Editorial

રોગનું નામ પણ વંશીય ભેદભાવ વકરાવી શકે?: મંકીપોક્સનું નામ બદલવું પડ્યું!

વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ હાલમાં મંકીપોક્સ રોગનું નામ બદલીને એમપોક્સ કર્યું છે, જે માટે એવું કારણ આપ્યું છે કે આ દાયકાઓ જૂના પ્રાણીજન્ય રોગનું મૂળ નામ ભેદભાવભર્યું અને નસલભેદવાદી ગણવામાં આવી શકે છે. કદાચ કોઇને  આ બાબતે નવાઇ પણ લાગે. રોગનું નામ કઇ રીતે વંશવાદી બની શકે? પરંતુ માનવ મનની વિકૃતિઓ જોતા આવું બધું શક્ય છે જ. મંકીપોક્સ નામ આમ પણ થોડું કલંક પ્રેરે તેવું ઘણાને લાગતું હતું. જેને મંકીપોક્સ થયો હોય તે માણસને  વાંદરા સાથે લોકો સરખાવવા માંડે કે બીજી અભદ્ર ટિપ્પણીઓ તેના વિશે કરવા માંડે તે શક્ય હતું અને છે.

આમ તો સ્વાઇન ફ્લુને માટે આપણે ત્યાં ડુક્કરીયો તાવ એવો શબ્દ પણ અસ્તિત્વમાં આવ્યો તો હતો જ, જો કે સારું થયું કે  તે બહુ  પ્રચલિત નહીં બન્યો. મંકી પોક્સ રોગ સૌ પહેલા વાંદરાઓમાં દેખાયો હતો તેથી તેને આ નામ આપવામાં આવ્યું છે, જ્યારે સ્વાઇન ફ્લુ એ સ્વાઇન એટલે કે ડુક્કરોમાં જોવા મળતો એક પ્રકારનો તાવ છે જે માણસોમાં પણ ફેલાયો છે અને તેથી  આ ફ્લુને સ્વાઇન ફ્લુ નામ આપવામાં આવ્યું છે. આમાં નામ બાબતે કોઇ દરકાર ન હોવી જોઇએ, રોગના ઉદભવને ધ્યાનમાં લઇને સામાન્ય રીતે તેમને નામ આપવામાં આવે છે.

પરંતુ માણસોમાં અદક પાંસળીઓનું પ્રમાણ નોંધપાત્ર છે. જેને  મંકીપોક્સ રોગ થયો હોય તેને બાદમાં વાંદરા સાથે અને સ્વાઇન ફ્લુ થયો હોય તેને ડુક્કર સાથે સરખાવનારાઓ પડ્યા જ છે. મંકીપોક્સમાં મોટો ભય નસલ કે વંશને લગતા સંદર્ભનો પણ હતો. મંકીપોક્સનો રોગ મોટે ભાગે કેટલાક આફ્રિકન  દેશોમાં જ દેખાતો હતો. આફ્રિકાની કાળી પ્રજાને ૫શ્ચિમી દેશોમાં ઘણા લોકો ઘૃણાની નજરે જુએ છે અને કેટલાક લોકો તો આફ્રિકન સમુદાયના લોકોને આમ પણ વાંદરા તરીકે ઓળખાવતા હતા, આવા નસલભેદવાદીઓને માટે મંકીપોક્સ નામ  આફ્રિકન પ્રજાને કલંક લગાડવા માટે બહુ અનુકૂળ થઇ પડે તેવું હતું. અને આથી જ આવા કારણોસર વિશ્વ આરોગ્ય સંગઠનને મંકીપોક્સ નામ બદલવાની ફરજ પડી છે.

યુએનની આ આરોગ્ય એજન્સીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એમપોક્સ એ મંકીપોક્સ માટેનું નવુ પસંદ કરવામાં આવેલું નામ છે અને કહ્યું હતું કે આવતા વર્ષે બંને મંકીપોક્સ અને એમપોક્સ નામો ઉપયોગમાં લેવાશે અને જૂનુ  નામ તબક્કાવાર નાબૂદ કરવામાં આવશે. હુએ જણાવ્યું હતું કે મંકીપોક્સ ૧૦૦ કરતા વધુ દેશોમાં ફેલાયો તે પછી નસલભેદવાદી અને અમુક સમુદાય પર કલંક લગાડે તેવી ભાષા વપરાતી થઇ હતી. આ સંસ્થાએ જણાવ્યું હતું કે ઘણી  વ્યક્તિઓ અને દેશોએ આ સંગઠનને આ નામ બદલવા માટે ભલામણ કરી હતી.

જેમણે આ રોગનું નામ બદલવાની ભલામણ કરી હતી તેમાં અમેરિકાના ન્યૂયોર્ક મહાનગરના જાહેર આરોગ્ય વિભાગના કમિશ્નર અશ્વિન વાસનનો પણ સમાવેશ  થાય છે. તેમણે હુના વડા ટેડ્રોસ અધાનોમને એક પત્ર લખીને મંકીપોક્સનું નામ બદલવાની માગણી કરી હતી. તેમણે પણ પોતાના પત્રમાં એ જ વાત મૂકી હતી કે આ રોગનું નામ વંશીય ભેદભાવ વકરાવી શકે છે. ખાસ કરીને અશ્વેત લોકો  અને સજાતીય સમુદાયને આ નામની આડમાં નિશાન બનાવી શકાય છે એ મુજબનો તેમનો અભિપ્રાય હતો અને તે યોગ્ય જ હતો.

છેવટે આ બધી ભલામણો અને માગણીઓ ધ્યાનમાં લેવામાં આવી અને ઓગસ્ટ મહિનામાં હુએ આ રોગનું  નામ બદલવા માટે નિષ્ણાતોની સલાહ લેવાનું શરૂ કર્યું હતું, એના થોડા સમય પછી જ યુએનની આ એજન્સીએ મંકીપોક્સના ફેલાવાને વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી. અત્યાર સુધી વિશ્વના ડઝનબંધ દેશોમાં મંકીપોક્સના એંસી હજાર કરતા  વધુ કેસો નોંધાય ચુક્યા છે અને આફ્રિકાની બહાર આ રોગ મોટે ભાગે સજાતીય સંબંધો બાંધતા પુરુષોમાં જોવા મળ્યો છે. અને સજાતીય લોકોમાં આ રોગ વધુ ફેલાયો તે પણ એક ચર્ચાની બાબત બની છે.

મંકીપોક્સનો રોગ આમ તો દાયકાઓ જૂનો છે, પરંતુ અગાઉ તે આફ્રિકન દેશોમાં જ જોવા મળતો હતો. છેક ૧૯પ૮માં ડેન્માર્કમાં વાંદરાઓમાં આ રોગ સંશોધકોને જોવા મળ્યો તેના પછી તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યું હતું. જો કે  માણસોમાં આ રોગ મોટે ભાગે કેટલાક આફ્રિકી દેશોમાં જ વધુ દેખાયો છે. આ પ્રથમ વખત બન્યું છે કે કોઇ રોગને નામ અપાયું હોય તેના દાયકાઓ પછી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તે રોગનું નામ બદલ્યું હોય. અગાઉ જાપાનીઝ એનસેફેલિટીસ,  જર્મન મિસલ્સ માબર્ગ વાયરસ જેવા નામો ભૌગોલિક સ્થળોના નામ પરથી અપાયા છે પણ તે બદલવામાં આવ્યા નથી.

જાપાન કે જર્મનીમાં આ રોગો સૌપ્રથમ દેખાયા હોવાથી તેમને આવા નામ અપાયા પણ જો કે તે જાપાન અને જર્મનીને માટે બહુ કલંકનું કારણ બન્યા નથી. કોવિડ-૧૯નો રોગ ચીનમાંથી ઉદભવ્યો હોવાનું કહેવાય છે પરંતુ તે બાબતે એકદમ સ્પષ્ટતા નથી. અને કદાચ તેથી જ તેને ચીન સાથે સાંકળતું કોઇ નામ આપવામાં આવ્યું નથી. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર જાહેરમાં ચાઇનીઝ વાઇરસ એવો શબ્દ કોવિડના રોગ માટે વાપર્યો હતો અને ચીને તેની સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. રોગના નામ પણ વિવાદ જન્માવી શકે છે તે પણ એક કઠોર વાસ્તવિકતા છે.

Most Popular

To Top