Gujarat Main

રસીકરણ અભિયાનની જાહેરાતો પ્રસિદ્ધ કરનાર ભાજપ સરકારના અણઘડ આયોજનનો ભોગ નાગરિકો બની રહ્યાં છે

ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે અઠવાડિયામાં બે દિવસ વેક્સિન સેન્ટરો બંધ કરવા પડ્યાં છે. બીજી બાજુ રસીકરણ અભિયાનની મોટા પાયે જાહેરાતો પ્રસિદ્ધ કરનાર ભાજપ સરકારના અણઘડ આયોજનનો ભોગ નાગરિકો બની રહ્યાં છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં ગુજરાતની જનતાને બચાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. બીજી તરફ વેક્સિનેશન કાર્યક્રમમાં પણ રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. ગુજરાતમાં સરેરાશ 2 થી 2.25 લાખ ડોઝની સરકાર વ્યવસ્થા કરી રહી છે. વેક્સિનના અભાવે સરકારે અઠવાડિયામાં બુધવાર અને રવિવાર વેક્સિન કાર્યક્રમ બંધ કરી દીધો છે.

અમદાવાદમાં 400 રસીકરણ કેન્દ્રમાંથી 200થી 225 કેન્દ્રો પર મર્યાદિત રસીકરણ ચાલી રહ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 5500 રસી કેન્દ્રની જાહેરાત સામે માત્ર 2200 થી 2500 કેન્દ્રો એટલે કે 5૦ ટકા કેન્દ્રો પર જ વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે, રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી છે. ગુજરાતમાં વિવિધ મહાનગરપાલિકા, નગરપાલિકા અને રાજ્ય સરકારે 20 કરોડ રૂપિયા થી વધુ સ્વપ્રસિધ્ધી જાહેરાતો – હોર્ડિગ્સમાં ભાજપ સરકારે પ્રજાના નાણાં ખર્ચી વેડફી નાખ્યા છે.

ગુજરાતમાં મહાનગરો – નગરપાલિકા વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમ ઓછા-વેક્સિનના જથ્થાને કારણે ધીમો પડ્યો છે. ગુજરાતમાં 4.5 કરોડ નાગરિકોને રસીકરણ માટે 9 કરોડ ડોઝની જરૂરિયાત છે, જે સામે રોજ માત્ર 2 લાખ ડોઝ એટલે કે ઓછામાં ઓછા 10 મહિના રસીકરણ પૂર્ણ કરવાનો સમય થશે. 2 કરોડ 53 લાખ 93 હજાર 866 વેક્સીનેશન ડોઝ, દર દસ લાખે 3 લાખ 97 હજાર 572 એટલે કે 39 ટકા જ વેક્સિનેશન થઇ રહ્યું છે.

Most Popular

To Top