Dakshin Gujarat

કડોદના ચશ્માના વેપારીને એક ફોનકોલ આવ્યો અને બેન્કમાંથી 45 હજાર ગાયબ

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના કડોદના દુકાનદાર પર ફોન (Phone) આવ્યા બાદ તેમના બેન્ક ખાતામાંથી તબક્કાવાર 45 હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. દુકાનદારે બારડોલી ગ્રામ્ય પોલીસમાં (Police) ફરિયાદ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

  • કડોદના ચશ્માના વેપારીને એક ફોનકોલ આવ્યો અને બેન્કમાંથી 45 હજાર ગાયબ!
  • ફ્રોડની શંકા જતાં કોલ ડિસ્કનેક્ટ કરી દીધો, છતાં પણ ચીટર ત્રણ તબક્કે ખાતામાંથી પૈસા ઉડાવી લેવામાં સફળ

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના કડોદ ગામે નાની બજારમાં રહેતા આરીફ યુસુફ કડોદવાળા (ઉ.વર્ષ 42) મઢી ખાતે ચશ્માની દુકાન ચલાવે છે. ગત 9મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને શૂન્ય ટકા વ્યાજે લોન મળશે તેમજ ક્રેડિટ કાર્ડ બનાવી આપવામાં આવશે એવું ફોન કરનારે જણાવ્યું હતું. પરંતુ ફ્રોડ કોલ હોવાનું લાગતાં આરીફે ફોન મૂકી દીધો હતો.

એક કલાક બાદ તેમના ખાતામાંથી પહેલા 25 હજાર, 10 હજાર અને 9999 રૂપિયા મળી તબક્કાવાર કુલ 44999 રૂપિયા કપાઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. આ અંગે બેન્કમાં જાણ કર્યા બાદ આરીફે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલી ક્રિષ્નાનગરમાં મોપેડ સવાર મહિલાની ચેઈન તોડી સ્નેચરો ફરાર
બારડોલી : બારડોલીના ક્રિષ્નાનગર પાસે માતા અને બાળકો સાથે મોપેડ પર જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડી મોટરસાઇકલ સવાર બે શખ્સો નાસી છૂટ્યાં હતાં. પીછો કરવા જતાં મહિલા મોપેડ સાથે નીચે પટકાતા તેણીની માતાને ઇજા પહોંચી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના બાબેન ગામે શબરીધામ સોસાયટીમાં રહેતાં જ્યોતિબેન વિજયસિંગ રાજપુત, ગત 28મીના રોજ તેની માતા પ્રેમીલાબેન તથા બાળકો સાથે બારડોલીની હુડકો સોસાયટીમાં આવેલ તેમના બીજા ઘરે જવા માટે નીકળ્યા હતાં. બારડોલીની ક્રિષ્ના નગર પાસેથી મોપેડ પર પસાર થતી વખતે પાછળથી મોટરસાઇકલ પર આવેલા બે શખ્સો મોપેડ ચાલક જ્યોતિબેનના ગળામાંથી સોનાની બે તોલાની ચેઈન તોડી નાસી છૂટ્યાં હતાં. મહિલાએ મોટરસાઇકલ ચાલકનો પીછો કર્યો હતો, પરંતુ તે દરમિયાન તેની મોપેડ સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતમાં તેમની માતા પ્રેમીલાબેનને ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પોલીસે હાલ બે અજાણ્યા ચેઈન સ્નેચરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top