SURAT

યુરો સ્કુલમાં સાયન્સ ફેસ્ટ દરમિયાન ધોરણ 3ના વિદ્યાર્થીએ રોકેટ સળગાવતા બંને હાથ દાઝી ગયા

સુરત: (Surat) સીમાડા કેનાલ રોડ પર આવેલ યુરો સ્કુલમાં (Euro School) સાયન્સ ફેસ્ટ (Science Fest) દરમિયાન શનિવારે સવારે ગંભીર બનાવ બન્યો હતો. ફેસ્ટ દરમિયાન રોકેટ સળગાવતી વખતે ધડાકો થયો હતો. તેમાં ધોરણ 3 ના વિદ્યાર્થીના બંને હાથ દાઝી ગયા હતા. જો કે તરત જ વિદ્યાર્થીને (Student) સારવાર માટે હોસ્પિટલમાં (Hsopital) દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સ્કુલ તરફથી તેમને તાત્કાલિક જાણ કરવામાં આવી ન હતી અને વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર પણ આપી નહતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરામાં આસપાસ પાસે ખોડિયાનગરમાં શરદ ભામરે પરિવાર સાથે રહે છે. શરદ ભામરેનો દીકરો નિરવ ( 10 વર્ષ) સીમાડા કેનાલ રોડ પર આવેલ યુરો સ્કુલમાં ધોરણ 3 માં અભ્યાસ કરે છે. શનિવારે સ્કુલમાં સાયન્ય ફેસ્ટ કાર્યક્રમ હતો. સવારે રાબેતા મુજબ નિરવ સ્કુલે પહોંચ્યો હતો. સવારે 8.55 મિનિટે સ્કુલમાંથી નિરવના પિતા શરદને સ્કુલમાંથી ફોન કરીને કહેવામાં આવ્યું કે નિરવને હાથમાં વાગ્યું છે તમે આવીને લઈ જાવો. શરદ ભામરે તાત્કાલિક સ્કુલે જવા નિકળ્યા હતા.

સ્કુલમાં જોયું તો તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. નિરવ બંને હાથે દાઝેલો હતો. ત્યાર બાદ શરદ નિરવને સારવાર માટે પરવત પાટિયાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. શરદે જણાવ્યું કે સ્કુલમાં બનાવ 8.38 વાગે બન્યો હતો અને મને ફોન 8.55 મિનિટે કર્યો હતો. મને સ્કુલે પહોંચતા અડધો કલાકથી વધુ થયો હતો. ત્યાર સુધી સ્કુલે નિરવને સારવાર માટે હોસ્પિટલ લઈ જવું જરૂરી સમજ્યું ન હતું. બનાવ બન્યાના બે થી અઢી કલાક બાદ નિરવને સારવાર મળી છે. બનાવ બાબતે શરદ ભામરે કહ્યું કે સ્કુલમાં સાયન્સ ફેસ્ટ દરમિયાન નિરવને રોકેટ સળગાવવાનું હતું ત્યારે ધડાકો થયો અને નિરવના બંને હાથ દાઝી ગયા હતા.

આ બાબતે સ્કુલના પ્રિન્સિપલ રીતુબેન હુરિયાએ જણાવ્યું હતું કે સાયન્સ ફેસ્ટ દરમિયાન નિરવ દાઝ્યો હતો. જો કે તેને વધારે નથી દાઝેલું અને અમે હોસ્પિટલમાં લઈ જવાના હતા પરંતુ નિરવના પિતાએ કહ્યું કે અમે આવીએ ત્યાર સુધી થોભજો. શરદ ભામરેએ જણાવ્યું કે આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Most Popular

To Top