Dakshin Gujarat Main

બીલીમોરા પાલિકાના શાસક પક્ષના નેતા હરીશ ઓડ ઉપર પાંચ શખ્સનો જીવલેણ હુમલો

બીલીમોરા: (Bilimora) બીલીમોરા નગરપાલિકાના (Municipality) શાસક પક્ષના નેતા હરીશ ચીમનભાઈ ઓડ ઉપર ગણદેવી ચાર રસ્તા પાસે પાંચ અજાણ્યાઓ દ્વારા જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી ભાગી છુટ્યા હતા. તાબડતોબ તેમને બીલીમોરા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને સુરત લઈ જવાયા છે. સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણદેવી પોલીસ (Police) હુમલાખોરો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ તેમની ઉપર જૂની અદાવતમાં હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બીલીમોરા અને વધુ સારવાર માટે સુરત ખસેડાયા
  • GJ 6 પાસિંગવાળી સફેદ કારમાં આવેલા પાંચ હુમલાખોરો લાકડા હોકી લઈને તૂટી પડ્યા
  • ડાબો હાથ અને પગ ઉપર બેરહેમીથી માર મારવામાં આવતા તેઓ અર્ધ બેભાન થઈ ગયા હતા
  • જૂની અદાવતમાં હુમલો થયો હોવાનું જાણવા મળે છે
વાયરલ થયેલો વીડિયો

બુધવારે બપોરે આશરે 12 કલાકે બીલીમોરા નગરપાલિકાના શાસક પક્ષના નેતા હરીશ ચીમનભાઈ ઓડ જ્યારે ગણદેવી ચાર રસ્તા પાસે હતા તે સમયે સફેદ રંગની GJ 6 પાસિંગવાળી કારમાં આવેલા પાંચ અજાણ્યા હુમલાખોરો તેમના ઉપર લાકડા હોકી લઈને તૂટી પડ્યા હતા. આંખના પલકારામાં તેમના ઉપર ઉપરાઉપરી લાકડાના ફટકા વરસાવી તેમને ગંભીર રીતે ઘાયલ કરીને હુમલાખોરો નવસારી તરફ નાસી છૂટ્યા હતા. ભાજપી એવા હરીશ ઓડ અને બીલીમોરા પાલિકાના શાસક પક્ષના નેતા ઉપર થયેલા હુમલાથી ચકચાર મચી જવા પામી છે.

તાત્કાલિક તેઓને બીલીમોરાની ગુપ્તા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પણ તેમનો ડાબો હાથ અને પગ ઉપર બેરહેમીથી માર મારવામાં આવતા તેઓ અર્ધ બેભાન થઈ ગયા હતા. જોકે તેમનો ડાબો હાથ અને પગ તૂટી ગયા હતા અને તેમને પેટ કે છાતીમાં પણ ગુપ્ત માર મારવામાં આવ્યો હતો. ઇજા વધુ ગંભીર હોવાને કારણે પ્રથમ તેઓને બીલીમોરા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હુમલા પાછળ રેતીનો ધંધો કારણભૂત
ગણદેવી ચાર રસ્તે બનેલા આ જીવલેણ હુમલા પાછળ તેમનો રેતીનો ધંધો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમના પ્રતિસ્પર્ધીઓ દ્વારા તેમના ઉપર ધંધાની ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો થયો હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top