતા તે પણ માનવસર્જીત હતા. નેધરલેન્ડના એક સંશોધકે ૩ દિવસ પહેલાં તુર્કીના ભૂકંપની આગાહી કરી હતી. તેની આગાહી મુજબ હવે ટૂંક સમયમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના કાશ્મીરમાં પણ મોટા ભૂકંપો આવી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો ભૂકંપની સચોટ આગાહી કરી રહ્યા છે, કારણ કે તેમને અમેરિકા દ્વારા રમવામાં આવતી રમતનો ખ્યાલ આવી ગયો છે.

તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારથી ટ્વિટર પર #HAARP ટ્રેન્ડ થઈ રહ્યું છે, જેના પર એક લાખ કરતાં વધુ ટ્વિટ નોંધાઈ ચૂક્યા છે. એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું હતું કે ‘‘ત્રણ સપ્તાહ પહેલાં ‘ફેટો’ના સેરકાન કારાબાખે આગાહી કરી હતી કે તુર્કીમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવવાનો છે. તુર્કીના બંદર પર લાંગરેલી અમેરિકન સ્ટીમર ત્યાંથી ભૂકંપ પહેલાં વિદાય લઈ ચૂકી હતી. તુર્કીમાં આવેલી અમેરિકાની અને યુરોપના દેશોની એલચી કચેરીઓ બંધ કરી દેવામાં આવી હતી અને તેના કર્મચારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે આકાશમાં ધુમાડાનું મોટું વાદળ દેખાયું હતું. જ્યારે જ્યારે ‘હાર્પ’ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આયોનોસ્ફિયરમાં વિકિરણો છોડવામાં આવે છે ત્યારે આવું વાદળું દેખાતું હોય છે અને પ્રકાશના ઝબકારા થતા હોય છે. અમેરિકાનું યુદ્ધજહાજ ‘યુએસએસ નિત્ઝે’આ ભૂકંપ કરાવવા જ તુર્કીમાં લાંગર્યું હતું.’’

તુર્કીનો ભૂકંપ અમેરિકા દ્વારા કરાવવામાં આવ્યો હતો કે કેમ? તે વિવાદાસ્પદ મુદ્દો છે, પણ અમેરિકા અને તુર્કી વચ્ચે વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દુશ્મનાવટ વધી રહી છે, તે વાસ્તવિકતા છે. તુર્કીના પ્રમુખ તાઇપ એર્ડોગને તાજેતરમાં વિધાન કર્યું હતું કે ઇઝરાયલ રાજ્યની રચના પહેલાં જેરુસલેમ મુસ્લિમ ઓટોમોન સામ્રાજ્યનો ભાગ હતું, જેને કારણે અમેરિકા તેમ જ ઇઝરાયલ છંછેડાઈ ગયાં હતાં. તુર્કીએ તેની વિશ્વપ્રસિદ્ધ હાગિયા સોફિયા મસ્જિદમાં પાછી નમાજ પઢવાની શરૂ કરી તેને પણ કટ્ટર ઇસ્લામિક પગલાં તરીકે જોવાઈ રહ્યું છે. જેરુસલેમની અલ-અક્સા મસ્જિદના વિવાદમાં તુર્કીએ ઈઝરાયલ સામે પેલેસ્ટાઇનનો પક્ષ લીધો તેને કારણે પણ અમેરિકા નારાજ હતું.

હાલમાં મુસ્લિમ અઝરબૈજાન અને ખ્રિસ્તી આર્મેનિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં પણ તુર્કી ખાનગીમાં અઝરબૈજાનની મદદ કરી રહ્યું છે. ફ્રાન્સના કાર્ટૂનિસ્ટે મોહમ્મદ પયગંબરનું અપમાન કરતાં કાર્ટૂનો બનાવ્યાં તે મુદ્દે તુર્કીના પ્રમુખ એર્ડોગને ફ્રાન્સના પ્રમુખ માર્કોન સાથે જીભાજોડી કરી હતી, તેને કારણે પણ યુરોપના દેશો તેમના પર રોષે ભરાયા હતા. કતાર નામનો મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સામે પડી ગયો છે, તેને તુર્કી પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી પણ અમેરિકા સાથે દોસ્તી ધરાવતા આરબ દેશો તુર્કીથી નારાજ થયા છે. તુર્કીના ગ્રીસ સાથેના સંબંધો પણ વણસ્યા છે, જે નાટોનું સભ્ય છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં તુર્કી રશિયાની તરફેણ કરી રહ્યું છે તે પણ અમેરિકાને આંખના કણાની જેમ ખૂંચી રહ્યું છે. તુર્કીના આ બધા ગુનાઓની સજા કરવા માટે અમેરિકા દ્વારા ‘મેનમેડ’ભૂકંપ લાવવામાં આવ્યો હોય તેવી શંકા વ્યક્ત થઈ રહી છે. ૨૦૨૦ની ૪ ઓગસ્ટે લેબેનોનના પાટનગર બૈરુતમાં જે ભેદી ભૂગર્ભ ધડાકાઓ થયા તેની પાછળ પણ ‘હાર્પ’ટેક્નોલોજીનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તે સમયે ભૂગર્ભમાં ૧૧-૧૧ સેકન્ડના આંતરે ૬ ધડાકાઓ થયા હતા. ત્યાર પછી આકાશમાં બિલાડીના ટોપના આકારનું વાદળું જોવા મળ્યું હતું, જેવું વાદળું તુર્કીમાં પણ જોવા મળ્યું હતું. લેબેનોનના આંતરિક બાબતોના પ્રધાન નોહાદ મચનુકે તો ઇઝરાયલ પર આ ધડાકાઓ કરાવવાનો આક્ષેપ પણ કર્યો હતો. લેટિન અમેરિકામાં આવેલા હૈતીમાં ૨૦૧૦માં જે વિનાશક ભૂકંપ થયો તે પણ અમેરિકાએ કરાવ્યો હતો, તેવો આક્ષેપ વેનેઝુએલાના પ્રમુખ હુગો ચાવેઝે કર્યો હતો. દક્ષિણ કોરિયાના પોહાંગ શહેરમાં ૨૦૧૭માં જે ધરતીકંપ થયો હતો તે પણ માનવસર્જીત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભૂગર્ભમાં જ્યારે અણુધડાકા કરવામાં આવે છે ત્યારે પણ આવા જ આંચકાઓ અનુભવાતા હોય છે.

