Dakshin Gujarat

ચીખલી: બાઈક ચાલકે વળાંક લીધો અને માર્ગને અડીને આવેલા જાંબુના ઝાડ સાથે અથડાતા મોત

ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના કૂકેરીમાં સુરખાઇ-અનાવલ માર્ગ ઉપર મા.મ અને સામાજીક વનીકરણના બેદરકારીભર્યા કારભાર વચ્ચે વધુ એક અકસ્માતમાં ચાપલધરાના બાઇક (Bike) સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. નડતરરૂપ માટીના ઢગ અને ઝાડને (Tree) હટાવવા વારંવાર કરાયેલી રજૂઆત પ્રત્યે ગંભીરતા નહીં દાખવનાર મા.મ. અને સામાજીક વનીકરણના અધિકારીઓ હજુ પણ નિર્દોષોના ભોગની રાહ જોશે કે પછી નક્કર કામગીરી કરાવશે તે જોવું રહ્યું.

  • મા.મ અને સામાજીક વનીકરણની બેદરકારીથી બાઇક ઝાડ સાથે અથડાતા યુવાનનું મોત
  • ચીખલીના સુરખાઇ-અનાવલ માર્ગ ઉપર માટીના ઢગ અને ઝાડને હટાવવાની રજૂઆત ધ્યાને લેવાઇ નહીં
  • વળાંકમાં ચાલકે સમતોલન ગુમાવતા માર્ગને અડીને આવેલા ઝાડ સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ સુરખાઇ-અનાવલ માર્ગ ઉપર કૂકેરી હનુમાન ફળિયા પાસે હિતેશ પરમારના ઘરની સામે રાત્રે વળાંકમાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા સુરખાઇ તરફ આવી રહેલી બાઇક જી.જે. 21 બીજે 3866 જાંબુના ઝાડ સાથે અથડાતા ચાલક સંતોષભાઇ જયંતિભાઇ પટેલ (ઉ.વ. 32 રહે. ચાપલધરા ડુંગરી ફળિયા)ને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે પાછળ બેસેલી તેની પત્ની કલાવતીબેનને ઇજા થઇ હતી. આ દંપતિ ખરોલી દેવલી માળી મંદિરનો સ્લેબ ભરવાનું કામ રાત્રે પુરુ કરી સુરખાઇ સર્કલ પાસે જમવા માટે જઇ રહ્યા હતા ત્યારે હનુમાન ફળિયા પાસેના વળાંકમાં સમતોલન ગુમાવતા માર્ગને અડીને આવેલા જાંબુના ઝાડ સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગેની ફરિયાદ મરનારના ભાઇ રજનીકાંત પટેલે આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કૂકેરીમાં હનુમાન ફળિયા પાસે વળાંક હોવા સાથે અગાઉ ગટર માટે ખોદકામ કર્યા બાદ લેવલ નહીં કરાતા માટીના ઢગ જેમના તેમ રહ્યા છે. હનુમાન ફળિયાના આંતરિક માર્ગ પરથી મુખ્ય માર્ગ પર જનાર વાહન ચાલકને વિઝિબિલિટિની સમસ્યા નડતી હોય છે. આ ઉપરાંત ત્યાં માર્ગને અડીને આવેલા ઝાડો પણ નડતરરૂપ હોય તેને દૂર કરવા સ્થાનિક જયદીપસિંહ પરમાર અને હિતેશ પરમારે મા.મ અને સામાજીક વનીકરણમાં રજૂઆત કરી હતી.

જાંબુનું ઝાડ કાપવાની રજૂઆત તો ઠેઠ જિલ્લા સંકલન સુધી પહોંચી હતી. પરંતુ આજદિન સુધી ન તો માટીના ઢગ હટાવાયા છે કે ન તો ઝાડ કપાયું છે. આ સ્થળે અવાર-નવાર નાના મોટા અકસ્માતો થતા ગતિ અવરોધક મુકવાની પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઇ હતી. ત્યારે હવે મા.મ અને સામાજીક વનીકરણના અધિકારીઓ જાગશે કે કેમ તે જોવું રહ્યું.

Most Popular

To Top