World

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરે, સ્વીસ ગ્રૂપના આંકડા મુજબ ભારતના આ શહેરો સૌથી પ્રદૂષિત

નવી દિલ્હી: (New Delhi) દેશની રાજધાની દિલ્હી વિશ્વમાં સૌથી પ્રદૂષિત (Pollution) શહેરોમાં પ્રથમ સ્થાને છે. ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે સ્વિસ ગ્રૂપના (Swiss Group) આ આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. સ્વિસ ગ્રૂપ IQ Airના રિયલ-ટાઇમ ડેટા અનુસાર વિશ્વના પાંચ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ત્રણ શહેરો ભારતના છે. જેમાં દિલ્હી ટોચ પર છે જ્યારે કોલકાતા ત્રીજા અને મુંબઈ પાંચમા ક્રમે છે.

દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં ભારે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહી છે અને ગેસ ચેમ્બર બની ગઈ છે. સ્વિસ ગ્રૂપ IQ Air એ એક ડેટા જાહેર કર્યો છે જે મુજબ દિલ્હીની સાથે કોલકાતા અને મુંબઈ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. નવી દિલ્હી આ યાદીમાં ટોચ પર છે અને અહીંનો AQI સવારે 7.30 વાગ્યે 483 નોંધાયો હતો. આ પછી પાકિસ્તાનનું લાહોર શહેર છે જ્યાં સવારે AQI 371 નોંધાયું હતું. IQ Airના રવિવારે 5 નવેમ્બર સવારે 8 વાગ્યાના ડેટા અનુસાર દિલ્હીની વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 492 નોંધાયો હતો. કોલકાતામાં AQI 204 અને મુંબઈમાં AQI 168 હતો. આઈક્યુ એર ડેટા અનુસાર બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં AQI 189 હતો અને પાકિસ્તાનના કરાચીમાં 162 નોંધાયો હતો.

કયા શહેરમાં કેટલો AQI નોંધાયો
રવિવારે સવારે ચીનના શેનયાંગ શહેરમાં AQI 159, હાંગઝોઉમાં 159, કુવૈતમાં 155 અને વુહાનમાં 152 હતો. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એટલા ખતરનાક સ્તરે પહોંચી ગયું છે કે સ્થાનિક લોકોને આંખોમાં બળતરા અને ગળાની સમસ્યા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ને પાર કરી ગયો. તમને જણાવી દઈએ કે AQI 0-50 વચ્ચે સારો માનવામાં આવે છે. જ્યારે 400-500 વચ્ચેનો AQI સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જે લોકો પહેલાથી જ ગંભીર બીમારીથી પીડિત છે તેમના માટે આટલું પ્રદૂષણ જીવલેણ સાબિત થઈ શકે છે.

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીરતાને જોતા સરકાર પણ સક્રિય બની છે અને કંપનીઓને ઉત્પાદન બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામ બાંધકામનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સ્વતંત્રતા આપી છે. સોમવારે દિલ્હીમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈને પણ આશંકા ઉભી થઈ છે. વર્લ્ડ કપની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જોકે પ્રદૂષણને કારણે અહીં મેચ રદ થઈ શકે છે.

Most Popular

To Top