અમેરિકા જે ‘હાર્પ’ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધરતીકંપ લાવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તે ‘હાર્પ’ટેક્નોલોજી શું છે? તેની પણ માહિતી મેળવવી જરૂરી છે. લગભગ ૧૯૮૦ની સાલમાં અમેરિકાનું નૌકાસૈન્ય, અમેરિકી ઍરફોર્સ, અમેરિકી સંરક્ષણ વિભાગની પેટાસંસ્થા ડાર્પા (Defense Advanced Research Projects Agency) અને યુનિવર્સિટી ઑફ અલાસ્કાના આર્થિક સહયોગથી ‘હાર્પ’High-frequency Active Auroral Research Program (HAARP) નામની ટેક્નોલૉજી વિકસાવાઈ હતી. તેનો દેખીતો હેતુ આઈનોસ્ફિયરમાં ચાલતી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, પણ તેના દ્વારા વિજ્ઞાનીઓ આઈનોસ્ફિયરમાં ફેરફાર કરવાની ટેકનોલોજી પણ વિકસાવી ચૂક્યા છે.

આઈનોસ્ફિયર પૃથ્વીના વાતાવરણમાં ૮૫ કિલોમીટરથી લઈને ૬૦૦ કિલોમીટર સુધી ફેલાયેલું છે. આ સિસ્ટમમાં વિશાળ મેદાનમાં સેંકડો એન્ટિનાઓ ગોઠવાય છે. તેમાંથી ઇલેક્ટ્રો-મૅગ્નેટ તરંગો આઇનોસ્ફિયરમાં છોડાય છે. આ આઇનોસ્ફિયર ઋતુચક્રને નિયંત્રિત કરતું વાતાવરણનું ઉપલું પડ છે. આ તરંગોના કારણે આઇનોસ્ફિયરમાં વિજ્ઞાનીઓ મનફાવે તેવા ફેરફાર કરી શકે એમ છે. અર્થાત્, વિશ્વના કોઈ પણ ખૂણે, કોઈ પણ દેશમાં અતિવૃષ્ટિ કરાવવી કે વાવાઝોડાં કે ત્સુનામી લાવવા તેમના માટે રમત વાત છે! યાદ રહે કે અમેરિકાનો સૈન્ય વિભાગ પેન્ટાગોન આવાં અનેકાનેક વિનાશક કૃત્યો કરવા બદલ કુખ્યાત છે. આ સૈન્ય વિભાગ પાસે હજારો વિજ્ઞાનીઓની ટીમ છે, જેનો ઉપયોગ ક્યારેક વિનાશ માટે, તો કયારેક નિયંત્રણની બેડીઓ મજબૂત બનાવવા કરવામાં આવે છે અને ઘણા ખરા કિસ્સાઓમાં ‘નાસા’તેનું સહાયક હોય છે. તેમનો હેતુ પૃથ્વીના પર્યાવરણ પર નિયંત્રણ મેળવી લેવાનો છે.

‘હાર્પ’ના પ્રયોગોનો પ્રારંભ ૧૯૯૩માં કરવામાં આવ્યો હતો. લગભગ તે સમયે જ યુનો તરફથી આપણને ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી આફતોની ચેતવણી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાર્પની યંત્રણા ઊભી કરવા પાછળ આશરે ૨૯ કરોડ ડોલરનો ખર્ચો કરવામાં આવ્યો હતો. ૨૦૧૪માં જાહેર કરવામાં આવ્યું હતું કે હાર્પનો પ્રોજેક્ટ કાયમ માટે બંધ કરવામાં આવે છે. ૨૦૧૫ના તેની મશીનરી યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેરબેન્કને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ યોજના સત્તાવાર રીતે બંધ કરીને તેનો ઉપયોગ કોઈ ગુપ્ત હેતુ માટે કરવામાં આવતો હોય તેવી સંભાવના કાયમ રહે છે. જો અમેરિકા અને યુરોપના દેશો દ્વારા ‘હાર્પ’ટેકનોલોજીનો ઉપયોગ વગર યુદ્ધે દેશોને ખતમ કરવા માટે થતો હોય તો તેનો વિરોધ કરવો પણ જરૂરી બની જાય છે.

Most Popular

To Top