SURAT

સિવિલના ઓટોકલેવ વિભાગમાં 7 મિનિટ લટાર મારી મોબાઇલ ચોરી કરી ભાગતો ઈસમ CCTV માં કેદ

સુરત: સુરતની સિવિલ હોસ્પિટલમાં (SuratCivilHospital) દર્દીઓ અને સગાઓ સુરક્ષિત પણ તેમની કિંમતી વસ્તુ અસુરક્ષિત હોવા પાછળ સિવિલના વહીવટી વિભાગના વડાનો મનસ્વી નિર્ણય જવાબદાર હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સિવિલના ઓટોકલેવ વિભાગમાં કર્મચારીનો મોબાઇલ ચોરી કરનાર અજાણ્યો ઈસમ CCTV કેમેરામાં કેદ થયા બાદ પણ એની ઓળખ છુપાવવાનો વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ મોબાઇલ ચોરી ના CCTV ફૂટેજ ફરિયાદી ને પણ ન અપાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઇન્ચાર્જ RMO ડો. લક્ષમણ એ કહ્યું હતું કે સુપરિટેન્ડન્ટ સાહેબ ના પાડી રહ્યા છે પણ ન આપવા પાછળનું કારણ કહ્યું નથી.

આ મામલે પીડિત અનંત કોકણી એ જણાવ્યું હતું કે 17 હજારની કિંમતનો મોબાઇલ હતો. બસ ઓશિકા નીચે મૂકી કામ પર ધ્યાન આપતા ગણતરીની મિનિટોમાં ચોરાઈ ગયો હતો. CCTV માં મોબાઇલ ચોર સ્પષ્ટ દેખાય છે પણ સિક્યુરિટી CCTV ફૂટેજ માટે ફરિયાદની કોપી માગી રહી છે.

દર્દીના સગાઓ એ કહ્યું કે અહીંયા જીવનો કોઈ ખતરો નથી પણ મોબાઇલ અને રોકડ સુરક્ષિત નથી. મોબાઇલ ચોરોના સોફ્ટ ટાર્ગેટ દર્દીના સગા જ નહીં પણ તબીબ વિદ્યાર્થીઓ અને નર્સ પણ નિશાના પર હોવાનું જાણવા મળ્યું છે.

અનંત કોકણી (પીડિત) એ કહ્યું હતું કે 5 વર્ષથી સિવિલના ઓટો કલેવ વિભાગ એટલે (CSSD)સેન્ટ્રલ સ્ટરાઈલ સપ્લાય ડિપાર્ટમેન્ટ માં કામ કરી રહ્યો છું, રક્ષા બંધનની રાત્રે નાઈટ પાળીમાં હતો. લગભગ મધરાત્રી સુધી કામ રહ્યું હતું. બસ ત્યારબાદ મોબાઇલ ચાર્જિંગમાં મૂકી આંખ બંધ કર્યા ના 30 મિનિટમાં જ મોબાઇલ ગાયબ થઈ ગયો હતો.

સાથી મિત્ર ને બોલાવી તપાસ કરતા મોબાઇલ ચોરાઈ ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. બીજા દિવસે CCTV માં સમય સાથે ચેક કરતા એક અજાણ્યો ઈસમ 7 મિનિટ સુધી ઓટોકલેવ વિભાગમાં લટાર મારતા અને મોબાઇલ ખિસ્સામાં નાખી ને બહાર નીકળી પહેલા માળે જતા સ્પષ્ટ દેખાય છે. જોકે આ CCTV ફૂટેજ સિક્યુરિટી એ આપ્યા ન હતા. ફરિયાદ ની કોપી આપો ક્યાં પોલીસ ને સાથે લઈ ને આવી ત્યારબાદ સુપરિટેન્ડન્ટ સાહેબ પરવાનગી આપશે પછી CCTV ફૂટેજ આપીશું એમ જણાવ્યું હતું.

નામ ન લખવાની શરતે એક કર્મચારીએ જણાવ્યું હતું કે દર્દીઓ કે સગાઓની કિંમતી વસ્તુઓ ચોરાઈ જવું રોજની વાત થઈ ગઈ છે. વળી મોબાઇલ, રોકડ, પર્સ ચોરીના કિસ્સામાં વ્યસ્ત પોલીસ CCTV લેવા જાતે આવતી નથી. ત્યારે સીસીટીવી ફૂટેજ ફરિયાદી ને આપી આવા ચોરો ને ઉઘાડા પાડી શકાય પરંતુ સિવિલનુંં તંત્ર મદદ કરતું નથી. દરેક ગુનેગાર ને પકડવા અને એની ઓળખ મેળવવા પોલીસ દરેક જગ્યા પર પહોંચે એ આટલી મોટી વસ્તીમાં કેવી રીતે શક્ય છે એટલે સુપરિટેન્ડન્ટ ના આવા મનસ્વી વલણ સામે દર્દીઓ અને હોસ્પિટલ નો સ્ટાફ નારાજ છે એમ કહી શકાય છે.

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 600 CCTV લગાડવામાં આવ્યા છે. જેનું કંટ્રોલ રૂમ સિક્યુરિટી કેબિનમાં જ બનાવવામાં આવ્યું છે. દરેક ઘટના CCTV માં કેદ થાય છે. આવા ચોરોને ઉઘાડા પાડવા એ હોસ્પિટલની જવાબદારી છે અહીંયા દર્દી અને એમના સગા સારવાર કરાવવા આવતા હોય છે પોતાની કિંમતી વસ્તુઓ ચોરો ને આપવામાં માટે નહીં, હોસ્પિટલ નો સ્ટાફ પર આવા ચોરોના નિશાના પર છે અને લાખોની કિંમતના મોબાઇલ ગુમાવ્યા છે આજદિન સુધીમાં કોઈ મોબાઇલ ચોર પકડાયો નથી,

Most Popular

To Top