SURAT

સુરતમાં દારૂ ખરીદીને પીતા પહેલા દસ વખત વિચારજો, ડિંડોલીમાં જ ડુપ્લિકેટ દારૂ બને છે

સુરત : સુરત શહેરમાં દારૂ ખરીદીને પીતા હોવ તો તમારો અને તમારા પરિવારનો વિચાર કરજો. કેમકે આ ડુપ્લિકેટ દારૂ લઠ્ઠા કરતાં પણ વધુ ખતરનાક છે. બાતમીના આધારે ડિંડોલીમાંથી એલસીબી ઝોન 2 દ્વારા બનાવટી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડવામં આવી છે. અહીંથી પોલીસે કેમિકલ તથા ખાલી બોટલો અને સ્ટીકર સહિત દારૂ બનાવવા માટેનુ મટિરીયલ કબ્જે કર્યુ છે. દારૂની ફેકટરી બનાવનાર ઇસમ તે અગાઉ હત્યાના કેસમાં પકડાઇ ચૂકયો છે. જામીન પરથી છૂટી બાદ તેણે આ ફેકટરી શરૂ કરી દીધી હતી.

  • હત્યાના આરોપીએ જામીન પર છૂટયા બાદ દારૂની મિની ફેકટરી ખોલી દીધી
  • અગાઉ ઇચ્છાપોરમાં ડુપ્લીકેટ દારૂની ફેકટરી પકડાઇ હતી પરંતુ કોઇ પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી નહી કરાઇ

આમ તો સુરતીઓ મદિરા પીવાના ઘણા શોખીન હોય છે. પરંતુ જે મદિરા નું સેવન સુરતીઓ કરી રહ્યા છે તેઓને ખ્યાલ પણ હોતો નથી કે તેઓ જે મદિરાનું સેવન કરી રહ્યા છે કેમિકલથી બનાવવામાં આવેલું નશાકારક પ્રવાહી છે. ડિંડોલીના શ્રીરામ નગર સોસાયટીમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં બીજા માળે આવેલ ફ્લેટ ની અંદર બે ઇસમો ડુપ્લીકેટ દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પોલીસે પકડી પાડયા હતા.

દરમિયાન અગાઉ ઇચ્છાપોર પોલીસમાં ડીસ્ટાફની સામૂહિક બદલી કરાઇ હતી પરંતુ કોઇની બદલી કરવામાં આવી ન હતી. આ બદલી કાગળ પરજ રહી જવા પામી છે. તેમાં રાજભા નામના વિવાદી ઇસમ સામે કોઇ કાર્યવાહી નહીં કરવામા આવતા આ મામલો વિવાદમાં છે. હવે આ માટે લોકસ પોલીસ અજાણ હતી કે પણ જાણતી હતી તે બાબતે ડીસીપી ભગીરથ ગઢવીએ તપાસ શરૂ કરી છે.

આ દરોડામાં પોલીસે સંદીપ ઉદયરાજ યાદવ અને વિક્રમ રાજ બહાદુર યાદવ નામના શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પર તપાસ કરતા ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ, સ્ટીકર, ખાલી બોટલ તેમજ કેમિકલમાંથી બનાવવામાં આવેલ ડુપ્લીકેટ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી ની ટીમે સ્થળ પરથી કુલ 71,700 રૂપિયાની મત્તાનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા દારૂ બનાવવા માટેનું કેમિકલયુક્ત પ્રવાહી થેલીમાં ભરી મહારાષ્ટ્ર થી સુરત લઈ આવ્યા હતા. જે ડુપ્લીકેટ દારૂ બનાવી આરોપીઓ શહેરમાં વેચાણ કરવાના ફિરાકમાં હતા. બંને આરોપીઓ પાસેથી પોલીસે દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતું પ્રવાહી, મોપેડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જે બે આરોપીઓ ઝડપાયા છે તેમાંનો એક આરોપી હત્યાના ગુનામાં સંડોવાયેલો છે.

ચાર વર્ષ અગાઉ સુરતના ડિંડોલી વિસ્તારમાં રામફેર નિશાદ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેની લાશને ડ્રેનેજમાં નાંખી ડિસપોઝ કરવાનો પ્રયત્ન કરાયો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી ચકચારીત આ હત્યા કેસમાં આલોક નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જે હત્યાકાંડમાં આરોપી સંદીપ ઉદયરાજ યાદવની પણ સંડોવણી સામે આવી હતી.જે ગુનામાં ધરપકડ કરાયેલા સંદીપ યાદવ છેલ્લા ચાર વર્ષથી સુરતની લાજપોર જેલવાસ ભોગવી રહ્યો હતો અને હાલ જ જામીન પર બહાર આવ્યો હતો. જેણે પોતાના અન્ય સાગરીત સાથે મળી ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેક્ટરી શરૂ કરી દીધી હતી…

સુરત ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે અન્ય કોઈ કેમિકલ પ્રવાહી ઉમેરવાના હતા કે કેમ અથવા તો કોઈ અન્ય કેમિકલ ઉમેરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ એલસીબી ની ટીમે તપાસ હાથ ધરી છે.

વધુમાં આરોપીઓ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચલાવવામાં આવતી હતી અને ડુપ્લીકેટ દારૂ ક્યાં ક્યાં સપ્લાય કરાયો છે તેની પણ ઝીંનવટભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ડિંડોલી પોલીસને સોંપવામાં આવી છે.

Most Popular

To Top