Sports

ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં બુમરાહ અને રાહુલ નહીં રમે, આ છે કારણ..


રાંચી: ભારત વર્સીસ ઈંગ્લેન્ડની પાંચ ટેસ્ટ મેચની સિરિઝમાં ભારત 2-1થી આગળ છે. હવે આ સિરિઝની ચોથી ટેસ્ટ મેચમાં રાંચીમાં રમાનાર છે. ભારતીય ટીમ રાંચી પહોંચી ચુકી છે. દરમિયાન એક મોટા સમાચાર બહાર આવ્યા છે. ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર અને વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ અને કે.એલ. રાહુલ નહીં રમે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બુમરાહને ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપવાનું નક્કી કર્યું હોવાની વિગતો સામે આવી છે. ભારતે તેના વર્કલોડને ટાંકીને સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની આગામી 4થી ટેસ્ટ માટે આરામ આપ્યો છે. બુમરાહ ત્રણેય ટેસ્ટનો ભાગ રહ્યો છે, તેણે ભારતને બાઉન્સ બેક કરવામાં અને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

બુમરાહના સ્થાને ચોથી ટેસ્ટ મેચ માટે બંગાળનો ફાસ્ટ બોલર મુકેશ કુમાર ટીમ સાથે જોડાયો છે. રાંચીમાં તા. 23 ફેબ્રુઆરીને શુક્રવારથી સિરિઝની ચોથી ટેસ્ટ મેચ શરૂ થશે. મેચ માટે ભારતીય ટીમ મંગળવારે બપોરે રાંચીમાં પહોંચી ગઈ હતી.

બીજી તરફ કે.એલ. રાહુલ ચોથી ટેસ્ટ મેચ ગુમાવશે. કેએલ રાહુલ હજી સ્વસ્થ થયો નથી અને તે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને પાંચમી અને અંતિમ ટેસ્ટમાં તેની ભાગીદારી ફિટનેસને આધીન છે. આ અગાઉ રાહુલ અને જાડેજા બંને ઈન્જર્ડ થયા હતા. જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જ્યારે રાહુલના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુ:ખાવાની ફરિયાદ હતી. બંનએ વિશાખાપટ્ટનમમાં બીજી મેચ ગુમાવી હતી. જોકે, જાડેજા ત્રીજી મેચમાં પરત ફર્યો હતો અને મેચ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, રાહુલ હજુ ફીટ થયો નથી.

ચોથી ટેસ્ટ માટે ભારતની અપડેટેડ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (WK), કેએસ ભરત (WK), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

Most Popular

To Top