Sports

13 સદી, 80ની એવરેજ છતાં આ ખેલાડીને ઈન્ડિયન ટીમમાં સ્થાન ન મળ્યું, પસંદગીકારો શું કરવા માંગે છે?

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે અને ટેસ્ટ શ્રેણી માટે શુક્રવારે (23 જૂન) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેવાની છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. ટી20 સિરીઝ માટેની ટીમની જાહેરાત હવે પછી કરવામાં આવશે.

અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા સિવાય મોટાભાગના સિનિયર ખેલાડીઓનો ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા નવા ખેલાડીઓને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈના એક સ્ટાર બેટ્સમેનને પસંદગીકારોએ સાવ અવગણી કાઢ્યો છે.

અહીં વાત મુંબઈના વિકેટ કીપર બેટ્સમેન સરફરાઝ ખાનની થઈ રહી છે. 25 વર્ષીય સરફરાઝ ખાન ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. રણજીની પાછલી સિઝનમાં સરફરાઝે ઘણા રન બનાવ્યા હતા. તેમ છતાં તેની ટેસ્ટ ટીમમાં પસંદગી નહીં થવી એ આશ્ચર્ય છે. આ સાથે જ પસંદગીકારોના વલણ પણ શંકાસ્પદ હોવાની અનુભતિ કરાવે છે.

જો ઋતુરાજ ગાયકવાડને ODI અને T20 પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે તો સરફરાઝ ખાનને પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના પ્રદર્શનના આધારે તક મળવી જોઈએ. કારણ કે ઋતુરાજની ફર્સ્ટ ક્લાસ એવરેજ 42 ની આસપાસ છે અને તેની સરખામણીમાં સરફરાઝ બમણી એવરેજ ધરાવે છે. વળી, ઋતુરાજ ગાયકવાડ સરફરાઝ જેટલી મેચો પણ રમ્યો નથી.

સરફરાઝ ખાનના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તે અત્યાર સુધી 37 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3505 રન બનાવી ચૂક્યો છે, જેમાં 13 સદી અને 9 અડધી સદી સામેલ છે. સરફરાઝ ખાનનો ટોપ સ્કોર 301 અણનમ છે અને એવરેજ 80 (79.65)ની આસપાસ છે.

આશ્ચર્યજનક વાત એ છે કે સરફરાઝની છેલ્લી ત્રણ રણજી ટ્રોફી સિઝનમાં 100થી વધુની સરેરાશ છે. આવી સ્થિતિમાં તેની ટેસ્ટ ટીમમાં પસંદગી ન થવાથી ચાહકો દુ:ખી છે. તમને જણાવી દઈએ કે સરફરાઝ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ માટે મિડલ ઓર્ડરમાં રમે છે અને ટીમ ઈન્ડિયા માટે તે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ફિટનેસના લીધે સરફરાઝને ટીમમાં સ્થાન ન મળતું હોવાની દલીલ
સરફરાઝ ખાનને પસંદ ન કરવા માટે એવી દલીલ કરવામાં આવે છે કે તેની ફિટનેસ બરાબર નથી અને તે ખૂબ જ જાડો છે. જો આ કારણ છે તો તેના પરફોર્મન્સ પર કોઈ અસર પડે તેમ નથી લાગતું. મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ કહ્યું છે કે જો તમને (સિલેક્ટર્સ) સ્લિમ દેખાતો છોકરો જોઈતો હોય તો તમારે કોઈ મોડલ શોધવો જોઈએ. કારણ કે સરફરાઝ ખાન શરીરનું વધુ વજન હોવા છતાં સતત રન બનાવી રહ્યો છે.

સિલેક્શન ન થયા બાદ સરફરાઝે મુકી પોસ્ટ
વેસ્ટ ઈન્ડિઝ માટેની ટીમ સિલેક્શનના સમાચાર આવ્યા અને તેમાં સરફરાઝની પસંદગી ન કરવામાં આવી હોવાની જાહેરાત થયા બાદ આ યુવા ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. સરફરાઝે શેર કરેલી પોસ્ટમાં, તેણે નેટ પ્રેક્ટિસની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું ‘વન લવ’, આ પોસ્ટની સાથે ફિલ્મ લક્ષ્યનું ટાઈટલ ટ્રેક પણ બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે. આમ કરીને સરફરાઝે ફરી એકવાર કહેવાની કોશિશ કરી છે કે તે હાર નહીં માને અને મહેનત કરતો રહેશે.

Most Popular

To Top