Gujarat

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના મામલે ગૃહમાં કોંગ્રેસના દેખાવો સાથે સૂત્રોચ્ચાર

ગાંધીનગર: અંબાજી (Ambaji) મંદિરમાં મોહનથાળાનો પ્રસાદ બંધ કરી દેવાનો મામલો હવે ગુજરાત (Gujarat) વિદાનસભામાં ગૂંજયો છે. ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસના (Congress) સભ્યો દ્વારા આજે ગૃહની અંદર મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાના મામલે ચર્ચા માંગી હતી. આ ચર્ચા 116ની તાકિદની અગત્યની બાબતની નોટિસ દાખલ થાય તો જ તેને ચર્ચા પર લઈ શકાય , તેવુ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહેતા કોંગ્રેસના સભ્યોએ પ્લે કાર્ડ બતાવીને વિરોધ કરીને દેખાવો સાથે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. એટલું જ નહીં કોંગીના સભ્યો વેલ ઓફ ધી હાઉસમાં આવી ગયા હતા.

વિધાનસભામાં અંદાજપત્ર પરની ચર્ચા ચાલી રહી તે દરમ્યાન અધ્યક્ષ શંકર ચૌધરીએ આપના સભ્યને ચર્ચામાં ભાગ લેવા માટે નામ લેતા અચાનક કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમીત ચાવડાએ અંબાજી મંદિરની મહનથાળના પ્રશ્ન પર ચર્ચાની માંગ કરી હતી. જેમાં તેમને અધ્યક્ષે અટકાવ્યા હતા. જેના પગલે કોંગ્રેસના સભ્યોએ અંબાજી મંદિરમાં મોહનથાળને પ્રસાદ શરૂ કરવા માંગ કરતાં પ્લે કાર્ડ દર્શાવ્યા હતા. જેમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરાઈ હતી. એક તબક્કે કોંગ્રેસના સભ્યો ઊભા થઈને વેલ ઓફ ધી હાઉસમાં આવી ગયા હતા. તેમણે સુત્રોચ્ચાર સાથે તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. જેના પગલે અધ્યક્ષે તેમને નેમ કર્યા હતા. એટલું જ નહીં જે સભ્યો વેલ ઓફ ધી હાઉસમાં આવી ગયા છે , તેમને નેમ કરીને પગલા લેવાશે, તેવી ચેતવણી પણ આપી હતી. તેમ છતાંયે કોંગીના સભ્યોએ દેખાવો તથા સૂત્રોચ્ચાર ચાલુ રાખતા સંસદિય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગીના નેમ કરાયેલા સભ્યોને આજના દિવસની કાર્યવાહીમાંથી ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેને રાજય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ટેકો આપતાં આ દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જેના પગલે અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગીના વેલ ઓફ ધી હાઉસમાં આવી ગયેલા સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.

વિધાનસભાની બહાર અમીત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હિન્દુઓના મતો લઈને આવેલી સરકારે આજે અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દીધો છે. અમારી માંગ છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી ચાલુ કરવો જોઈએ. આજે શ્રદ્ધાળુઓને ભય છે કે હવે અંબાજી પછી ભાજપની સરકાર સોમનાથ, ડાકોર તથા બહુચરાજીનો પ્રસાદ પણ બદલી નાંખશે. અમે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદની ગૃહમાં વાત કરી તો અમને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેને અમે વખોડી નાંખીયે છીએ.

Most Popular

To Top