National

કેન્દ્રનો મોટો નિર્ણય: બ્લેક ફંગસની દવા GST મુક્ત, કોવિડ રસી ઉપરાંત અન્ય દવાઓ પર પણ ટેક્સ ઘટાડાયો

નવી દિલ્હી: (Delhi) નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની (Nirmala Sitaraman) અધ્યક્ષતામાં જીએસટી (GST) કાઉન્સિલની 44 મી બેઠકમાં કોવિડ સંબંધિત દવા અને એમ્બ્યુલન્સ વગેરે જેવી અન્ય આવશ્યક ચીજો પર જીએસટીના દર ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે (Central Government) જરૂરીયાત મુજબ આ તમામ આવશ્યક ચીજો પર જીએસટીના જુદા જુદા દરો ઘટાડ્યા છે. એ જાણવું રહ્યું કે જીએસટી કાઉન્સિલ દ્વારા કોરોના વાયરસમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો અને દવાઓ પરના જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેમની માન્યતા 30 સપ્ટેમ્બર 2021 સુધી રહેશે.

રસી ઉપર પાંચ ટકા દર
જીએસટી કાઉન્સિલની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સિલ રસી ઉપર પાંચ ટકાના ટેક્સ દર જાળવવા સંમત છે. પરંતુ તે જ સમયે એમ્બ્યુલન્સ પરનો જીએસટીનો દર 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. તાપમાન ચકાસણી ઉપકરણો માટે જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.

કાળી ફૂગની દવા જીએસટી મુક્ત
દેશમાં કાળા ફૂગના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે તેની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા એમ્ફોટેરિસિન બી પરનો જીએસટીનો દર ન વસુલવાનો નિર્ણય કર્યો છે. સરકારે ટોસિલીઝુમાબ અને એમ્ફોટેરિસિન બી પરના કરનો દર શૂન્ય કરી દીધો છે. અગાઉ તેઓ પર પાંચ ટકાનો વેરો વસૂલવામાં આવતો હતો.

ગુજરાતનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ કરી જાહેરાત

આ અંગે ગુજરાત સરકાર દ્વારા પણ મહત્વની જાહેરાત કરાઈ છે. કોરોનાને લગતી તમામ સાધન સામગ્રી પર ટેક્સ માફ કરી દેવાયો છે જ્યારે કેટલીક સામગ્રી પર માત્ર 5 ટકા ટેક્સ જ વસુલવાનો નિર્ણય લેવાયો છે. આ નિયમ સોમવારથી અમલમાં આવશે અને સેમ્ટેમ્બર સુધી નવા દર લાગું રહેશે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના અને તેને લગતા તમામ ઇન્જેક્શનમાં 5 ટકા ટેક્સ માફી કરવામાં આવી છે. મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન પર 5 ટકા ટેક્સ હતો તે હવે હટાવી લેવાયો છે. કોરોનામાં ઉપયોગી તેવી તમામ દવાઓ પર માત્ર 5 ટકા ટેક્સ જ વસુલાશે. ઓક્સિજન પર 12 ટકાને બદલે 5 ટકા ટેક્સ વસુલાશે. લોહી પાતળું કરવા માટેના ઇન્જેક્શન પર 12 ટકા ટેક્સ હતો તે 5 ટકા કરવામાં આવ્યો.

જાણો શેમાં-શેમાં ટેક્સ ઘટાડો કરાયો

  • મ્યુકોરમાઇકોસીસ ઇન્જેક્શન પર પણ 5 ટકા નો GST દર હટાવાયો જે હવે શૂન્ય થયો
  • ઓક્સિજન પર 12 ટકા GST ઘટાડી 5 ટકા કરાયું છે
  • રેમડેસિવિર ઈનેજક્શન પર 12 ટકા ટેક્સ થી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો
  • કોન્સન્ટ્રેટર જનરેટર માં 12 ટકા GST માં ઘટાડો કરી 5 ટકા કરાયો
  • વેન્ટિલેટર પર 12 ટકા નો GST ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો
  • બાયપેપ મશીન 12 ટકા ટેક્સ હતો જે ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે
  • એમ્બ્યુલન્સ પર 28 ટકા ટેક્સ હતો જે 12 ટકા કરવામાં આવ્યો
  • સેનેટાઈઝર પર પણ‌ 5 ટકા ટેક્ષ કરવામાં આવ્યો જે પહેલા 18 ટકા હતો

Most Popular

To Top