National

અતીક અહમદ અને તેના ભાઇની નાટ્યાત્મક રીતે હત્યા

એક નાટ્યાત્મક ઘટનાક્રમમાં બહુચર્ચિત ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઇની આજે રાત્રે હત્યા થઇ ગઇ હતી. ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહમદ અને તેના ભાઇ અશરફને આજે રાત્રે અહીંની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ જવાતા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓ મારીને તેમની હત્યા કરી હતી.

ગોળીબારનો આ બનાવ કેમેરામાં પણ ઝડપાઇ ગયો હતો કારણ કે આ બંનેને પોલીસ દ્વારા મેડિકલ ચેક-અપ માટે હોસ્પિટલમાં લઇ જવાતા હતા ત્યારે મીડિયા વાળાઓ તેમની સાથે જ હતા અને કવરેજ કરી રહ્યા હતા. ઓછામાં ઓછા બે શખ્સો અતીક પર અને તેના ભાઇ પર તદ્દન નજીકથી ગોળીબાર કરી રહેલા દેખાયા હતા અને બંને ભાઇઓ જમીન પર ઢળી પડ્યા હતા, જ્યારે પોલીસે હુમલાખોરોને પકડી લીધા હતા.

બંને હુમલાખોરો પત્રકાર હોવાનો ડોળ કરીને સ્થળ પર આવ્યા હતા અને તદ્દન નજીકથી બંને ભાઇઓને ગોળીઓ મારી દીધી હતી. આ ઘટનામાં એક પોલીસ હવાલદારને પણ ઇજા થઇ છે અને તેનું નામ માન સિંહ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું હતું કે રાજ્યમાં અપરાધ તેની ટોચ પર પહોંચી ગયો છે. જયારે પોલીસ ઘેરા વચ્ચેના માણસોને ગોળી મારી દેવાય છે તો સામાન્ય પ્રજાની શું હાલત હશે? એમ તેમણે કહ્યું હતું.

આ બનાવ રાત્રે દસ વાગ્યાના સુમારે બન્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ હત્યાઓ અંગે ત્રણ જણાની ધરપકડ થઇ છે. હાલમાં આ અંગે કશું પણ કહેવું ઘણું વહેલું ગણાશે, અમે હજી ધરપકડ કરાયેલાઓની પૂછપરછ પણ કરી નથી એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. અતીક અને અશરફના ગોળીઓથી વિંધાયેલા મૃતદેહો સ્થળ પરથી લઇ જવામાં આવ્યા હતા જ્યારે આ સંવેદનશીલ હત્યાઓ પછી ત્યાં તનાવ વ્યાપી ગયો હતો. તેમને બંનેને અહીં ૨૦૦૫ના ઉમેશ પાલ હત્યા કેસમાં અદાલતી સુનાવણી માટે લાવવામાં આવ્યા હતા. અતીકના પુત્ર અસદ અને તેના ગુલામ નામના એક સાથીદારનું મોત બે દિવસ પહેલા જ ઝાંસીમાં એક પોલીસ એન્કાઉન્ટરમાં થયું હતું. બંનેની દફનવિધિ આજે જ પ્રયાગરાજમાં કરવામાં આવી હતી.

Most Popular

To Top