નેપાળમાં આવેલા વિનાશક પૂરને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં સ્થિતિ હજુ પણ સામાન્ય બની શકી નથી. દેશના અનેક વિસ્તારોમાં પૂરે ભારે તબાહી મચાવી છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 788 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2,500થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. હજારો પરિવારો પોતાના સ્વજનોની શોધમાં ભટકી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી, કાદવ અને ભારે મલબાના કારણે બચાવ ટીમોને અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
પૂરની વિનાશક અસર બાદ મોટી સંખ્યામાં મૃતદેહો પણ મળી આવ્યા છે, પરંતુ તેમાંના ઘણા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. જેના કારણે સત્તાવાળાઓ સામે એક નવી અને અત્યંત ગંભીર માનવીય સમસ્યા ઊભી થઈ છે. અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે જરૂરી પુરાવા અને વિગતો સુરક્ષિત રાખવામાં આવી રહી છે અને નિયમિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, લાપતા લોકોના પરિવારજનો હજુ પણ આશા સાથે પોતાના સ્વજનોની શોધમાં રાહત અને બચાવ કેન્દ્રોનો સંપર્ક કરી રહ્યા છે.
રવિવારે પણ નેપાળના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી. અત્યાર સુધીમાં 9,435થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જોકે, કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ફરી વધતાં બચાવ અભિયાન વધુ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ભોટેકોશી નદીના જળસ્તરમાં વધારો થતાં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.મધ્ય નેપાળમાં પણ પૂરે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્રિશૂલી નદીમાં પાણી ફરી ઉફાન પર આવતાં તેજ પ્રવાહના કારણે ઘ્યાલચોક-ચારૌદી પુલ ધોવાઈ ગયો હતો. અંદાજે 130 મીટર લાંબો આ પુલ ગોરખા જિલ્લાના ઘ્યાલચોક વિસ્તારને પૃથ્વી હાઇવે સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ હતો. પુલ તૂટી જતાં આસપાસના લગભગ 400 પરિવારોનો મુખ્ય સંપર્ક માર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે સ્થાનિક લોકોની રોજિંદી અવરજવર ઉપરાંત રાહત સામગ્રી પહોંચાડવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે.
આ પુલ માત્ર લોકોની અવરજવર માટે જ મહત્વપૂર્ણ નહોતો, પરંતુ સ્થાનિક ખેડૂતો માટે પણ જીવનરેખા સમાન હતો. આસપાસના વિસ્તારોના ખેડૂતો આ માર્ગનો ઉપયોગ કરીને દૂધ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો ચારૌદીની કૃષિ સહકારી સંસ્થા સુધી પહોંચાડતા હતા. હવે પુલ તૂટી જતાં તેમની ઉપજ બજાર સુધી પહોંચાડવી મુશ્કેલ બની શકે છે. અગાઉ 26 ઓગસ્ટના પૂરમાં ધવાદીઘાટનો પુલ પણ ધોવાઈ ગયો હતો. સ્થાનિક લોકો જે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રહ્યા હતા, તે પણ હવે બંધ થઈ જતાં અનેક ગામો માટે સંપર્ક વ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
નેપાળના રસુવા જિલ્લામાં પૂરની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. અહીં નદીઓ ગાદ અને કાદવથી ભરાઈ ગઈ છે અને અનેક મજબૂત મકાનો પણ તૂટી પડ્યા છે. ચીનની સરહદ તરફ જતો મહત્વપૂર્ણ માર્ગ તૂટી જવાથી રાહત કામગીરી અને વેપાર બંનેને મોટો ફટકો પડ્યો હતો. જોકે, માર્ગને ફરી કાર્યરત બનાવવા માટેની કામગીરી હેઠળ લગભગ 150 મીટરનો રસ્તો ટ્રાફિક માટે શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના ભાગને સુધારવાની કામગીરી હજુ પણ ચાલુ છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં સૌથી પડકારજનક બચાવ કામગીરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ચાલી રહી છે. રસુવાના અપર ત્રિશૂલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નેપાળી સેનાની સાથે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે.
ભારતીય નિષ્ણાતોની મદદથી બે દિવસ દરમિયાન લગભગ 250 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. બચાવ ટીમો સુરંગની અંદર લગભગ ત્રણ કિલોમીટર સુધી જઈને ફસાયેલા લોકોની શોધ કરી રહી છે.
ચિલિમે અને લાંગટાંગ સહિતના વિસ્તારોમાં પણ નેપાળી સેના સાથે સંયુક્ત બચાવ અભિયાન ચાલુ છે. બીજી તરફ, નુવાકોટના અપર ત્રિશૂલી-3 એ પ્રોજેક્ટની સુરંગમાં પણ જીવન બચાવવાની જંગ ચાલી રહી છે. સુરંગમાં પહોંચવાનો માર્ગ બંધ હોવાથી સેનાના ઇજનેરો નિયંત્રિત બ્લાસ્ટિંગ દ્વારા અવરોધો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘટનાસ્થળે સેનાના જવાનો, સશસ્ત્ર પોલીસના સ્નિફર ડોગ્સ અને નેપાળ પોલીસના નિષ્ણાતો સહિત લગભગ 90 લોકોની ટીમ તૈનાત કરવામાં આવી છે.
