Gujarat

ઉકાઇ જળાશય યોજનાના 16 હજાર અસરગ્રસ્તોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર : રાજ્ય સરકારે ઉકાઇ જળાશય યોજનાના ૧૬ હજાર અસરગ્રસ્તોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર ઉકાઈ જળાશય યોજનાના ૧૬,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને જિલ્લા, તાલુકામાં અંદાજે ૫૦ વર્ષ પહેલાં નવી શરતે ફાળવાયેલી કુલ ૧૮,૨૩૨ એકર જમીન જૂની શરતમાં ફેરવાશે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે લીધેલા નિર્ણય અનુસાર, ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં ૫૦ વર્ષ પહેલાં અસરગ્રસ્તોને નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ કિસ્સામાં કોઇ પણ પ્રિમિયમ વસુલ કર્યા વગર જૂની શરતમાં ફેરવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • ૧૬,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને ફાળવાયેલી કુલ ૧૮,૨૩૨ એકર જમીન જૂની શરતમાં ફેરવાશે
  • હવે જમીન, મકાન, પ્લોટ ઉપર ધિરાણ મેળવી શકાશે ને ખરીદ વેચાણ કરી શકાશે

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઉકાઈ જળાશયમાં ડૂબમાં ગયેલ તાપી જિલ્લાના અસરગ્રસ્તોને તા. ૩૦/૦૭/૭૨ના રોજ રહેણાક તથા કોઢારાના હેતુ માટે બિનતબદીલ અને અવિભાજ્ય સત્તા પ્રકારથી આ જમીન ફાળવવામાં આવી હતી. આના પરિણામે અસરગ્રસ્તો બેન્ક તરફથી લોન, બોજો કે ખરીદ વેચાણના દસ્તાવેજ કરી શકતા ન હતા.
મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણય અનુસાર, હવે આવા ઉકાઈ જળાશયના અસરગ્રસ્તો પોતાની ડૂબમાં ગયેલી જમીનના બદલામાં તેમને ફાળવાયેલી જમીન ખાસ કિસ્સામાં કોઈ પણ પ્રિમિયમ વસૂલ કર્યા વિના જૂની શરતમાં તબદીલ કરી આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ ૧૬,૦૦૦ જેટલા અસરગ્રસ્તોને જિલ્લા/તાલુકામાં ફાળવાયેલી જમીન જૂની શરતમાં ફેરવાતા તેઓ જમીન, મકાન, /પ્લોટ ઉપર તેઓ ધિરાણ મેળવી શકશે અને તેનું ખરીદ-વેચાણ પણ કરી શકશે.

Most Popular

To Top