વારાણસીમાં રવિવાર, 20 સપ્ટેમ્બર 2026ની સવારે UP ATS અને એક વોન્ટેડ નક્સલી કમાન્ડર વચ્ચે થયેલી અથડામણમાં 30 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો બૃજેશ ગંઝૂ ઉર્ફે ગોપાલ સિંહ ભોક્તા માર્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર બૃજેશ ઝારખંડમાં સક્રિય પ્રતિબંધિત નક્સલી સંગઠન તૃતીય પ્રસ્તુતિ કમિટી (TPC)નો કમાન્ડર હતો. તેના પર ઝારખંડ સરકાર તરફથી 25 લાખ રૂપિયા અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તરફથી 5 લાખ રૂપિયા, એટલે કે કુલ 30 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે બૃજેશ ગંઝૂ મૂળ ઝારખંડના ચતરા જિલ્લાના લૂટૂ વિસ્તારનો રહેવાસી હતો. સુરક્ષા એજન્સીઓ તેની લાંબા સમયથી શોધ કરી રહી હતી. તેના વિરુદ્ધ ટેરર ફંડિંગ, ખંડણી, નક્સલી સંગઠનની ગતિવિધિઓ ચલાવવી, વિકાસ કાર્યોમાં અવરોધ ઊભો કરવો તેમજ પોલીસ અને સુરક્ષા દળો પર હુમલા જેવા ગંભીર આરોપો હોવાની પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે. આ જ કારણોસર તે સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. મહત્વ નું એ છે કે રવિવારે વહેલી સવારે UP ATSને બૃજેશ ગંઝૂના વારાણસીમાં હોવાની બાતમી મળી હતી. પોલીસ મુજબ તે પોતાના એક સાથી સાથે બાઈક પર ટેંગરા મોડથી રામનગર થઈ મુગલસરાય તરફ જઈ રહ્યો હતો. બાતમીના આધારે ATS અને રામનગર પોલીસની ટીમે લંકા મેદાન નજીક તેની ઘેરાબંધી કરી અને તેને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસના આરોપ મુજબ, બૃજેશે અટકવાને બદલે બાઈક પરથી કૂદીને પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું. ત્યારબાદ પોલીસ તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી અને બંને તરફથી થયેલા ક્રોસ ફાયરિંગમાં બૃજેશને ગોળી વાગી.
આ અથડામણ દરમિયાન UP ATSના ડેપ્યુટી SP વિપિન રાય અને હેડ કોન્સ્ટેબલ નિતેન્દ્ર કૃષ્ણ પણ નિશાન પર આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બૃજેશ તરફથી કરવામાં આવેલા ફાયરિંગની ગોળીઓ બંને પોલીસકર્મીઓની બુલેટપ્રૂફ જેકેટ સાથે અથડાઈ હતી. બંને પોલીસકર્મીઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ગોળી વાગ્યા બાદ બૃજેશ ગંઝૂને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.એન્કાઉન્ટર બાદ પોલીસ અને ATSની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જો કે હવે તપાસનો એક મહત્વનો મુદ્દો એ છે કે બૃજેશ ગંઝૂ વારાણસીમાં શા માટે આવ્યો હતો, તે કોને મળવા જઈ રહ્યો હતો અને શહેરમાં તેનું કોઈ નેટવર્ક હતું કે નહીં. તેની સાથે રહેલા વ્યક્તિની ભૂમિકા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ તમામ બાબતો તપાસનો હિસ્સો છે અને પોલીસ ઘટનાક્રમ સાથે જોડાયેલા પુરાવા તથા બૃજેશની વારાણસીમાં થયેલી હિલચાલની માહિતી એકત્ર કરી રહી છે. 30 લાખના ઇનામવાળા નક્સલી કમાન્ડરનું વારાણસીમાં એન્કાઉન્ટર થવું સુરક્ષા એજન્સીઓ માટે મહત્વની કાર્યવાહી બની છે, પરંતુ બૃજેશ અહીં શા માટે આવ્યો હતો અને તેની પાછળનું નેટવર્ક શું હતું તે અંગેના સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે.