Gujarat

LRD ઉમેદવારોનાં આંદોલનનો અંત આવ્યો, સરકાર હવે આટલા ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર કરશે

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી LRD ઉમેદવારો વિવિધ માંગણીઓને લઈને આંદોલન (Protest) કરી રહ્યા હતા. જેનો આજે ઉમેદવારોના હિતમાં સુખદ અંત આવ્યો છે. રાજ્યના ગૃહમંંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે LRD ઉમેદવારોની આજે એક બેઠક (Meeting) યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારોની માંગણીને ધ્યાનમાં રાખીને હવે 10 ટકાના બદલે 20 ટકા વેઈટિંગ લિસ્ટ (Waiting list) બનાવાશે. ગૃહરાજ્ય મંત્રી દ્વારા ઉમેદવારોની આ માંગણી બપોરે 12.39 કલાકે એટલે કે વિજય મુહૂર્તમાં જાહેરાત કરવામાં આવી હતી.  આ હકારાત્મક નિર્ણય બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉમેદવારોએ એકબીજાને મોઢું મીઠું કરાવ્યું હતું.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક 12,198 જગ્યા પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, અને જેનું પરિણામ 2020માં આવ્યું હતું, પરંતુ આ પરીણામ બાદ વેઈટિંગ લિસ્ટ બનાવાયું નહોતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આ અંગે સરકારને વિવિધ રજૂઆતો મળી હતી જેને લઈને ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી હવેથી LRDમાં રાજ્યમાં સૌ પ્રથમવાર ખાસ કિસ્સામાં 10 ટકાને બદલે હવે 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી જાહેર કરવામાં આવશે.

આ અંગે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં પહેલી વાર વેઈટિંગ લીસ્ટ 10ના બદલે 20 ટકા કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષામાં સતત વધી રહેલા ગુનાઓને બનતા અટકાવવા માટે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યં હતું કે જે ઉમેદવારોની એજ લીમટ થઈ ગઈ હોય તેવા ઉમેદવારોને પણ લાભ મળશે અને સરકારી નોકરીની તક મળશે. તેમજ પોલીસ બેડામાં વધારે ઉમેદવારો મળશે. બે દિવસ બાદ આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવશે. તેમજ જે ઉમેદવારો પર પોલીસ કેસ થયા છે તે પરત ખેંચવામાં આવશે. હર્ષ સંઘવીએ વિશ્વાસ અપાવ્યો છે કે આંદોલન દરમિયાન થયેલા ખોટા કેસ અંગે સરકાર દ્વારા બનતી મદદ કરવામાં આવશે. સરકારે LRD ઉમેદવારોને વાયદો આપ્યો હતો એ પુર્ણ કર્યો છે. પુરુષની ભરતીમાં ૨૦ ટકા વેઇટીંગ લિસ્ટ ઓપરેટ થશે. સાથે જ મહિલા ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ ક્લીયર કરી દેવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે આંદોલનને લઈને બે ઉમેદવારોએ બાધા પણ રાખી હતી. જેમાંથી એક ઉમેદવારની ચા ની બાધા હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિર્ણય જાહેર કર્યા બાદ ઉમેદવારોને મીઠાઈ ખવડાવી મોંઢું મીઠું કરાવ્યું હતું અને જે ઉમેદવારની ચા ની બાધા હતી તેને ચા પણ પીવડાવી હતી.

Most Popular

To Top