દહેજ ઇન્ડસ્ટ્રીઝની 12 કંપનીનો લોકોએ પાણી પૂરવઠો અટકાવ્યો

ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં એકપણ જમીનવિહોણાઓને રોજગારી આપી શકાઈ નથી. જીઆઈડીસીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારના ભારે નાદ સાથે 59 જમીનવિહોણા ખેડૂતોએ સામૂહિક ધોરણે ઔદ્યોગિક તળાવ પર જઈ દહેજ ઇન્ડસ્ટ્રીઝની લગભગ બાર કંપનીમાં જતા પાણી બંધ કરતાં ભારે સળવળાટ ઊભો થયો હતો. જમીનવિહોણા ખેડૂતની રોજગારીનો પ્રશ્ન હલ નહીં થાય તો જાન આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવતાં જીઆઈડીસીના પ્રબંધક મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ઔદ્યોગિક વિકાસના હેતુ માટે વાગરાના રહિયાદ ગામે વર્ષ 2008માં તેમની સંપૂર્ણ ખેતીલાયક જમીન જીઆઈડીસીને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી. તે સમયે જીઆઈડીસીના અધિકૃત અધિકારો દ્વારા ટૂંક સમયમાં જમીનવિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવાનું તેમજ ગામનો વિકાસ કરવાનું લેખિત વચનપત્ર વર્ષ-2008માં આપવામાં આવ્યું હતું.

રહિયાદ ગામના જીઆઈડીસી તળાવમાંથી વર્ષોથી રિલાયન્સ, ઓપેલ અને જીએનએફસી સહિત લગભગ બાર કંપનીને પ્રોસેસ વોટર આપવામાં આવતું હતું. 41 મહિના થવા છતાં જીઆઈડીસીના અધિકારીઓ ખેડૂતોને હજુ પણ ગેરમાર્ગે દોરીને અલગ અલગ જવાબ આપવામાં આવતા હતા. જમીનવિહોણા ખેડૂતોને હજુ રોજગારી ન મળતાં હક્ક માટે પત્ર વ્યવહાર તેમજ આઠ વખત જનઆંદોલન કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. રહિયાદ ચોકડી પર જમીનવિહોણા ખેડૂતોના પ્રશ્ન માટે એક વર્ષ પહેલાં અહિંસક લડતનું મંડાણ કર્યું હતું. આ બાબતે કોઈ પરિણામ ન મળતાં જમીનવિહોણા ખેડૂતોમાં આક્રોશ ઊભો થયો હતો. જીઆઈડીસી ઔદ્યોગિક તળાવ ખાતે રોજગારીના હક્ક માટે જમીનવિહોણા ખેડૂતોએ જાતે જઈને ગેટ બંધ કરી દહેજની કંપનીમાં જતાં પાણીના પંપ બંધ કરીને ધામા નાંખતાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. જમીનવિહોણા ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ‘લડત અમારા હક્ક માટેની છે. જ્યારે જમીન જોઈતી હતી ત્યારે રોજગારીના સુવર્ણ સપનાં દેખાડ્યાં હતાં. જમીનનું કામ પૂરું થતાં જીઆઈડીસીના અધિકારીઓને કંઈ પડી નથી. આ પ્રશ્ન હલ નહીં થાય તો અમારા અધિકાર માટે જાન આપતા ખચકાઈશું નહીં.’ એવી ચીમકી જમીનવિહોણા કુટુંબકબીલાઓએ ઉચ્ચારી હતી.

Related Posts