National

14 દિવસ પછી ચંદ્ર પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું શું થશે?

નવી દિલ્હી: ચંદ્ર (Moon) પર ભારતના ચંદ્રયાન3ને (Chandrayan3) 23 ઓગસ્ટના રોજ સફળતાપૂર્વકના લેન્ડિંગ કર્યું છે. ભારતે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડરને સોફ્ટ લેન્ડિંગ કરાવી ઈતિહાસ રચી દીધો છે. ત્યાર બાદ રોવર લેન્ડરની બહાર આવ્યું હતું અને પોતાનું કામ શરૂ કર્યું હતું. ઈસરોએ (ISRO) શુક્રવારે આ અંગે અપડેટ આપ્યું હતું.

ઈસરોએ કહ્યું કે પ્રજ્ઞાન રોવરે લગભગ 8 મીટર સુધી ચાંદ પર વોક કરી છે. આ સાથે જ તેની અંદર મુકવામાં આવેલા બે પ્લેલોડ્સને પણ એક્ટિવ કરાયા છે. જે બંને ડેટા એકત્ર કરી રહ્યાં છે. આગામી 14 દિવસમાં પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર કુલ 500 મીટરનું અંતર કાપશે.

ચંદ્ર પર લેન્ડિંગ બાદ ચંદ્રયાન3ના વિક્રમ લેન્ડરમાં ફીટ કરાયેલા બે સેગ્મેન્ટ ફોલ્ડેબલ રેમ્પની મદદથી રોવરને બહાર કાઢવામાં આવ્યું હતું. બહાર આવતા જ રોવરની સોલર પેનલ ખુલી ગઈ હતી. જેની મદદથી રોવર 50 વૉટ પાવર જનરેટ કરવામાં સક્ષમ છે.

ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી કહ્યું કે, રોવરની તમામ પ્લાન્ડ મૂવમેન્ટનું પરિક્ષણ કરી લેવાયું છે. રોવરે અત્યાર સુધી 8 મીટરનું અંતર કાપ્યું છે. પોસ્ટમાં એવું પણ કહેવાયું કે લેઝર ઈન્ડયૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) અને અલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટ્રોમીટર (APXS) સ્વીચ ઓન થઈ ગઈ છે.

ઈસરોએ કહ્યું કે, પ્રૉપલ્સન મૉડ્યુલ, લેન્ડર અને રોવર મૉડ્યુલ પર ફીટ કરાયેલા તમામ પ્લેલોડ્સ સારી રીતે કામ કરી રહ્યાં છે. રોવર દ્વારા ભેગા કરાયેલા ડેટા લેન્ડરને મોકલાઈ રહ્યાં છે, જે ઓર્બિટર સાથે કોન્ટેક્ટ કરી રહ્યાં છે.

ચંદ્રયાન2નું ઑર્બિટર પણ ધરતી સુધી ડેટા મોકલવામાં મદદ કરી રહ્યું છે. જણાવી દઈએ કે, જ્યાં સુધી ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર દિવસ રહેશે ત્યાં સુધી તમામ પ્લેલોડ ડેટા કલેક્ટ કરી ધરતી પર મોકલતા રહેશે.

શું છે મોટો પડકાર?
ચંદ્ર પર સૌથી મોટો પડકાર ભૂકંપ છે. ધરતીને ચોક્કસ ડેટા મળતા રહે તે માટે લેન્ડર અને રોવર બંને વચ્ચે કમ્યુનિકેશન જળવાયેલું રહે તે જરૂરી છે. ચંદ્ર પર સતત ભૂકંપ આવતો રહે છે. આવી સ્થિતિમાં લેન્ડર અને રોવર વચ્ચે સંપર્ક બનાવી રાખવું કપરું કાર્ય છે. વળી, ચંદ્ર સાથે ઘણી વાર ઉલ્કાપિંડ પણ અથડાતી રહે છે. તેનાથી સુરક્ષિત રહેવું પણ જરૂરી છે. ચંદ્ર પર વાયુમંડળ નહીં હોવાની સ્થિતિમાં ઉલ્કાપિંડ રસ્તામાં નાશ પામતા નથી અને સીધા જ ચંદ્રની સપાટી સાથે ટકરાઈ જાય છે.

14 દિવસ બાદ રોવર પ્રજ્ઞાન અને લેન્ડરનું શું થશે?
ચંદ્રયાન3 મિશનમાં આમ તો 14 દિવસનો જ પ્લાન બનાવાયો છે. જ્યાં સુધી ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર દિવસ રહેશે લેન્ડર અને રોવર બંને પોતાના માટે એનર્જી જનરેટ કરતા રહેશે અને પોતાનું કામ સારી રીતે કરતા રહેશે. દક્ષિણી ધ્રુવ પર અંધારું થયા બાદ લેન્ડર અને રોવર બંને નિષ્ક્રિય થઈ જશે.

જોકે, ચંદ્ર પર 14 દિવસની રાત પછી ફરી દિવસ થાય ત્યારે લેન્ડર અને રોવર કામ ફરી કામ કરે છે કે નહીં તે જોવું રહ્યું. જો લેન્ડર અને રોવર બંને ફરી સક્રિય થઈ જાય તો તે ઈસરો માટે બીજી મોટી ઉપલ્બિધિ બનશે. જોકે, ચંદ્ર પર રાત્રિના સમયે ખૂબ જ ઓછા તાપમાન રહેતું હોય છે અને ઓછા તાપમાનમાં લેન્ડર અને રોવર સુરક્ષિત રહે તેવી શક્યતા ઓછી છે.

Most Popular

To Top