Gujarat

સાળંગપુરમાં વિવાદીત ભીંતચિત્ર પર સનાતની ભક્તે કુહાડી મારી, કાળો રંગ ચોપડ્યો

બોટાદ: સાળંગપુરમાં (SarangPur) સ્વામીનારાયણ (SwamiNarayan) સંપ્રદાય દ્વારા લગાવાયેલા હનુમાનજીના (Hanumanji) વિવાદીત ભીંતચિત્ર (Controversial mural) મામલે આજે માહોલ હિંસક બન્યો છે. એક સનાતની ભક્તે આજે ભીંતચિત્ર પર કુહાડી મારી (Attack) હતી. કાળો રંગ ચોપડ્યો હતો અને ભીંતચિત્ર તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ હુમલાખોરને ઝડપી લીધો છે.

સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના (KingOfSarangpur) ફાઉન્ડેશનની ખાલી જગ્યામાં બનાવાયેલા વિવાદાસ્પદ ભીંતચિત્રોને પગલે ત્રણ દિવસથી સાધુ સંતો નારાજ થયા છે, ત્યારે આજે એક સનાતની ભક્તે પ્રતિમા નીચે બનાવાયેલા ભીંતચિત્રોને નુકસાન પહોંચાડવાની કોશિષ કરી હતી.

ભક્તે કુહાડીથી ભીંતચિત્રો તોડવા પ્રયાસ કર્યો હતો. તે ઉપરાંત ભીંતચિત્રો પર કાળા રંગથી પોતું ફેરવ્યું હતું. બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યા હતા. આ ઈસમને પોલીસે ઝડપી લીધો છે. તે ઈસમની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામના હર્ષદ ગઢવી તરીકે થઈ છે.

સનાતની ભક્ત દ્વારા ભીંતચિત્રોને તોડવાના કરાયેલા પ્રયાસ બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને કોર્ડન કરી લેવામાં આવી છે. ભીંતચિત્રો પર જ્યાં કાળો રંગ લગાવાયો હતો તેને સાફ કરવાના પ્રયાસો મંદિરના સેવકો દ્વારા શરૂ કરાયા છે. મંદિરમાં બાઉન્સર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનાને પગલે ડીવાયએસપીએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે.

બોટાદના એસપી કિશોર બળોલિયાએ કહ્યું કે હર્ષદ ગઢવી નામના ઈસમે ભીંતચિત્રોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. મંદિરમાં બંદોબસ્ત પહેલેથી ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ તે ઈસમ ગાર્ડનમાંથી છુપાઈને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચ્યો હતો. તેને ઝડપી લેવાયો છે. હાલ તપાસ ચાલી રહી છે. હાલ પ્રતિમા પાસે બંદોબસ્ત વધારી દેવાયો છે. 75 પોલીસ કર્મીને તૈનાત કરાયા છે.

નોંધનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ તરીકે હનુમાનજીને ભીંતચિત્રોમાં દર્શાવવામાં આવ્યા હોવાના લીધે છેલ્લાં બે દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સનાતન ધર્મના સાધુ સંતો સ્વામીનારાયણ સંપ્રદાયથી નારાજ થયા છે.

Most Popular

To Top