સુરંગની અંદર શરૂઆતમાં લગભગ બે બાય ત્રણ ફૂટનો નાનો માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ અવાજ કે હલચલ મળી નહોતી. ત્યારબાદ ભારે મશીનોની મદદથી માર્ગને વધુ પહોળો કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, જેથી બચાવ ટીમ ઝડપથી સુરંગની અંદર પ્રવેશ કરી શકે અને ફસાયેલા લોકો સુધી પહોંચી શકે. બચાવકર્મીઓ દિવસ-રાત અનેક મોરચાઓ પર કામ કરી રહ્યા છે, પરંતુ સતત બદલાતી પરિસ્થિતિ તેમના માટે સૌથી મોટો પડકાર બની રહી છે.
નેપાળના વડાપ્રધાનના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 394 હવાઈ ઉડાનો દ્વારા 9,435 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે, જેમાં રવિવારની 72 ઉડાનોનો પણ સમાવેશ થાય છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટવાળા વિસ્તારોમાંથી સેના દ્વારા હેલિકોપ્ટરની મદદથી 279 લોકોને બચાવવામાં આવ્યા છે. જમીન પર નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર દળોના કુલ 20,618 જવાનો બચાવ અભિયાનમાં સતત કાર્યરત છે.
પૂરગ્રસ્ત લોકો માટે રસુવા અને નુવાકોટમાં કુલ 26 અસ્થાયી રાહત કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં હજારો લોકોને રહેવાની વ્યવસ્થા અને જરૂરી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. રવિવારે લગભગ 3,454 લોકોને આશ્રય અને રાહત સહાય આપવામાં આવી હતી. પૂરમાં ઈજાગ્રસ્ત થયેલા 267 લોકોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી 156 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી ટીમો પણ મોકલવામાં આવી છે, જેથી લોકોને શારીરિક સારવાર ઉપરાંત માનસિક સહાય પણ મળી શકે.ભારત તરફથી પણ નેપાળને સતત માનવીય સહાય મોકલવામાં આવી રહી છે. ભારતે રાહત સામગ્રીની ચોથી ખેપ મોકલી છે અને ભારતીય વાયુસેનાનું C-130 વિમાન લગભગ 11 ટન રાહત સામગ્રી લઈને નેપાળ પહોંચ્યું હતું. આ સામગ્રીમાં સુરંગ બચાવ માટેના સાધનો, ટેકનિકલ ઉપકરણો અને ડીએનએ તપાસ માટે જરૂરી સામગ્રીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા કુલ 68.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ રાહત સામગ્રીમાં દવાઓ, પોર્ટેબલ જનરેટર, ખાદ્ય પેકેટ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ, ધાબળા, સ્લીપિંગ બેગ, તાડપત્રી અને હાઇજીન કિટ જેવી જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. પૂરના કારણે તૂટી ગયેલા સંપર્ક માર્ગોને ફરી જોડવા માટે સ્ટીલ અને બેલી બ્રિજ માટેની સામગ્રી પણ મોકલવામાં આવી રહી છે.પૂરના કારણે નેપાળની સંચાર વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. નેપાળ ટેલિકોમ અને એનસેલના અનેક મોબાઇલ ટાવરોને નુકસાન પહોંચ્યું હતું. હાલમાં નેપાળ ટેલિકોમના 106 અને એનસેલના 75 ટાવરો ફરી શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં મોબાઇલ નેટવર્ક હજુ કાર્યરત નથી, ત્યાં બચાવ ટીમો વચ્ચે સંપર્ક જળવાઈ રહે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં 20 સેટેલાઇટ ફોન મોકલવામાં આવ્યા છે.
હાલ નેપાળ સામે સૌથી મોટો પડકાર હજારો લાપતા લોકો સુધી પહોંચવાનો છે. ક્યાંક ભારે મલબો માર્ગો બંધ કરી રહ્યો છે, ક્યાંક સુરંગોમાં પ્રવેશ શક્ય નથી અને ક્યાંક નદીઓનું ફરી વધતું પાણી બચાવ કામગીરીમાં અવરોધ બની રહ્યું છે. મૃત્યુ આંક 788 સુધી પહોંચ્યા બાદ અને 2,500થી વધુ લોકો હજુ લાપતા હોવાના કારણે સમગ્ર દેશ માટે આ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. રાહત અને બચાવ દળો સતત પ્રયાસ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય અને વિનાશક પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારો સુધી ઝડપથી મદદ પહોંચાડી શકાય.