Business

રાજ્યમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે ત્યારે સરકાર ઉત્સવો અને ઉજવણીમાં વ્યસ્ત: કોંગ્રેસ

અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) H3N2 વાયરલ ઇન્ફેકશનના દર્દીમાં મોટા પાયે વધારો નોંધાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Hospital) છેલ્લા દસ દિવસમાં ૩૮૦૦૦ જેટલા દર્દીઓ ઓપીડીમાં (OPD) નોધાયા છે. છેલ્લા પંદર દિવસમાં એન્ટી બાયોટીક, એન્ટી વાયરલ અને કફ સીરપના વેચાણમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો જે ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે. બીજી બાજુ ભાજપ સરકાર ઉત્સવો-ઉદ્ઘાટન-ઉજવણીમાં વ્યસ્ત છે અને દર્દીઓ ત્રસ્ત છે.

પ્રદેશ કોંગ્રેસના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મોટાભાગના દર્દીઓમાં કફ, ખાંસી, કોલ્ડ ફીવરની ફરિયાદ છે. આ ઈન્ફલ્યુએન્ઝાનાં ચેપ લાગવાથી તાવ, ઉધરસ (સામાન્ય રીતે સૂકી), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, ગળામાં દુખાવો અને નાક વહેવા જેવા લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકોને એક અઠવાડિયામાં તાવ સારો થઈ જાય છે, પરંતુ ખાંસીને ઠીક થવામાં બે કે તેથી વધુ અઠવાડિયા લાગે છે.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે ઇન્ડિયન મેડીકલ એસોશિયેશન (IMA) દ્વારા એન્ટી બાયોટીકનો મર્યાદિત ઉપયોગ કરવા માર્ગદર્શિકા જાહેર કરી છે. પરંતુ ગુજરાતની ભાજપ સરકાર સાધનો ખરીદી, મોટા ટેન્ડરો, મોટા બિલ્ડીંગોના બાંધકામમાં વિશેષ રસ ધરાવે છે અને આરોગ્ય વિભાગને ગુજરાતનાં આરોગ્યની ચિંતા નથી. અંબાજીથી ઉમરગામ સહિતના રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ન ડોક્ટર, ન દવા, દર્દીઓ રામ ભરોસે થઈ ગયા છે. ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા સ્તરની હોસ્પિટલોમાં દવાના અપૂરતા જથ્થાના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ભાજપ શાસનમાં આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. ત્યારે સરકાર તાત્કાલિક નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વાયરલ ઇન્ફેકશન અંગે માર્ગદર્શિકા, ગ્રામ વિસ્તારમાં મેડીકલ, પેરા મેડીકલ સહીતના કર્મચારીઓ, આશાવર્કર બહેનોને જવાબદારીઓ સોપી તાત્કાલિક સર્વે કરાવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા સ્તરની હોસ્પિટલોમાં દવાની સત્વરે પુરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Most Popular

To Top