જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બાળકના જન્મ બાદ તેનું જન્મ પ્રમાણપત્ર તેની સત્તાવાર ઓળખ માટે ઉપયોગી બને છે. શાળામાં પ્રવેશ, પાસપોર્ટ, આધાર સહિત અનેક મહત્વપૂર્ણ કામોમાં જન્મતારીખ અને જન્મસ્થળ સાબિત કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. બીજી તરફ, પરિવારના કોઈ સભ્યના મૃત્યુ બાદ બેંક ખાતા, મિલકત, વારસાઈ હક અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ માટે મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી બને છે. આથી જન્મ કે મૃત્યુની નોંધણી સમયસર કરાવવી ખૂબ જરૂરી છે. જોકે ઘણી વખત કોઈ કારણસર પરિવાર દ્વારા સમયસર નોંધણી કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં કાયદામાં વિલંબિત નોંધણી માટે અલગ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
હાલના કાયદા મુજબ, જન્મ અથવા મૃત્યુની માહિતી નિર્ધારિત સમયગાળા બાદ આપવામાં આવે તો વિલંબ પ્રમાણે અલગ પ્રક્રિયા લાગુ પડે છે. Registration of Births and Deaths Act, 1969ની કલમ 13માં વિલંબિત નોંધણી અંગે જોગવાઈ કરવામાં આવી છે. નજો જન્મ કે મૃત્યુની માહિતી નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા બાદ પરંતુ 30 દિવસની અંદર આપવામાં આવે તો લાગુ પડતી લેટ ફી ચૂકવીને નોંધણી કરાવી શકાય છે. એટલે કે સામાન્ય સમયમર્યાદા ચૂકી ગયા પછી પણ તરત કાર્યવાહી કરવામાં આવે તો પ્રક્રિયા પ્રમાણમાં સરળ રહે છે. જો 30 દિવસથી વધુ સમય વીતી ગયો હોય પરંતુ એક વર્ષ પૂર્ણ થયું ન હોય, તો નોંધણી માટે સંબંધિત અધિકારીની લેખિત મંજૂરી જરૂરી બને છે. આ ઉપરાંત નિર્ધારિત ફી અને જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડે છે. કાયદામાં આવી સ્થિતિ માટે જિલ્લા સ્તરના સંબંધિત અધિકારીની મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે જો જન્મ અથવા મૃત્યુની નોંધણી એક વર્ષથી વધુ સમય સુધી કરવામાં આવી નથી, તો તેની પ્રક્રિયા વધુ સત્તાવાર ચકાસણી સાથે થાય છે. આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશ બાદ નોંધણી થઈ શકે છે. આ માટે જન્મ અથવા મૃત્યુની માહિતી સાચી હોવાનું ચકાસવું અને નિર્ધારિત ફી ચૂકવવી જરૂરી છે. આ નિયમનો હેતુ એ છે કે ઘણા વર્ષો બાદ જન્મ કે મૃત્યુની નોંધણી કરાવતી વખતે ખોટી માહિતી દાખલ ન થાય અને સત્તાવાર રેકોર્ડમાં યોગ્ય વિગતો જ નોંધાય. તેથી લાંબા સમય બાદ કરવામાં આવતી નોંધણી માટે વધારાની ચકાસણી રાખવામાં આવી છે.
જન્મ પ્રમાણપત્રનું મહત્વ છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વધ્યું છે. 2023ના સુધારા બાદ 1 ઓક્ટોબર 2023થી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ અનેક સરકારી અને કાયદાકીય પ્રક્રિયાઓમાં જન્મતારીખ અને જન્મસ્થળ સાબિત કરવા માટે કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર યાદી, લગ્ન નોંધણી, સરકારી નોકરી, પાસપોર્ટ અને આધાર નંબર જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ કારણે બાળકના જન્મ બાદ તેની નોંધણી સમયસર કરાવવી વધુ મહત્વપૂર્ણ બની છે. જન્મની નોંધણીમાં વિલંબ થવાથી આગળ જઈને વિવિધ દસ્તાવેજો બનાવતી વખતે વધારાની પ્રક્રિયા કરવી પડી શકે છે.
મૃત્યુ પ્રમાણપત્ર પણ એટલું જ મહત્વનું છે. પરિવારના કોઈ સભ્યના મૃત્યુ બાદ બેંક ખાતું બંધ કરાવવું અથવા તેમાં વારસદારનું નામ દાખલ કરાવવું, વીમાનો દાવો કરવો, મિલકત સંબંધિત વારસાઈ પ્રક્રિયા કરવી અથવા અન્ય કાયદાકીય કામકાજ પૂર્ણ કરવું હોય ત્યારે મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી બની શકે છે. મૃત્યુની નોંધણીમાં પણ સમયસર કાર્યવાહી ન થાય તો વિલંબિત નોંધણીની પ્રક્રિયા લાગુ પડે છે. એક વર્ષથી વધુ વિલંબ થાય ત્યારે સંબંધિત મેજિસ્ટ્રેટ સ્તરની મંજૂરી અને ઘટનાની ચકાસણી જરૂરી બને છે.
અહીં એક મહત્વની વાત એ છે કે જન્મ કે મૃત્યુની નોંધણી અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા રાજ્ય અને સ્થાનિક વહીવટી વ્યવસ્થા પ્રમાણે અમલમાં મુકાતી હોઈ શકે છે. તેથી કોઈ વ્યક્તિએ લાંબા સમયથી નોંધણી ન કરાવી હોય તો સંબંધિત સ્થાનિક રજિસ્ટ્રાર અથવા સત્તાવાર જન્મ-મૃત્યુ નોંધણી કચેરીનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો અને ફીની માહિતી મેળવવી જરૂરી છે. સત્તાવાર કાયદા મુજબ નોંધણીના રેકોર્ડ ઇલેક્ટ્રોનિક અથવા અન્ય રીતે જાળવી શકાય છે. જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રોની નકલ પણ નિર્ધારિત પ્રક્રિયા હેઠળ મેળવી શકાય છે.
આથી જન્મ કે મૃત્યુની ઘટના બને ત્યારથી જ તેની નોંધણીની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી સૌથી યોગ્ય છે. જો કોઈ કારણસર નોંધણીમાં વિલંબ થયો હોય તો વધુ સમય રાહ જોવાને બદલે સંબંધિત રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને એક વર્ષથી વધુ જૂની નોંધણી માટે વધારાની મંજૂરી અને ચકાસણી જરૂરી બની શકે છે. જન્મ અને મૃત્યુના સત્તાવાર રેકોર્ડ વ્યક્તિ અને પરિવાર માટે જ નહીં, પરંતુ સરકારના વિશ્વસનીય નાગરિક રેકોર્ડ માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી આ બંને ઘટનાઓની સાચી અને સમયસર નોંધણી કરાવવી જરૂરી છે.